તાલાલા ગીરમાં ‘મોરે મોરો’ દેવાના કેસમાં દેવાયત ખવડના જામીન નામંજૂર થતા ધરપકડ, 7 દિવસના રિમાન્ડ મેળવાયા

વેરાવળ, 11 સપ્ટેમ્બર : તાલાલા ગીરના ચિત્રોડ ગામ નજીક અમદાવાદના યુવાન ઉપર કર ચડાવી દેવાનો પ્રયાસ કરી તેના ઉપર હુમલો કરી લૂંટ ચલાવવાના કેસમાં અગાઉ ધરપકડ બાદ જામીન મેળવી ચૂકેલા કલાકાર દેવાયત ખવડના જામીન રદ કરવા વેરાવળ કોર્ટમાં પોલીસે કરેલી અરજી માન્ય રાખતા તેના જામીન રદ કરતા દેવાયત ખવડ તાલાલા પોલીસમાં હાજર થતા તેની ધરપકડ કરવામાં આવી હતી.
ધરપકડ બાદ તેને કોર્ટમાં ફરી રજૂ કરતા તેના 7 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે. આથી, દેવાયત ખવડ હવે 17 તારીખ સુધી પોલીસ કસ્ટડીમાં રહેશે. નોંધપાત્ર બાબત એ છે કે આ કેસમાં ખવડના વકીલે પણ જામીન રદ કરવાની માગ સામે કોઈ વિરોધ નોંધાવ્યો નહોતો.
આ કેસની વિગતો મુજબ, થોડા દિવસો પહેલાં તાલાલા ગીરમાં દેવાયત ખવડ અને તેના સાથીઓએ એક યુવક પર હુમલો કર્યો હતો. આ મામલે નીચલી કોર્ટે ખવડ સહિત 15 જેટલા આરોપીને જામીન મંજૂર કર્યા હતા, જોકે તાલાલા પોલીસે આ જામીન સામે વાંધો ઉઠાવ્યો હતો અને રિવિઝન અરજી દાખલ કરી હતી. આજે વેરાવળ સેશન્સ કોર્ટમાં સરકાર પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે જામીન રદ કરવાનો આદેશ આપ્યો છે. હવે દેવાયત ખવડે તાલાલા પોલીસ સમક્ષ હાજર થવું પડશે. સરકારી વકીલ કેતનસિંહ વાળાએ કોર્ટમાં સરકાર પક્ષે રજૂઆત કરી હતી.












