GPSCનું ‘અવસર’ મોડ્યૂલ લોન્ચ: ઈન્ટરવ્યૂ સુધી પહોંચેલા પરંતુ નિષ્ફળ ઉમેદવારોને મળશે રોજગારીની તક

Gujarat News: ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)એ સ્પર્ધાત્મક પરીક્ષામાં તેજસ્વી, પરંતુ અંતિમ પસંદગીથી વંચિત રહેલા ઉમેદવારો માટે એક મહત્ત્વપૂર્ણ પહેલ કરી છે. આયોગે ‘અવસર’ (Avasar) મોડ્યૂલ વિકસાવ્યું છે, જેના માધ્યમથી જાહેર સાહસો, સહકારી સંસ્થાઓ તેમજ પ્રતિષ્ઠિત ખાનગી કંપનીઓને લાયક ઉમેદવારોની માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ મોડ્યૂલનો મુખ્ય હેતુ એ છે કે GPSCની ભરતી પ્રક્રિયામાં ઈન્ટરવ્યૂ સુધી પહોંચેલા, પરંતુ અંતિમ પસંદગીમાં સ્થાન ન મેળવી શકેલા ઉમેદવારોને રોજગારીની નવી તક મળી રહે. આવા ઉમેદવારો પ્રિલિમ્સ અને મેઈન્સ જેવી કઠિન પરીક્ષાઓ સફળતાપૂર્વક પાસ કરીને ઈન્ટરવ્યૂ સુધી પહોંચ્યા હોય છે, તેથી તેમની પ્રતિભા અને ક્ષમતાનો લાભ અન્ય સંસ્થાઓને મળી શકે.
18 હજારથી વધુ ઉમેદવારોને થશે લાભ
GPSCના જણાવ્યા મુજબ છેલ્લા પાંચ વર્ષમાં પૂર્ણ થયેલી વર્ગ-1 અને વર્ગ-2ની 415થી વધુ ભરતી પ્રક્રિયાઓમાં ઈન્ટરવ્યૂ સુધી પહોંચેલા, પરંતુ નિષ્ફળ અથવા વેઈટિંગ રહેલા 18 હજારથી વધુ ઉમેદવારો આ મોડ્યૂલનો લાભ લઈ શકશે.
‘અવસર’ મોડ્યૂલની મુખ્ય વિશેષતાઓ
- ઈન્ટરવ્યૂ સુધી પહોંચેલા ઉમેદવારોને રોજગારીની નવી તક
- જાહેર સાહસો, સહકારી સંસ્થાઓ અને ખાનગી કંપનીઓ સાથે ઉમેદવારોની માહિતી શેર થશે
- છેલ્લા 5 વર્ષના 18 હજારથી વધુ ઉમેદવારોને મળશે લાભ
- ઉમેદવારની પૂર્વ સંમતિ વિના કોઈ માહિતી શેર નહીં થાય
- OTP આધારિત સુરક્ષિત ઓનલાઈન પ્રક્રિયા
- ઓનલાઈન સંમતિ આપવી રહેશે
આ યોજનાનો લાભ લેવા માટે ઉમેદવારે પોતાની પૂર્વ સંમતિ આપવી ફરજિયાત રહેશે. જે ઉમેદવારો પોતાની વિગતો જેવી કે નામ, મોબાઈલ નંબર, ઈ-મેઈલ અને શૈક્ષણિક લાયકાત રોજગારી આપતી સંસ્થાઓ સાથે શેર કરવા ઈચ્છે છે, તેમણે GPSC-OJAS પોર્ટલ પર જઈને ઓનલાઈન સંમતિ આપવાની રહેશે. સમગ્ર પ્રક્રિયા સુરક્ષિત રહે તે માટે OTP વેરિફિકેશનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
GPSCનું માનવું છે કે આ પહેલ દ્વારા તેજસ્વી ઉમેદવારો અને રોજગારીની તક વચ્ચે અસરકારક સેતુ ઉભું થશે અને પ્રતિભાશાળી યુવાનોને યોગ્ય કારકિર્દી બનાવવામાં મદદ મળશે.
કોણ કરી શકશે અરજી?
- છેલ્લા 5 વર્ષમાં GPSCની વર્ગ-1 અથવા વર્ગ-2ની ભરતીમાં ઈન્ટરવ્યૂ સુધી પહોંચેલા ઉમેદવારો
- અંતિમ પસંદગીમાં સ્થાન ન મેળવનારા ઉમેદવારો
- વેઈટિંગ લિસ્ટમાં રહેલા ઉમેદવારો
- ઓનલાઈન સંમતિ આપનાર ઉમેદવારો












