ગુજરાત

અમદાવાદમાં નવરાત્રી નિમિત્તે શાળાઓમાં કોમર્શિયલ ગરબા ક્લાસિસ સામે લાલઆંખ: DEO એ આપી તપાસના આદેશ સાથે કડક નોટિસ

Ahmedabad Schools Garba Classes Controversy: નવરાત્રીનો તહેવાર નજીક આવતા જ અમદાવાદ શહેરની કેટલીક ખાનગી અને ગ્રાન્ટેડ શાળાઓમાં કમાણી કરવાની લાલચ જાગી હોવાનું સામે આવ્યું છે. શાળાઓના કેમ્પસનો ઉપયોગ ધંધાકીય અને કોમર્શિયલ પ્રવૃત્તિઓ માટે કરવામાં આવી રહ્યો હોવાની ચાર જેટલી શાળાઓ સામે ફરિયાદો મળતાં જ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી (DEO) એ શિક્ષણ નિરીક્ષકને આકરા તપાસના આદેશ આપ્યા છે. આ સાથે જ અમદાવાદ શહેરની અન્ય તમામ શાળાઓને પણ શાળાના કેમ્પસમાં કોઈપણ પ્રકારની વ્યાપારી પ્રવૃત્તિ ન કરવા કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે.

4 મોટી શાળાઓ સામે તપાસ શરૂ

અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીના જણાવ્યા મુજબ, મણિનગર વિસ્તારની જયમનબેન દવે શાળા અને શેઠ હીરાભાઈ કન્યા વિદ્યાલય વિરુદ્ધ વીડિયો પુરાવા સાથે ફરિયાદો મળી હતી. આ વીડિયોમાં બહારના લોકો પાસેથી મોટા પ્રમાણમાં ચાર્જ વસૂલીને શાળા કેમ્પસમાં ગરબાની પ્રેક્ટિસ કરાવવામાં આવતી હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. આ ઉપરાંત ઘાટલોડિયા વિસ્તારની નાલંદા વિદ્યાલય અને શ્રેયસ ફાઉન્ડેશન નામની જાણીતી શાળાઓ સામે પણ કોમર્શિયલ ગરબા ક્લાસિસ ચલાવવાની ફરિયાદો ઉઠી છે. આ તમામ શાળાઓને નોટિસ આપીને ખુલાસો માંગવામાં આવ્યો છે.

‘શિક્ષણના હિતમાં પ્રવૃત્તિ થઈ શકે પરંતુ કેમ્પસ કમાણીનું સાધન ન બની શકે’

જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, શાળાઓમાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને સર્વાંગી વિકાસ માટે પ્રોફેશનલ કે સાંસ્કૃતિક કાર્યક્રમોની છૂટ આપવામાં આવતી હોય છે, પરંતુ તેને કમાણીનું સાધન બનાવી શકાય નહીં. બહારની સંસ્થાઓ કે વ્યક્તિઓને નાણાં લઈને ગરબા પ્રેક્ટિસ માટે શાળા કેમ્પસ ભાડે આપવું તે નિયમોનું સરેઆમ ઉલ્લંઘન છે. શિક્ષણ નિરીક્ષક દ્વારા તમામ શાળાઓનો તપાસ અહેવાલ સોંપવામાં આવ્યા બાદ નિયમોનો ભંગ કરનાર શાળાઓ સામે કડક કાનૂની અને વહીવટી કાર્યવાહી કરવામાં આવશે.

નિયમ ભંગ કરનાર શાળાઓ સામે કડક કાર્યવાહીની તૈયારી

અમદાવાદ શહેરની તમામ શાળાઓને તાકીદ કરતા શિક્ષણાધિકારીએ જણાવ્યું છે કે, શાળાના કેમ્પસમાં ધંધાકીય પ્રવૃત્તિઓ ચલાવવી જરાય યોગ્ય નથી. જો આગામી દિવસોમાં અન્ય કોઈ પણ શાળામાં સરકારી શરતો અને નિયમોનું અનુપાલન કરવામાં નહીં આવે તો તે શાળાઓ સામે માન્યતા રદ કરવા સહિતના કડક પગલાં ભરવાની તૈયારી દર્શાવવામાં આવી છે. આ માટે ખાસ શિક્ષણ નિરીક્ષકોની ટીમ બનાવીને વિવિધ વિસ્તારોની શાળાઓ પર નજર રાખવામાં આવી રહી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

તપાસ રિપોર્ટ બાદ લેવાશે આકરા પગલાં

હાલમાં જે 4 શાળાઓ સામે વીડિયો પુરાવા સાથે ફરિયાદો મળી છે તેનો વિગતવાર તપાસ રિપોર્ટ ટૂંક સમયમાં જ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને સોંપવામાં આવશે. શિક્ષણ વિભાગે તમામ શાળાઓને સ્પષ્ટ કરી દીધું છે કે માત્ર શૈક્ષણિક અને વિદ્યાર્થીઓના કલ્યાણ સંબંધિત પ્રવૃત્તિઓ જ માન્ય ગણાશે. નવરાત્રીના નામે થઈ રહેલી આ કોમર્શિયલ પ્રવૃત્તિઓ પર તાત્કાલિક રોક લગાવવા અને કાયદાકીય મર્યાદા જાળવી રાખવા તમામ શાળા સંચાલકોને આદેશ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ગરબા પહેલાં ફાયર વિભાગનું કડક એલર્ટ: નિયમ તૂટશે તો આયોજક સામે કાર્યવાહી થશે

Back to top button