ત્રાગડમાં અકસ્માત સર્જનાર PSI ભરત પંડ્યાની ધરપકડ, કારમાંથી દારૂની 9 બોટલ મળી
Ahmedabad News : અમદાવાદ શહેરના ત્રાગડ વિસ્તારમાં ટ્રાફિક પોલીસના પીએસઆઈ ભરત પંડ્યાએ દારૂના નશામાં બેફામ વાહન ચલાવી અકસ્માત સર્જતાં ચકચાર મચી ગઈ છે. ઘટનાસ્થળે હાજર સ્થાનિક રહીશોએ તેમને રોકી કારની તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની 9 બોટલો મળી આવી હતી. બનાવની જાણ થતાં જ સાબરમતી પોલીસે ઘટનાસ્થળે પહોંચી આરોપી PSIની અટકાયત કરી વાહન જપ્ત કર્યું છે.
કારમાંથી દારૂનો જથ્થો મળ્યો, બે અલગ ગુના દાખલ
સાબરમતી પોલીસે ઘટનાસ્થળે પહોંચી પીએસઆઈ ભરત પંડ્યા વિરુદ્ધ બે અલગ-અલગ ગુના નોંધ્યા છે, એક પ્રોહિબિશન હેઠળ નશો કરીને અકસ્માત સર્જવા અંગે અને બીજો કારમાંથી ગેરકાયદેસર દારૂની બોટલો રાખવા બાબતે. આરોપી પીએસઆઈ ભરત પંડ્યા હાલ અમદાવાદ શહેરના ‘M’ ટ્રાફિક પોલીસ સ્ટેશન માં ફરજ બજાવે છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
અગાઉ પણ વિવાદોમાં રહ્યા છે વિવાદિત પીએસઆઈ
પીએસઆઈ ભરત પંડ્યા અગાઉ પણ ગંભીર ગેરશિસ્ત અને કાયદાના ઉલ્લંઘનના વિવાદોમાં ઘેરાયેલા રહ્યા છે. અગાઉ જ્યારે તેઓ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા, ત્યારે પણ નશાની હાલતમાં કાર ચલાવી રોડ સાઇડની લારીઓ ઉથલાવી નાખ્યાનો તેમની સામે આક્ષેપ થયો હતો. થોડા સમય અગાઉ તેમની જ બીટમાં ડ્યુટી કરી રહેલા એક TRB જવાન સાથે ગેરવર્તણૂક કરી રિપોર્ટિંગ બાબતે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જે અંગે પણ સત્તાવાર ફરિયાદ નોંધાઈ ચૂકી છે.
આ પણ વાંચો:India Tour Of New Zealand: BCCI એકસાથે 4 ટીમોની પસંદગી કરશે
ખાતાકીય તપાસ અને સસ્પેન્શનની પ્રક્રિયા
પોલીસ વિભાગના શિસ્તભંગ અને ગંભીર ગેરવર્તણૂકને ધ્યાને રાખી ટ્રાફિક ડીસીપી અને સેક્ટર-1 ના ઉચ્ચ અધિકારીઓને રિપોર્ટ સુપરત કરવામાં આવ્યો છે. ફરજ પર નશાની હાલતમાં રહેવા અને ક્રિમિનલ કેસ નોંધાવાના આધારે આરોપી PSI ભરત પંડ્યાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ (ફરજમોકૂફ) કરવાની ખાતાકીય તજવીજ શરૂ કરવામાં આવી છે. કારમાંથી મળી આવેલી વિદેશી દારૂની 9 બોટલો ક્યાંથી લાવવામાં આવી હતી અને કોને ડિલિવર કરવાની હતી તે દિશામાં સાબરમતી પોલીસ પૂછપરછ કરી રહી છે.
સ્થાનિક રહીશોનો રોષ
ઘટના સમયે ત્રાગડ વિસ્તારના સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે અકસ્માત સર્જાયા બાદ PSI પોતાની ઓળખનો રોફ જમાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જોકે, કારની ડિકી અને સીટ નીચે તપાસ કરતાં દારૂનો મોટો જથ્થો નજરે પડતાં લોકોએ વીડિયો બનાવી પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી, જેના કારણે પોલીસ તંત્ર પર તાત્કાલિક કડક પગલાં લેવાનું દબાણ વધ્યું હતું.












