અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદના થલતેજમાં 26 વર્ષીય યુવતીએ જીવન ટૂંકાવ્યું, 11મા માળેથી પડતાં મોત

અમદાવાદ: શહેરના થલતેજ વિસ્તારમાં મેટ્રો સ્ટેશન નજીક આવેલી શક્તિ-140 ફ્લેટ સોસાયટીમાં એક કરુણ ઘટના સામે આવી છે. સોસાયટીના A બ્લોકમાં પરિવાર સાથે રહેતી 26 વર્ષીય દીપિકા ગોગીયાનું ઊંચાઈ પરથી પડતાં મૃત્યુ થયું છે. બનાવની જાણ થતાં બોડકદેવ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.

મળતી માહિતી મુજબ, દીપિકા તેના માતા-પિતા અને બહેન સાથે શક્તિ-140 ફ્લેટના A બ્લોકમાં રહેતી હતી. મોડી રાત્રિના સમયે તે બિલ્ડિંગના 11મા માળની અગાશી પરથી નીચે પડી હતી. ગંભીર ઈજાઓને કારણે તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે.

બનાવ બાદ સોસાયટીમાં દોડધામ

ઘટનાની જાણ થતાં સોસાયટીના રહીશો ઘટનાસ્થળે એકત્રિત થયા હતા. યુવતીના અચાનક મૃત્યુથી પરિવારજનો પણ આઘાતમાં સરી પડ્યા હતા. ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવતા બોડકદેવ પોલીસ સ્ટેશનનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો.

પોલીસે જરૂરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. સાથે જ પરિવારજનોના નિવેદન લેવાની તેમજ બનાવ પાછળના સંજોગોની તપાસ શરૂ કરવામાં આવી છે.

ઘટનાસ્થળેથી કોઈ સ્યુસાઇડ નોટ મળી નથી

બોડકદેવ પોલીસ સ્ટેશનના PIના જણાવ્યા મુજબ, તપાસ દરમિયાન ઘટનાસ્થળેથી કે યુવતી પાસેથી કોઈ સ્યુસાઇડ નોટ મળી આવી નથી. પોલીસ પરિવારના સભ્યોની પૂછપરછ કરી રહી છે અને અન્ય જરૂરી વિગતો પણ મેળવવામાં આવી રહી છે.

પરિવાર દ્વારા પોલીસ સમક્ષ રજૂ કરવામાં આવેલી મેડિકલ ફાઇલ પ્રમાણે યુવતી છેલ્લા કેટલાક સમયથી માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સારવાર અને દવાઓ લઈ રહી હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. જોકે, તેના મૃત્યુ પાછળનું ચોક્કસ કારણ શું હતું તે અંગે પોલીસ તપાસ ચાલુ છે અને હાલ કોઈ અંતિમ નિષ્કર્ષ પર પહોંચી શકાય તેમ નથી.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ સમગ્ર ઘટનાને લઈને વધુ વિગતો સ્પષ્ટ થશે.

આ પણ વાંચો: માતા-પિતાએ જ માસૂમ બાળકને વેચી દીધું! આશા વર્કર નીકળી માસ્ટરમાઇન્ડ, જાણો શું છે આખો મામલો?

Back to top button