ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગાંધીનગરમાં હાઇપ્રોફાઇલ જુગારધામ પર દરોડો: 11 ઝડપાયા, રૂ.1.04 કરોડનો મુદ્દામાલ જપ્ત

ગાંધીનગર: જિલ્લાના ડભોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રણાસણ ગામની સીમમાં ચાલતા કથિત હાઇપ્રોફાઇલ જુગારધામ પર પોલીસે દરોડો પાડ્યો છે. લેબર કોલોનીના એક રૂમમાં પાના-પત્તાનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે કરવામાં આવેલી કાર્યવાહીમાં પોલીસે 11 વ્યક્તિઓને ઝડપી પાડી રોકડ, મોબાઇલ ફોન અને પાંચ ફોર-વ્હીલર સહિત કુલ રૂ.1,04,11,000નો મુદ્દામાલ કબજે કર્યો છે.

ખાનગી બાતમી બાદ પોલીસે ગોઠવી રેડ

ગાંધીનગર જિલ્લામાં પ્રોહિબિશન અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન સર્વેલન્સ સ્ક્વોડને ખાનગી રાહે માહિતી મળી હતી કે રણાસણ ગામની સીમમાં સર્વે નંબર-147ના ખેતરમાં આવેલી લેબર કોલોનીના પ્રથમ માળના એક રૂમમાં બહારથી લોકોને બોલાવી પૈસાની હાર-જીતનો પાના-પત્તાનો જુગાર રમાડવામાં આવી રહ્યો છે.

બાતમીના આધારે પોલીસ ટીમે સ્થળ પર દરોડો પાડતાં રૂમમાં જુગાર રમતા લોકો મળી આવ્યા હતા. પોલીસે તમામને કોર્ડન કરીને તપાસ હાથ ધરી હતી.

રૂ.6.69 લાખ રોકડ, 11 મોબાઇલ જપ્ત

પોલીસના જણાવ્યા અનુસાર જુગારના દાવ પરથી રૂ.33,500 રોકડા મળી આવ્યા હતા. જ્યારે પકડાયેલા વ્યક્તિઓની અંગજડતીમાંથી વધુ રૂ.6,35,000 મળ્યા હતા. આમ કુલ રૂ.6,69,000ની રોકડ રકમ કબજે કરવામાં આવી હતી.

આ ઉપરાંત પોલીસે આશરે રૂ.5.42 લાખની કિંમતના 11 મોબાઇલ ફોન, જુગાર માટે ઉપયોગમાં લેવાતા 52 ગંજી પાના તેમજ અન્ય સામગ્રી જપ્ત કરી હતી.

પાંચ લક્ઝરી કારની કિંમત રૂ.92 લાખ

દરોડા દરમિયાન સ્થળ પરથી અલગ-અલગ ફોર-વ્હીલર વાહનો પણ મળી આવ્યા હતા. પોલીસે કુલ પાંચ ફોર-વ્હીલર કાર અને તેમની ચાવીઓ જપ્ત કરી છે, જેની અંદાજિત કિંમત રૂ.92 લાખ દર્શાવવામાં આવી છે.

રોકડ, મોબાઇલ અને વાહનો સહિત પોલીસે કુલ રૂ.1 કરોડ 4 લાખ 11 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.

11 વ્યક્તિઓ પોલીસની પકડમાં

આ કાર્યવાહીમાં પોલીસે રણજીતસિંહ ઓમસિંહ સોલંકી, સતીષજી ખદુજી ઠાકોર, વિજયકુમાર રાવજીભાઈ પટેલ, વિશાલ નરેશભાઈ બ્રહ્મભટ્ટ, કિરણભાઈ કચરાભાઈ પ્રજાપતિ, રમેશભાઈ રેવાભાઈ ભરવાડ, રાજુભાઈ રાયભાઈ ભરવાડ, રાકેશભાઈ દશરથભાઈ પટેલ, રમેશભાઈ રણછોડભાઈ ભરવાડ, રાકેશભાઈ રણછોડભાઈ ભરવાડ અને દિનેશભાઈ વિરમભાઈ દેસાઈ સહિત કુલ 11 વ્યક્તિઓને ઝડપી પાડ્યા છે.

પકડાયેલા લોકોમાં ગાંધીનગર ઉપરાંત અમદાવાદના નરોડા, નાના ચિલોડા, વસ્ત્રાલ, સૈજપુર બોઘા અને જશોદાનગર સહિતના વિસ્તારોના રહેવાસીઓનો સમાવેશ થાય છે.

જુગારધારા હેઠળ ગુનો નોંધાયો

ડભોડા પોલીસે પકડાયેલા તમામ આરોપીઓ સામે જુગાર ધારાની કલમ 4 અને 5 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જુગારધામમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ અને આ પ્રવૃત્તિ કેટલા સમયથી ચાલી રહી હતી તે સહિતના મુદ્દે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: ગાંધીનગરમાં હાઇપ્રોફાઇલ જુગારધામ પર દરોડો: 11 ઝડપાયા, રૂ.1.04 કરોડનો મુદ્દામાલ જપ્ત 

Back to top button