ખાંભાના ઘરમાં સિંહની એન્ટ્રી! કલાકો સુધી ઓરડામાં જમાવ્યો અડિંગો
Amreli News : ગીર કાંઠાના અમરેલી જિલ્લામાં વન્યજીવો માનવ વસાહતો તરફ ચઢી આવવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે, ત્યારે ખાંભા તાલુકાના જૂના માલકનેસ ગામે વહેલી સવારે એક ડાલામથ્થો સિંહ સીધો રહેણાંક મકાનમાં પ્રવેશી જતાં ભારે નાસભાગ અને ફફડાટ વ્યાપી ગયો હતો. પશુનો શિકાર કર્યા બાદ આ શિકારી વનરાજ ગામના એક મકાનના ઓરડામાં જઈને અડિંગો જમાવી બેસી જતાં રહીશોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. જોકે, ગ્રામજનોની સમયસૂચકતા અને વન વિભાગના ત્વરિત ઓપરેશનને પગલે સિંહને સુરક્ષિત રીતે ટ્રિંક્યુલાઇઝ કરીને રેસ્ક્યૂ કરવામાં સફળતા મળી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
શિકાર કર્યા બાદ સીધો અમરૂભાઈ વરુના મકાનમાં ઘૂસી ગયો સાવજ
પ્રાપ્ત વિગતો મુજબ, જૂના માલકનેસ ગામની સીમમાં વહેલી સવારે સિંહોના ટોળાએ એક ગૌવંશ/પશુનું મારણ કર્યું હતું. પેટપૂજા પતાવ્યા બાદ તેમાંથી એક સિંહ ગામમાં લટાર મારતો મારતો સ્થાનિક ખેડૂત અમરૂભાઈ વરુના મકાનમાં ધસી ગયો હતો. વહેલી સવારે ઘરમાં સિંહને આંટાફેરા મારતો અને એક ઓરડામાં જઈને આરામ ફરમાવતો જોઈ પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા. સિંહ કલાકો સુધી એ જ ઓરડામાં બેસી રહ્યો હતો, જેના કારણે સમગ્ર પંથકમાં દહેશતનો માહોલ સર્જાયો હતો.
ગ્રામજનોએ બહારથી રૂમની સાંકળ લગાવી, વનતંત્રને વાકેફ કર્યું
કોઈ અનિચ્છનીય ઘટના કે જાનહાનિ ન થાય તે માટે સ્થાનિક ગ્રામજનોએ અદભુત ધૈર્ય અને સાહસ દાખવ્યું હતું. લોકોએ સિંહ જે ઓરડામાં બેઠો હતો તેનો મુખ્ય દરવાજો બહારથી બંધ કરી દીધો હતો, જેથી સાવજ ગામમાં અન્ય કોઈ પર હુમલો ન કરી શકે. ત્યારબાદ તુરંત જ તુલસીશ્યામ-ખાંભા વન વિભાગની કચેરીને સમગ્ર ઘટનાક્રમથી વાકેફ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: નાગપુરમાં દુર્ઘટના : 100 ફૂટ ઉંચાઈ પરથી પડી ક્રેન, બે મજૂરોના દબાઈને મોત
RFOની ટીમે ડાર્ટ મારી સિંહને બેભાન કર્યો, જસાધાર કેર સેન્ટર ખસેડાયો
ઘટનાની ગંભીરતા જોતાં ખાંભા રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) નીપુલ લકુમ, વેટરનરી ડૉક્ટર્સ અને વનકર્મીઓનો કાફલો રેસ્ક્યૂ સાધનો સાથે જૂના માલકનેસ પહોંચી ગયો હતો. વેટરનરી તબીબો દ્વારા ઓરડાની બારીમાંથી સાવચેતીપૂર્વક ગન વડે ડાર્ટ મારીને સિંહને ટ્રિંક્યુલાઇઝ (બેભાન) કરવામાં આવ્યો હતો. સિંહ અર્ધબેભાન થતાં જ વનકર્મીઓએ સાવધાનીપૂર્વક તેને સ્ટ્રેચર પર લઈ પાંજરામાં પૂરી દીધો હતો. ત્યારબાદ તેને પ્રાથમિક આરોગ્ય તપાસણી અર્થે જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. સફળ રેસ્ક્યૂ બાદ ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો.












