‘દ્રશ્યમ 3’ નું કોચીમાં ધમાકેદાર ટ્રેલર લોન્ચ: જ્યોર્જકુટ્ટી સામે આ વખતે અજાણ્યો ખતરો, મોહનલાલે આપ્યા ચોથા ભાગના સંકેત
Drishyam 3 Story: મલયાલમ સિનેમાની સૌથી લોકપ્રિય સસ્પેન્સ-થ્રિલર ફ્રેન્ચાઇઝી ‘દ્રશ્યમ’ના ત્રીજા ભાગની આતુરતાનો અંત આવ્યો છે. શનિવારે કોચી ખાતે એક ભવ્ય કાર્યક્રમમાં ‘દ્રશ્યમ 3’નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ફિલ્મના દિગ્દર્શક જીતુ જોસેફ અને સુપરસ્ટાર મોહનલાલે હાજરી આપી હતી અને ફિલ્મ અંગેના અનેક રહસ્યો પરથી પડદો ઉંચક્યો હતો.
અજાણ્યા દુશ્મન સામે જ્યોર્જકુટ્ટીનો જંગ
દિગ્દર્શક જીતુ જોસેફે સમજાવ્યું કે ‘દ્રશ્યમ 3’ અગાઉના બે ભાગ કરતા કઈ રીતે અલગ છે. તેમણે જણાવ્યું કે, “પહેલા અને બીજા ભાગમાં જ્યોર્જકુટ્ટી (મોહનલાલનું પાત્ર) જાણતો હતો કે પોલીસ અને મૃત છોકરાનો પરિવાર તેની પાછળ છે. પરંતુ આ વખતે સ્થિતિ વધુ જટિલ અને ભયાનક છે. ત્રીજા ભાગમાં જ્યોર્જકુટ્ટીને એ ખબર નથી કે કોઈ તેની પાછળ છે કે નહીં, અને જો છે તો તે વ્યક્તિ કોણ છે. તે એક અજાણ્યા પડકારનો સામનો કરી રહ્યો છે.” આ નવા વળાંકે પ્રેક્ષકોમાં ફિલ્મ પ્રત્યેની ઉત્સુકતા અનેકગણી વધારી દીધી છે.
મોહનલાલની મજાક અને ‘દ્રશ્યમ 4’ ની અપેક્ષા
ફિલ્મના મુખ્ય કલાકાર મોહનલાલે કાર્યક્રમ દરમિયાન હળવા અંદાજમાં વાત કરતા ફ્રેન્ચાઇઝીના ભવિષ્ય વિશે મોટો સંકેત આપ્યો હતો. તેમણે કહ્યું, “મેં જ્યોર્જકુટ્ટીને ઘણી વાર મને બચાવવા માટે કહ્યું છે, પરંતુ તે હજુ સુધી આ ચક્રવ્યૂહમાંથી સંપૂર્ણપણે છટકી શક્યો નથી. તેથી તમે ભવિષ્યમાં ‘દ્રશ્યમ 4’ ની પણ અપેક્ષા રાખી શકો છો.” મોહનલાલના આ નિવેદનથી ચાહકોમાં એવી ચર્ચા શરૂ થઈ છે કે વાર્તા ત્રીજા ભાગે સમાપ્ત નહીં થાય.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
વૈશ્વિક સ્તરે ગાજેલી ફ્રેન્ચાઇઝી
નોંધનીય છે કે 2013માં આવેલી ‘દ્રશ્યમ’ અને 2021માં આવેલી ‘દ્રશ્યમ 2’ ભારતની સૌથી સફળ ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મોની હિન્દી, તમિલ, તેલુગુ સહિત કોરિયન અને મેન્ડરિન જેવી વિદેશી ભાષાઓમાં પણ રિમેક કરવામાં આવી છે. ત્રીજા ભાગમાં પણ જૂની સ્ટારકાસ્ટ એટલે કે મોહનલાલ, મીના, અંસીબા હસન અને એસ્થર અનિલ પોતપોતાની ભૂમિકાઓમાં પરત ફરી રહ્યા છે. ‘દ્રશ્યમ 3’ આગામી 21 મે ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ટ્રેલર લોન્ચ બાદ સોશિયલ મીડિયા પર ફેન્સ દ્વારા એવા ક્યાસ લગાવવામાં આવી રહ્યા છે કે આ વખતે પણ જીતુ જોસેફ કોઈ મોટું સરપ્રાઈઝ લઈને આવશે જે પ્રેક્ષકોને વિચારતા કરી દેશે.
આ પણ વાંચો: લોરેન્સ ગેંગના નામે એલ્વિશ યાદવને ધમકી, સોશિયલ મીડિયા પર ગરમાયો મામલો












