મતદાન દરમિયાન અનેક જિલ્લાઓમાં EVMમાં ટેક્નિકલ ખામી, 26થી વધુ ફરિયાદો મળી

Local Body Elections: ગુજરાતમાં આજે 26 એપ્રિલ, 2026ના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાનનો પ્રારંભ થતાં જ અનેક મતદાન મથકો પર ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)માં ટેક્નિકલ ખામીની ફરિયાદો સામે આવી છે. રાજ્યના ચૂંટણી પંચના કંટ્રોલ રૂમને સવારે 11 વાગ્યા સુધીમાં કુલ 26 ફરિયાદો મળી છે. મોટા ભાગના કેસમાં મશીન શરૂ ન થવું, બટન દબાવતાં ન ચાલવું કે અચાનક બંધ પડી જવા જેવી સમસ્યાઓ સામે આવી છે. અધિકારીઓએ તાત્કાલિક EVM બદલીને મતદાન પ્રક્રિયા સામાન્ય કરી છે.
ક્યાં-ક્યાં મળી ફરિયાદો?
– અમદાવાદ: વાસણા વિસ્તારના જી.બી. શાહ કોલેજ મતદાન મથકે કોંગ્રેસ ઉમેદવારના બટન ન દબાવાની ફરિયાદ બાદ EVM બદલવામાં આવ્યું. વિરમગામ અને ઠક્કર બાપા નગર વિસ્તારમાં પણ ખામીઓ સામે આવી.
– સુરત: વોર્ડ નં. 21, બૂથ નં. 88માં EVM અચાનક બંધ પડતાં મતદારોને હાલાકીનો સામનો કરવો પડ્યો. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો.
– રાજકોટ: વોર્ડ નં. 15 (સરસ્વતી શિશુ વિદ્યામંદિર સ્કૂલ) અને વર્ધમાનનગરમાં EVMમાં ટેક્નિકલ ખામીની ફરિયાદો.
– વડોદરા: માંજલપુર વિસ્તારના અંબે સ્કૂલ મતદાન મથકે EVM ખોટકાતાં અધિકારીઓમાં હલચલ મચી ગઈ.
– મહેસાણા: વોર્ડ નં. 6માં EVMમાં ખામી.
– પંચમહાલ: મોરવા હડફના જૂના વાલૈયા મતદાન મથકે ટેક્નિકલ સમસ્યા.
– જામનગર: એક મતદાન મથકે EVM ખરાબ હોવાથી મતદાન પ્રક્રિયા એક કલાક વિલંબિત રહી.
– ભાવનગર: વોર્ડ નં. 8માં ફરિયાદ.
– આણંદ: કરમસદ વિસ્તારમાં EVM ખોટકાયું.
– વલસાડ: ઉમરગામ વોર્ડ નં. 7માં EVM ખરાબ પડતાં પોણો કલાક મતદાન અટકી ગયું.
નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશન માટે EVM સ્ટોરેજ BJP ઉમેદવારના કોલેજમાં કરવામાં આવતાં કોંગ્રેસે લેખિત ફરિયાદ કરી હતી અને મશીનો અન્ય સ્થળે ખસેડવાની માંગ કરી હતી.
રાજ્ય ચૂંટણી પંચના અધિકારીઓએ જણાવ્યું કે તમામ ફરિયાદોની તાત્કાલિક તપાસ કરવામાં આવી રહી છે અને મશીનો બદલીને મતદાન સરળ બનાવવામાં આવ્યું છે. મતદાન પ્રક્રિયા સવારે 7 વાગ્યે શરૂ થઈ હતી અને ગરમી વચ્ચે પણ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ટેક્નિકલ ખામીઓને કારણે કેટલાક સ્થળે મતદાનમાં વિલંબ થયો હોવા છતાં અધિકારીઓએ સ્થિતિને નિયંત્રણમાં રાખી છે.
આ પણ વાંચો: “ઉમર એક નંબર છે, જવાબદારી ક્યારેય વૃદ્ધ થતી નથી”, ધ્રોલના લાતીપર ગામે 117 વર્ષીય વૃદ્ધાએ કર્યું મતદાન











