ગુજરાતમાં પ્રથમ મુસ્લિમ મહિલા બની IPS, ગોંડલમાં ASP તરીકે બજાવી ચૂક્યાં છે ફરજ
પહેલી મુસ્લિમ મહિલા સારા રિઝવી IPS બની છે. કેન્દ્ર સરકારે તેમની આંતરરાજ્ય કેડર પ્રતિનિયુક્તિને આગામી બે વર્ષ માટે લંબાવી દીધી છે. જો કે, હાલ તે જમ્મુ-કાશ્મીરમાં પોલીસ હેડક્વાર્ટરમાં DIG પદે ફરજ બજાવી રહ્યા છે.
સારા રિઝવીનો જન્મ મુંબઈમાં થયો હતો અને તેઓ 2008 બેચના IPS અધિકારી છે. જો કે, જયારથી તેઓને IPSની જવાબદારી સોંપવામાં આવી ત્યારથી તે ગુજરાતમાં પણ મહત્વપૂર્ણ સેવા આપી હતી. તેમનું પ્રથમ પોસ્ટિંગ જામનગરમાં થયું હતું. ત્યારબાદ તેમને રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં ASP તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તે સમયગાળા દરમિયાન ગોંડલ વિસ્તાર ગેંગવોર માટે જાણીતો હતો. પરંતુ સારા રિઝવીએ જવાબદારીપૂર્વક પોતાની ફરજ નિભાવી હતી.
જો કે, મહત્વની વાત તો એ છે કે, સારા શરૂઆતમાં અધિકારી બનવા માગતા જ નહોતા. તેમણે મુંબઈમાંથી વાણિજ્ય (Commerce)માં ગ્રેજ્યુએશન કર્યું હતું અને તેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) બનવાની ઈચ્છા ધરાવતા હતી. પરંતુ એક દિવસ ડૉ. કે.એમ. આરિફનું વ્યાખ્યાન સાંભળ્યા બાદ તેમનું જીવન બદલાઈ ગયું. આ વ્યાખ્યાનથી પ્રેરાઈને તેમણે UPSC સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી શરૂ કરી. તેમણે ઉર્દૂ માધ્યમથી તૈયારી કરી અને MECO સંસ્થા તરફથી સંપૂર્ણ સહયોગ મળ્યો. માત્ર બે પ્રયાસમાં તેમણે સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરી અને IPS અધિકારી બન્યા.
જમ્મુ અને કાશ્મીરમાં સારા રિઝવીએ અનેક મહત્વપૂર્ણ હોદ્દાઓ સંભાળ્યા છે. તેઓ ઉધમપુરમાં DIG તરીકે સેવા આપી ચૂકી છે. આ ઉપરાંત DIG જમ્મુ (IR) અને DIG જમ્મુ આર્મ્ડનો વધારાનો હવાલો પણ તેમણે સંભાળ્યો હતો. હાલમાં તેઓ જમ્મુ અને કાશ્મીર પોલીસ હેડક્વાર્ટરમાં DIG તરીકે ફરજ બજાવી રહ્યા છે અને રાજ્યની સુરક્ષા વ્યવસ્થામાં મહત્વનો ભાગ ભજવી રહ્યા છે.
સારા રિઝવીએ વર્ષ 2007માં મુનાવર ખાન સાથે લગ્ન કર્યા હતા. તે સમયે મુનાવર ખાન RPFમાં ટ્રેઇની આસિસ્ટન્ટ સિક્યુરિટી કમિશનર હતા. સારા રિઝવી એક શિક્ષિત અને પ્રતિષ્ઠિત પરિવારમાંથી આવે છે. તેમના પિતા અફઝલ અહેમદ વિજ્ઞાન સ્નાતક છે, જ્યારે માતા નિગાર રિઝવીએ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે.












