‘અમેરિકાની રમત ખતમ થઈ જશે!’ 2028ની ચૂંટણી પહેલાં એલન મસ્કની મોટી ચેતવણી
Washington: અમેરિકામાં 3 નવેમ્બરે યોજાનારી મધ્યસત્રની ચૂંટણી પહેલાં વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિ અને સ્પેસએક્સના CEO એલન મસ્કે મોટું રાજકીય નિવેદન આપ્યું છે. તેમણે ચેતવણી આપી છે કે જો 2028ની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટી પ્રતિનિધિ સભા, સેનેટ અને રાષ્ટ્રપતિ પદ—ત્રણેય પર જીત મેળવે તો અમેરિકાનું રાજકીય ભવિષ્ય બદલાઈ શકે છે. મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું, ‘અમેરિકાની રમત ખતમ થઈ જશે.’ તેમણે આ સ્થિતિને દેશના લોકતંત્ર માટે મોટો ખતરો ગણાવ્યો છે. (Elon Musk)
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ડેમોક્રેટ્સની જીતથી શું થશે? મસ્કે ગણાવ્યા 3 સંભવિત ખતરા
એલન મસ્કે ગુરુવારે X પર એક પોસ્ટમાં પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે જો 2028માં ડેમોક્રેટ્સ પ્રતિનિધિ સભા, સેનેટ અને રાષ્ટ્રપતિ પદ—ત્રણેય પર જીત મેળવે તો તેઓ ત્રણ મોટા પગલાં લઈ શકે છે.
મસ્કના જણાવ્યા અનુસાર:
-
ડેમોક્રેટ્સ વોશિંગ્ટન DC અને પ્યુઅર્ટો રિકોને અમેરિકાના રાજ્યનો દરજ્જો આપી શકે છે. તેનાથી સેનેટમાં તેમની સ્થિતિ મજબૂત બની શકે છે.
-
તેઓ દેશની સરહદો ખોલીને અમેરિકામાં ગેરકાયદે રહેતા તમામ લોકોને કાનૂની દરજ્જો આપી શકે છે, જેથી ભવિષ્યમાં તેમને કાયમી રાજકીય બહુમતી મળી શકે.
-
ડેમોક્રેટ્સ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની સંખ્યા વધારીને તરત જ પોતાની બહુમતી બનાવી શકે છે.
મસ્કનો દાવો છે કે આ પગલાંથી અમેરિકાની વર્તમાન રાજકીય વ્યવસ્થા સંપૂર્ણપણે બદલાઈ શકે છે.
‘અમેરિકા એક જ પાર્ટીના નિયંત્રણવાળો દેશ બની જશે’
મસ્કે દાવો કર્યો કે જો આવું થશે તો અમેરિકા કાયમી ધોરણે એક જ પાર્ટીના નિયંત્રણમાં આવી જશે. તેમણે કહ્યું કે તેના પરિણામે લોકતંત્રનો વાસ્તવિક અર્થ જ ખતમ થઈ જશે. તેમણે રિપબ્લિકન પાર્ટીના સમર્થકોને આગામી ચૂંટણીમાં તેના ઉમેદવારોને મત આપવાની અપીલ પણ કરી હતી. મસ્કના જણાવ્યા અનુસાર, આ સ્થિતિને રોકવા માટે 2029માં સેનેટમાં રિપબ્લિકન પાર્ટીના ઓછામાં ઓછા 51 સભ્યો હોવા જરૂરી છે.
My biggest concern is that if there is a clean sweep by Democrats of the House, Senate and Presidency in 2028, they will:
1. Make DC and Puerto Rico states to gain a strong majority in the Senate.
2. Open the borders and legalize everyone living in America illegally to cement a permanent majority.
3. Increase the size of the Supreme Court to gain an immediate majority.
This would result in America becoming a permanent one-party state and the end of democracy in any meaningful sense of the word.
All that is needed to ensure this doesn’t happen is 51 Republican senators in 2029. That is why you should vote for Republican senators this election. Other reasons are irrelevant compared to this one.
— Elon Musk (@elonmusk) October 30, 2026
મસ્કે રાજકીય દાનનો બનાવ્યો રેકોર્ડ
મસ્કનાં નિવેદનો એવા સમયે આવ્યાં છે, જ્યારે તેઓ અમેરિકાના રાજકીય ઇતિહાસમાં સૌથી વધુ વ્યક્તિગત રાજકીય દાન આપનારા વ્યક્તિ તરીકે સામે આવ્યા છે. 3 નવેમ્બરની મધ્યસત્રની ચૂંટણી પહેલાં તેમણે રિપબ્લિકન ઉમેદવારો અને રાજકીય સંગઠનો પાછળ 442 મિલિયન ડોલરથી વધુ ખર્ચ કર્યા છે. ‘તાજેતરમાં જાહેર થયેલા ચૂંટણી ફંડિંગ દસ્તાવેજોમાં જાણવા મળ્યું છે કે મસ્કે છેલ્લા એક મહિનામાં પોતાના સંગઠન ‘અમેરિકા PAC’ને વધુ 76.8 મિલિયન ડોલર આપ્યા છે. આ પહેલાં તેઓ રિપબ્લિકન ઉમેદવારો અને તેમની સાથે જોડાયેલા સંગઠનોના સમર્થનમાં 366 મિલિયન ડોલર ખર્ચી ચૂક્યા હતા.
