ગાંધીનગર: જગતના તાતે રવિ પાક વધાર્યો, જાણો ક્યા કેટલું થયુ વાવેતર

- જગતના તાતે રવિ પાકના વાવેતરને વેગવાન કર્યું છે
- ઘસચારો, શાકભાજી, વરિયાળી અને ચણા સહિતના પાકમાં વધારો
- સૌથી વધુ વાવેતર ૩,૮૬૦ હેક્ટર સાથે માણસા તાલુકો પ્રથમ ક્રમે
ખરીફ મોસમમાં થયેલાં વ્યાપક નુકસાનની સામે રવી પાકમાં આર્થિક વળતર મળે તેવી કુદરત પાસે આશા સાથે જગતના તાતે રવિ પાકના વાવેતરને વેગવાન બનાવ્યું છે. બટાટા ૨,૩૮૫, તમાકુ ૭૦૨, ઘઉં ૧,૪૨૩ અને રાઇ ૧,૮૭૦ની હેક્ટરમાં વાવણી સહિત ગાંધીનગર જિલ્લામાં રવિ મોસમનું કુલ વાવેતર ૧૧,૬૭૭ હેક્ટરને પાર થઇ ચૂક્યું છે. તેમાં ઘસચારો, શાકભાજી, વરિયાળી અને ચણા સહિતના પાક સામેલ છે.
ચણાનું ૩૧૮ હેક્ટરમાં વાવેતર કરી દેવામાં આવ્યું
ગાંધીનગર જિલ્લામાં અત્યાર સુધીમાં થયેલા વિવિધ પાકના વાવેતર સંબંધે રાજ્યના કૃષિ વિભાગના સુત્રોએ આપેલી માહિતી પ્રમાણે જિલ્લામાં ઘાસચારાનું વાવેતર ૨,૯૬૮ હેક્ટરમાં, શાકભાજીનું ૧,૫૭૯ હેક્ટરમાં, વરિયાળીનું ૪૧૪ હેક્ટરમાં અને ચણાનું ૩૧૮ હેક્ટરમાં વાવેતર કરી દેવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં સૌથી વધુ વાવેતર ૩,૮૬૦ હેક્ટર સાથે માણસા તાલુકો પ્રથમ ક્રમે, ૩,૨૮૦ હેક્ટર સાથે દહેગામ તાલુકો બીજા, ૩,૧૬૩ હેક્ટર સાથે ગાંધીનગર તાલુકો ત્રીજા અને સૌથી ઓછા ૧,૩૭૪ હેક્ટરમાં વાવેતર સાથે કલોલ તાલુકો છેલ્લા ક્રમે રહ્યાો છે. રાઇ, શાકભાજી અને ઘાસચારાનું વાવેતર ચારે તાલુકાના ખેડૂતો દ્વારા ઓછા, વધતા પ્રમાણમાં કરવામાં આવ્યું છે.
તમાકુનું વાવેતર કલોલ સિવાય ત્રણે તાલુકામાં કરવામાં આવ્યું
ઘઉંનું વાવેતર હજુ સુધી માત્ર દહેગામ અને ગાંધીનગર તાલુકામાં, બટાટા, ચણા, વરિયાળી અને તમાકુનું વાવેતર કલોલ સિવાય ત્રણે તાલુકામાં કરવામાં આવ્યું છે. બીજી બાજુ રવિ મોસમ દરમિયાન ગાંધીનગર જિલ્લામાં ભૂતકાળમાં લેવામાં આવેલા પાક પૈકીના જુવાર, મકાઇ, શેરડી, જીરુ, ધાણા, લસણ, સવા, ઇસબગુલ અને ડુંગળી જેવા પાકના વાવેતરની શરૂઆત કોઇપણ તાલુકામાં ખેડૂતો દ્વારા કરવામાં આવી નહીં હોવાનું પણ અંતિમ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો: ગુજરાત: ચોટીલા હાઈવે પર આઈશર, એસટી બસ અને ટ્રક વચ્ચે ત્રિપલ અકસ્માત












