
Influencer Elvish Yadav Case: સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને ‘બિગ બોસ OTT 2’ના વિજેતા એલ્વિશ યાદવ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. આ વખતે મામલો સીધો જાનથી મારી નાખવાની ધમકી અને કરોડોની ખંડણી સાથે જોડાયેલો છે. એલ્વિશ યાદવે ગુરુગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે અજાણ્યા વ્યક્તિઓએ તેમને 10 કરોડ રૂપિયાની ખંડણી માગી છે અને પૈસા નહીં આપ્યા તો તેમને તથા તેમના પિતાને ગોળી મારી દેવાની ધમકી આપી છે.
વિદેશી નંબર પરથી આવ્યો ધમકીભર્યો મેસેજ
માહિતી મુજબ એલ્વિશ યાદવે પોલીસને જણાવ્યું કે 5 મે 2026ના રોજ તેમના વોટ્સએપ પર એક અજાણ્યા વિદેશી નંબર પરથી કોલ આવ્યો હતો. એલ્વિશે કોલ રિસીવ કર્યો નહોતો, પરંતુ થોડા સમય બાદ તે જ નંબર પરથી તેમને મેસેજ મળ્યો હતો.
મેસેજ મોકલનાર વ્યક્તિએ પોતાને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો નજીકનો માણસ હોવાનું જણાવ્યું હતું. મેસેજમાં એલ્વિશ પાસે 10 કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી હતી અને માત્ર બે દિવસની મોહલત આપવામાં આવી હતી. સાથે જ પૈસા નહીં આપ્યા તો એલ્વિશ અને તેમના પિતાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ગુરુગ્રામ પોલીસે નોંધ્યો ગુનો
ધમકી મળ્યા બાદ એલ્વિશ યાદવે તરત જ ગુરુગ્રામના સેક્ટર-56 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(2) અને 351(2) હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
પોલીસ હવે તે વોટ્સએપ નંબરની ટેક્નિકલ વિગતો તપાસી રહી છે. સાથે જ કોલ અને મેસેજ કયા સ્થળેથી કરવામાં આવ્યા હતા તેની માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં આ મામલો ગેંગસ્ટર નેટવર્ક સાથે જોડાયેલો હોઈ શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અગાઉ પણ થઈ ચૂક્યું છે ફાયરિંગ
આ પહેલીવાર નથી જ્યારે એલ્વિશ યાદવનું નામ આવી ગંભીર ઘટનામાં સામે આવ્યું હોય. અગાઉ ઓગસ્ટ 2025માં તેમના ઘરની બહાર બાઈક પર આવેલા કેટલાક શખ્સોએ ફાયરિંગ કર્યું હતું. તે સમયે 10થી 12 રાઉન્ડ ફાયરિંગ થયાનું સામે આવ્યું હતું. આ કેસમાં પણ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને ફરીદાબાદમાંથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. હવે ફરીથી એલ્વિશ યાદવને ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક બની ગઈ છે.
સોશિયલ મીડિયા પર ચર્ચા તેજ
એલ્વિશ યાદવ દેશના લોકપ્રિય યુટ્યુબર્સ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સમાંના એક ગણાય છે. તેમની મોટી ફેન ફોલોઇંગ છે અને તેઓ વારંવાર પોતાના નિવેદનો તથા વિવાદોને કારણે ચર્ચામાં રહે છે. હવે ખંડણી અને ધમકીના આ કેસ બાદ સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. પોલીસ હવે તપાસ કરી રહી છે કે ખરેખર આ ધમકી પાછળ લોરેન્સ બિશ્નોઈ ગેંગનો હાથ છે કે પછી કોઈએ માત્ર ડર ફેલાવવા માટે તેનું નામ ઉપયોગમાં લીધું છે.
આ પણ વાંચો: NCRB રિપોર્ટ ખુલાસો: ડ્રગ કેસમાં દેશમાં આ રાજ્ય સૌથી આગળ, પંજાબને પાછળ છોડી દીધું












