અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

નવા વર્ષની ઉજવણીમાં ઈમર્જન્સી કોલનો રેકોર્ડ ઉછાળો! 108 સેવાઓ પર વધ્યો ભાર, માર્ગ અકસ્માતના કેસમાં 138%નો વધારો

Gujarat Emergency Calls: ગુજરાતમાં દિવાળીથી લઈને નવા વર્ષ અને ભાઈબીજ સુધીના તહેવારો દરમિયાન ઈમર્જન્સી સેવાઓની માગમાં મોટો વધારો નોંધાયો છે. ખાસ કરીને નવા વર્ષના દિવસે ઈમર્જન્સી કોલમાં સરેરાશ 26 ટકાનો ઉછાળો આવ્યો હતો. જ્યારે ભાઈબીજના દિવસે 14 ટકાનો વધારો નોંધાયો હતો. ઈએમઆરઆઈ 108ના આંકડા મુજબ તહેવારો દરમિયાન માર્ગ અકસ્માતો અને ટ્રોમાના કેસમાં પણ નોંધપાત્ર વધારો થયો હતો. બીજી તરફ દિવાળીના દિવસે ફટાકડાંના કારણે દાઝી જવાના બનાવોમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો.

ત્રણ દિવસમાં 18 હજારથી વધુ ઈમર્જન્સી કેસ

ઈએમઆરઆઈ 108 દ્વારા દિવાળીના દિવસે 5,934, નવા વર્ષના દિવસે 6,595 અને ભાઈબીજના દિવસે 5,984 ઈમર્જન્સી કેસ આવ્યા હતા. સામાન્ય દિવસોમાં રાજ્યમાં દરરોજ સરેરાશ 5,248 ઈમર્જન્સી કેસ નોંધાય છે. આ આંકડા દર્શાવે છે કે તહેવારોની ઉજવણી દરમિયાન ઈમર્જન્સી સેવાઓ પર કામનું ભારણ વધ્યું હતું. નવા વર્ષના દિવસે સૌથી વધુ 6,595 કેસ નોંધાયા હતા.

માર્ગ અકસ્માતના કેસમાં 138 ટકાથી વધુનો વધારો

તહેવારો દરમિયાન માર્ગ અકસ્માત સંબંધિત ઈમર્જન્સી કેસમાં સૌથી મોટો વધારો નવા વર્ષના દિવસે નોંધાયો હતો. સામાન્ય દિવસોમાં સરેરાશ 646 કેસની સામે દિવાળીના દિવસે 1,212 કેસ નોંધાયા હતા, જે 87.62 ટકાનો વધારો દર્શાવે છે. નવા વર્ષના દિવસે આ સંખ્યા વધીને 1,541 થઈ હતી. એટલે કે સામાન્ય દિવસોની સરખામણીએ 138.54 ટકાનો વધારો થયો હતો. ભાઈબીજના દિવસે પણ 1,032 માર્ગ અકસ્માત સંબંધિત ઈમર્જન્સી કેસ નોંધાયા હતા, જે 59.75 ટકાનો વધારો છે.

ટ્રોમાના કેસમાં પણ મોટો ઉછાળો

માર્ગ અકસ્માત સિવાય બિન-વાહનજન્ય ટ્રોમાના કેસમાં પણ વધારો નોંધાયો હતો. સામાન્ય દિવસોમાં સરેરાશ 595 કેસ સામે દિવાળીના દિવસે 1,043 કેસ નોંધાયા હતા. આમ, 75.3 ટકાનો વધારો થયો હતો. નવા વર્ષના દિવસે ટ્રોમાના 938 કેસ નોંધાયા હતા, જે 57.7 ટકાનો વધારો છે. જ્યારે ભાઈબીજના દિવસે 724 કેસ નોંધાયા હતા, જે સામાન્ય દિવસોની સરખામણીએ 21.7 ટકા વધુ છે.

દિવાળીએ સુરતમાં સૌથી વધુ વધારો, નવા વર્ષે વડોદરા મોખરે

મુખ્ય શહેરોની વાત કરીએ તો દિવાળીના દિવસે ઈમર્જન્સી કેસમાં સુરતમાં સૌથી વધુ 10.9 ટકાનો વધારો નોંધાયો હતો. રાજકોટમાં 6.8 ટકાનો વધારો થયો હતો. નવા વર્ષના દિવસે વડોદરામાં સૌથી વધુ 25.7 ટકાનો વધારો નોંધાયો હતો. ત્યાર બાદ રાજકોટમાં 21.7 ટકા અને અમદાવાદમાં 13.5 ટકાનો વધારો થયો હતો. ભાઈબીજના દિવસે રાજકોટમાં સૌથી વધુ 14.6 ટકાનો વધારો નોંધાયો હતો. વડોદરામાં 9.6 ટકા અને અમદાવાદમાં 7.9 ટકાનો વધારો થયો હતો.

10થી વધુ જિલ્લાઓમાં ઈમર્જન્સી કેસમાં 25 ટકાનો વધારો

ઈએમઆરઆઈના આંકડા મુજબ ભરૂચ, ભાવનગર, દાહોદ, દેવભૂમિ દ્વારકા, મહેસાણા, મહીસાગર, પંચમહાલ, સાબરકાંઠા, ડાંગ અને વલસાડ સહિતના જિલ્લાઓમાં ઈમર્જન્સી કેસમાં ઓછામાં ઓછો 25 ટકાનો વધારો નોંધાયો હતો.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

દિવાળીના દિવસે દાઝી જવાના 62 કેસ

ફટાકડાં અને દીવાઓની ઉજવણી દરમિયાન દાઝી જવાના બનાવોમાં પણ વધારો જોવા મળ્યો હતો. સામાન્ય દિવસોમાં દાઝી જવાના સરેરાશ 11 કેસ નોંધાય છે, જ્યારે દિવાળીના દિવસે આ સંખ્યા વધીને 62 થઈ હતી. નવા વર્ષના દિવસે પણ દાઝી જવાના 26 કેસ નોંધાયા હતા. દિવાળીના દિવસે અમદાવાદમાં સૌથી વધુ 13 કેસ સામે આવ્યા હતા. ત્યાર બાદ સુરતમાં 12 અને રાજકોટ તથા કચ્છમાં છ-છ કેસ નોંધાયા હતા. તહેવારોની ઉજવણી દરમિયાન માર્ગ અકસ્માતો, ટ્રોમા અને દાઝી જવાના બનાવોમાં થયેલો વધારો ઈમર્જન્સી સેવાઓ પર વધેલા ભારની ગંભીરતા દર્શાવે છે.

આ પણ વાંચોઃ PM મોદીએ 70 વર્ષીય મહિલા કાર્યકરની કરી મદદ, ચક્કર આવતાં જાતે પહોંચ્યા પાસે; ડૉક્ટરને તાત્કાલિક સારવાર આપવા સૂચના
Back to top button