રાજ્યમાં આવતીકાલે નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર, વર્ગ-૩ની પ્રાથમિક પરીક્ષા યોજાશે
અમદાવાદ, તા. 6 સપ્ટેમ્બર, 2025: ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર, વર્ગ-૩ (દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી), નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર, વર્ગ-૩ની પ્રાથમિક કસોટી તા.૦૭/૦૯/૨૦૨૫ના રોજ યોજાશે. આ પરીક્ષાઓ દરમિયાન પરીક્ષા કેન્દ્રના સ્થળ તથા તેની આજુબાજુના વિસ્તારમાં સલામતીની વ્યવસ્થા ગોઠવવા પ્રતિબંધાત્મક હુકમો જારી કર્યા હતા.
આ પરીક્ષા, ઉમેદવારો અસામાજિક તત્વોના ત્રાસ અને ભય વિના આપી શકે તે માટે કેટલાક નિયમો જાહેર કરવામાં આવ્યા હતા. પરીક્ષા સમય દરમિયાન જાહેર વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તે હેતુથી તથા પરીક્ષા દરમિયાન ચોરીઓના દૂષણના કારણે તેજસ્વી પરીક્ષાર્થીઓના ભાવિ પર અસર ન પડે તે માટે કોપી રાઈટ/ડુપ્લીકેટ પ્રશ્નપત્રો કે તેના ઉત્તરો કોપીઈંગ મશીન દ્વારા ન થાય તથા પરીક્ષા ખંડમાં ન પહોંચે તે માટે પગલાં લેવા પરીક્ષા કેન્દ્રોના સંચાલકોને વિનંતી કરવામાં આવી હતી.
- પરીક્ષા કેન્દ્રો તથા બિલ્ડીંગના ૧૦૦ મીટર ત્રિજ્યાના વિસ્તારમાં તા.૦૭/૦૯/૨૦૨૫ (રવિવાર)ના સવારના ૬ કલાકથી સાંજના ૬ કલાક સુધી વિવિધ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો.
- પરીક્ષા કેન્દ્રોની આસપાસ ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોઈ પણ માર્ગ ઉપર ચોકમાં કે ગલીમાં પાંચ કરતા વધારે લોકોએ એકઠા થવું નહીં, સરઘસો કાઢવા નહીં તેમજ સૂત્રો પોકારવા નહીં.
- પરીક્ષા કેન્દ્રોની આસપાસના ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોપીઈંગ મશીન દ્વારા કોપીઓ કરવાનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ/કોપીઈંગ મશીન ધારકોએ તેઓના કોપીઈંગ મશીનો ચલાવવા નહીં કે કોઈપણ પત્રો, દસ્તાવેજો કે કાગળોની નકલો કરવી નહીં અને મશીનો બંધ રાખવા.
- પરીક્ષા કેન્દ્રો/બિલ્ડીંગોના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે જ પોલીસ કર્મચારીએ ઉભા રહી જે પરીક્ષાર્થી પાસે પ્રવેશિકા(રસીદ) હોય તે ચકાસીને જ માત્ર પરીક્ષાર્થીને જ પ્રવેશ આપવાનો રહેશે.
- પરીક્ષામાં રોકાયેલા કેન્દ્રના સંપાદક, ખંડ નિરીક્ષકો, વહીવટી સેવામાં જેઓને ફરજ સોંપવામાં આવે છે તે વોટરમેન, બેલમેન કે જેઓને આયોગ દ્વારા ઓળખપત્ર આપવામાં આવેલ છે તે તપાસીને જ પ્રવેશ આપવાનો રહેશે.
- પોલીસ કર્મચારીએ પરીક્ષા કેન્દ્ર/બિલ્ડીંગના મુખ્ય પ્રવેશદ્વાર પાસે જ ફરજ બજાવવાની રહેશે. વર્ગખંડમાં પ્રવેશ કરવાનો રહેશે નહીં.
- પરીક્ષા કેન્દ્રોની આસપાસ ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોઈ પણ માર્ગ ઉપર, ચોકમાં કે ગલીમાં કોઈ પણ વ્યક્તિએ વાયરલેસ ડીવાઈસીસ જેવા કે બ્લુ ટૂથ, ઈયરફોન, લેપટોપ, પેન કેમેરા, મોબાઈલ કે ઈન્ટરનેટ સાથે કનેક્ટેડ ઉપકરણો કે અન્ય કોઈ પણ ઈલેક્ટ્રોનિક સાધનો લઈ જવા નહીં તથા મ્યુઝિક, સંગીત ઇત્યાદી જોરથી વગાડવું નહીં.
આ પણ વાંચોઃ ગુજરાતમાં બપોરે 12 વાગ્યા સુધીમાં 98 તાલુકામાં વરસાદ, કપરાડામાં સૌથી વધુ 4.61 ઇંચ












