ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદમાં વાસ્તુ પૂજનના પ્રસંગે દારૂની મહેફિલનો કથિત વીડિયો વાયરલ

ગુજરાતમાં દારૂબંધીના કડક કાયદા વચ્ચે અમદાવાદના સરદારનગર વિસ્તારમાં વાસ્તુ પૂજનના પ્રસંગે કથિત દારૂ પાર્ટી યોજાઈ હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં ભારે ચર્ચા જાગી છે. વીડિયોમાં મહિલાઓ હાથમાં બીયરની બોટલ લઈને ડાન્સ કરતી અને યુવકો દારૂમાં સોડા મિક્સ કરતા જોવા મળી રહ્યા છે. વીડિયો સામે આવ્યા બાદ સરદારનગર પોલીસ હરકતમાં આવી છે અને તપાસ શરૂ કરી છે.

નંદીગ્રામ સોસાયટીના શિવ બંગલોઝનો હોવાનો દાવો

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના સરદારનગર વિસ્તારમાં આવેલી નંદીગ્રામ સોસાયટીના શિવ બંગલોઝમાં ઘરના વાસ્તુ પૂજનના પ્રસંગે દારૂની મહેફિલ યોજાઈ હોવાનો કથિત વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. ઘરના શુભ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં દારૂની પાર્ટી થઈ હોવાના દાવાને પગલે દારૂબંધીના અમલીકરણ સામે પણ સવાલો ઊભા થયા છે.

મહિલાઓ બીયરની બોટલ સાથે ડાન્સ કરતી જોવા મળી

વાઈરલ વીડિયોમાં એક મહિલા હાથમાં બીયરની બોટલ લઈને ડાન્સ કરતી જોવા મળે છે. જ્યારે કેટલાક યુવકો એક પાત્રમાં દારૂ અને સોડા મિક્સ કરતા નજરે પડે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર થતાં જ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે. ખાસ કરીને દારૂબંધી ધરાવતા ગુજરાતમાં આવી કથિત મહેફિલ યોજાઈ હોવાના અહેવાલે અનેક સવાલો ઊભા કર્યા છે.

વાસ્તુ પૂજનમાં ધારાસભ્ય પાયલ કૂકરાણી પણ હાજર હોવાનો ઉલ્લેખ

મળતી માહિતી મુજબ, આ વાસ્તુ પૂજનના પ્રસંગે ભાજપનાં નરોડાનાં ધારાસભ્ય પાયલ કૂકરાણી પણ ઉપસ્થિત રહ્યાં હતાં. જોકે, પ્રાપ્ત વિગતો અનુસાર, કથિત દારૂની મહેફિલ યોજાઈ ત્યારે તેઓ હાજર નહોતાં. સોશિયલ મીડિયા પર શેર થયેલી ઈન્સ્ટાગ્રામ સ્ટોરીના કારણે આ મામલો વધુ ચર્ચામાં આવ્યો છે.

વીડિયો સામે આવતાં સરદારનગર પોલીસ હરકતમાં

કથિત દારૂ પાર્ટીનો વીડિયો વાઈરલ થતાં સરદારનગર પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ અંગે પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે, દારૂ પાર્ટીનો વીડિયો તેમના ધ્યાનમાં આવ્યો છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. વીડિયોના આધારે મહેફિલમાં સામેલ લોકોની ઓળખ કરવાની કામગીરી ચાલી રહી છે. ઓળખ થયા બાદ સંબંધિત લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

દારૂબંધીના અમલીકરણ સામે ફરી સવાલો

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અવારનવાર દારૂની પાર્ટીઓના વીડિયો સામે આવતા રહે છે. ત્યારે અમદાવાદના સરદારનગરનો આ કથિત વીડિયો ફરી એકવાર દારૂબંધીના કાયદાના અમલીકરણ સામે સવાલો ઊભા કરી રહ્યો છે. હવે પોલીસ તપાસમાં કયા લોકોનાં નામ સામે આવે છે અને તેમની સામે શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર છે.

આ પણ વાંચો: ગિરનારની લીલી પરિક્રમામાં આ વર્ષે ભક્તોનો રેકોર્ડ તૂટશે, 2023નો આંકડો પાછળ રહી શકે

Back to top button