2024ની ચૂંટણી દરમિયાન બનાવ્યું હતું ‘અમેરિકા PAC’
મસ્કે 2024ની ચૂંટણી દરમિયાન ‘અમેરિકા PAC’ની સ્થાપના કરી હતી. ઓક્ટોબરમાં લગભગ એક અઠવાડિયાની અંદર આ સંગઠનને નવી રકમ મળી હતી. મસ્ક અગાઉ 2024ની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને અન્ય રિપબ્લિકન ઉમેદવારોના સમર્થનમાં 250 મિલિયન ડોલરથી વધુ ખર્ચ કરી ચૂક્યા છે. ‘ધ વોશિંગ્ટન પોસ્ટ’ના અહેવાલ અનુસાર, મસ્કે પોતાના રાજકીય દાનનો મોટો હિસ્સો કોંગ્રેસમાં રિપબ્લિકન પાર્ટીનું નિયંત્રણ જાળવી રાખવા માટે ખર્ચ્યો છે.
સર્વેમાં ડેમોક્રેટ્સને સરસાઈ, 229 બેઠકો મળવાનો અંદાજ
આ દરમિયાન 25 ઑક્ટોબરે જાહેર થયેલા CBS ન્યૂઝના સર્વેમાં પ્રતિનિધિ સભાની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીને સરસાઈ મળવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. સર્વે અનુસાર, ડેમોક્રેટ્સને 229 બેઠકો મળી શકે છે. કેટલાક અંદાજોમાં તેમની બેઠકોની સંખ્યા 230થી પણ વધી શકે છે. જોકે, રિપબ્લિકન પાર્ટી પાસે પણ પ્રતિનિધિ સભામાં પોતાની બહુમતી જાળવી રાખવાની મર્યાદિત તક છે.
અહેવાલ અનુસાર, છેલ્લા કેટલાક અઠવાડિયાથી ડેમોક્રેટ્સની સરસાઈ યથાવત્ છે, પરંતુ તેમાં મોટો વધારો થયો નથી. મોંઘવારી અને અર્થતંત્ર અંગે લોકોની ચિંતાઓ મતદારોની પસંદગીને અસર કરી રહી છે. જોકે, મોટી સંખ્યામાં અમેરિકન નાગરિકોને હજુ પણ વિશ્વાસ નથી કે કોઈપણ પાર્ટી પાસે તેમની આર્થિક સ્થિતિ સુધારવા માટે સ્પષ્ટ યોજના છે.
ટ્રમ્પ બોલ્યા, ‘નિષ્પક્ષ ચૂંટણી થશે તો પરિણામ સ્વીકારીશ’
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 27 ઑક્ટોબરે કહ્યું હતું કે જો મધ્યસત્રની ચૂંટણી નિષ્પક્ષ રીતે યોજાશે તો તેઓ તેનાં પરિણામોનું સન્માન કરશે. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે મતચોરી પકડાવવામાં મદદ કરનારને 10 લાખ ડોલર એટલે કે આશરે 9.5 કરોડ રૂપિયાનું ઇનામ આપવાની પણ જાહેરાત કરી છે.
આ પણ વાંચો:જોશીમઠ હેલિકોપ્ટર ક્રેશમાં 6 લોકોના મોત: બદ્રીનાથથી ફાટા જતી વખતે સર્જાયો ગમખ્વાર અકસ્માત
જોકે, તેમણે જરૂર પડ્યે પોતાના વીટો અધિકારનો ઉપયોગ કરવાની વાત પણ કરી હતી. પત્રકારો સાથેની વાતચીતમાં ટ્રમ્પે કહ્યું હતું કે, ‘અમે કોઈ રસ્તો શોધી લઈશું. મારી પાસે વીટો કરવાની મજબૂત સત્તા છે. આશા છે કે તેની જરૂર નહીં પડે, પરંતુ જો એવું થશે તો અગાઉ પણ આવું થઈ ચૂક્યું છે. હું ચૂંટણીનાં પરિણામો ત્યારે જ સ્વીકારીશ, જ્યારે ચૂંટણી નિષ્પક્ષ રીતે યોજાશે.’
ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો, રેટિંગ 37 ટકા પર પહોંચ્યું
અમેરિકામાં મધ્યસત્રની ચૂંટણી એવા સમયે યોજાઈ રહી છે, જ્યારે ટ્રમ્પ પ્રશાસન આર્થિક પડકારો અને ઘટતી લોકપ્રિયતાનો સામનો કરી રહ્યું છે. અહેવાલમાં જણાવ્યા મુજબ, 1990માં આ પ્રકારના સર્વે શરૂ થયા બાદ મધ્યસત્રની ચૂંટણી પહેલાં કોઈપણ રાષ્ટ્રપતિ માટે નોંધાયેલું આ સૌથી ઓછું રેટિંગ હતું. 3 નવેમ્બરે યોજાનારી ચૂંટણીમાં અમેરિકાની પ્રતિનિધિ સભા અને સેનેટ—બંને પર કોનું નિયંત્રણ રહેશે તે નક્કી થશે.












