ગુજરાત

ચિલોડામાં પ્રેમી યુગલના મોતથી હડકંપ, પરિણીત મહિલા અને પ્રેમીએ આંબાના ઝાડે ગળેફાંસો ખાધો

ગાંધીનગર જિલ્લાના ચિલોડા ગામના સીમાડે આજે વહેલી સવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગામ નજીક આવેલા સરકારી બોર કુવા પાસેના આંબાના ઝાડ પર એક પુરુષ અને મહિલાના ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘટના સામે આવતા જ ચિલોડા પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી છે. પ્રાથમિક માહિતી મુજબ, બંને વચ્ચે છેલ્લા કેટલાક સમયથી પ્રેમ સંબંધ હોવાનું સામે આવ્યું છે. મહિલા પરિણીત હોવાનું જાણવા મળ્યું છે, બીજી તરફ પુરુષના પણ અગાઉ છૂટાછેડા થઈ ગયા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

સવારે ગામના કેટલાક લોકો ખેતર તરફ જતા સમયે આંબાના ઝાડ પર બે લાશ લટકતી જોઈ તરત જ ગ્રામજનોને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસને માહિતી આપવામાં આવતા ચિલોડા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે સ્થળ પર પહોંચી બંનેના મૃતદેહ કબ્જે લીધા હતા અને મામલતદાર તથા FSL ટીમને પણ તપાસ માટે બોલાવવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં આ મામલો પ્રેમ સંબંધ સાથે જોડાયેલો હોવાનું જણાય છે, જોકે પોલીસ કોઈ પણ નિષ્કર્ષ પર પહોંચતા પહેલા તમામ પાસાઓની વિગતવાર તપાસ કરી રહી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, બંને પરિવારજનોના નિવેદનો નોંધવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સામાજિક દબાણ, વ્યક્તિગત કારણો કે અન્ય કોઈ પરિસ્થિતિ અંગે પણ તપાસ હાથ ધરાઈ છે. FSL રિપોર્ટ આવ્યા બાદ મોતનું ચોક્કસ કારણ અને સમય વિશે વધુ સ્પષ્ટતા મળશે. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ સમગ્ર ચિલોડા ગામમાં શોક અને ચર્ચાનો માહોલ ઊભો કર્યો છે.

આ પણ વાંચો: હોટલના બાથરુમમાં મહિલા ખેલાડીઓના વીડિયો ઉતાર્યા, બે ક્રિકેટરની ધરપકડ

 

Back to top button