ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત: નથી નોકરી, નથી આવક છતાં રૂ.5.50 કરોડની લોન, SBI બેંકમાં કૌભાંડ

  • બેંકના ઓડિટ રિપોર્ટમાં ખુલાસો થતાં કૌભાંડ બહાર આવ્યું
  • કમિશન પર ઊંચો પગાર દર્શાવી રૂ. 4.75 કરોડની લોન લીધી
  • દાહોદ જિલ્લામાં આવેલી એસબીઆઈમાં મોટુ લોન કૌભાંડ થયુ

ગુજરાતના દાહોદ જિલ્લામાં આવેલી એસબીઆઈમાં મોટુ લોન કૌભાંડ થયુ છે. દેશની ટોચની સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની દાહોદની બે બ્રાન્ચે લોન માટે લાયકાત પણ ન ધરાવતા લોકોને રૂ. 5.50 કરોડની લોન ફાળવી હોવાનો ખુલાસો થયો છે. બેંકના ઓડિટ રિપોર્ટમાં ખુલાસો થતાં બ્રાન્ચ મેનેજરે પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી છે.

પૂર્વ બેન્ક મેનેજર સહિત 18 લોકોની ધરપકડ કરવામાં આવી

ફરિયાદના આધારે પૂર્વ બેન્ક મેનેજર સહિત 18 લોકોની ધરપકડ કરવામાં આવી છે. દાહોદ પોલીસે જણાવ્યું હતું કે, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની બે જુદી-જુદી શાખાના એજન્ટ્સે બેન્કના પૂર્વ મેનેજર સાથે મળી નકલી સેલેરી સ્લિપ અને નકલી દસ્તાવેજો તૈયાર કરી બેન્ક પાસેથી રૂ. 5.50 કરોડની લોન લીધી હતી. અમુક રેલવે કર્મચારીના પગાર ઓછા હોવા છતાં નકલી સેલેરી સ્લિપ બનાવી આંકડો વધારીને દર્શાવવામાં આવ્યો હતો. તેમજ અમુક લોકો પાસે તો નોકરી પણ ન હતી, તેમ છતાં તેમને સરકારી ડ્રાઈવર, શિક્ષકના નકલી દસ્તાવેજ તથા સેલેરી સ્લિપ બનાવી લોન અપાવી હતી. આ મામલે બેન્ક મેનેજર તરફથી ફરિયાદ નોંધાતાં પોલીસે બેન્ક મેનેજર્સ અને એજન્ટ્સ સહિત 30 લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધી છે. બંને શાખાના પૂર્વ મેનેજર, બે એજન્ટ અને લોનધારકો સહિત કુલ 18 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

પગાર ઓછો હોવા છતાં કમિશન પર ઊંચો પગાર દર્શાવી રૂ. 4.75 કરોડની લોન લીધી

આ કૌભાંડ 2021-2024 દરમિયાન એસબીઆઈના ચીફ બ્રાન્ચ મેનેજર ગુરમીત સિંહ બેદીએ સંજય ડામોર અને ફઈમ શેખ સાથે મળીને આચર્યું હતું. તેમણે પોતાના પદનો દુરૂપયોગ કરી બેન્કના નિયમોનો ભંગ કર્યો હતો. રેલવેમાં ક્લાસ-4માં કાર્યરત રેલવે કર્મચારીઓનો પગાર ઓછો હોવા છતાં કમિશન પર ઊંચો પગાર દર્શાવી રૂ. 4.75 કરોડની લોન લીધી હતી. જીએલકે ટાવરમાં સંચાલિત એસબીઆઈની બીજી શાખાના મેનેજર મનિષ ગવલેએ બે એજન્ટ સાથે મળી આશરે 10 લોકોના નકલી ડોક્યુમેન્ટ્સ, સેલેરી સ્લિપ બનાવી રૂ. 82.72 લાખની લોન મંજૂર કરી હતી. નકલી ડોક્યુમેન્ટ્સમાં લોનધારકને ગુજરાત પરિવહન નિગમના કર્મચારી અને સરકારી શિક્ષક તરીકે દર્શાવવામાં આવ્યા હતાં. આ લોન કૌભાંડમાં બેન્ક મેનેજર અને બે એજન્ટે નિયમોની અવગણના કરી લોન આપી હોવાનો ખુલાસો થયા બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

આ પણ વાંચો: અમદાવાદ: સ્કૂલમાં ચોથા માળેથી ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કરનાર વિદ્યાર્થિનીનું મૃત્યુ 

Back to top button