વેરાવળ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી: કોર્ટ તાત્કાલિક કરાઈ ખાલી: બોમ્બ સ્ક્વોડ-સુરક્ષા એજન્સીઓની તપાસ શરૂ

HD ન્યૂઝ, 6 જુલાઈ, 2025: ગીર સોમનાથની વેરાવળ કોર્ટને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકીના પગલે વેરાવળ કોર્ટ ખાલી કરી દેવાઈ. બોમ્બ ધમકીને કારણે વેરાવળ કોર્ટમાં ખળભળાટ મચી ગયો છે. વહેલી સવારે એક ઇમેઇલ દ્વારા આ ધમકી મળી હતી. જિલ્લા ન્યાયાધીશ વિક્રમ સિંહ ગોહિલે તાત્કાલિક સુરક્ષા એજન્સીઓને આ અંગે જાણ કરી હતી. સુરક્ષા કારણોસર જૂની કોર્ટ બિલ્ડીંગ તાત્કાલિક ખાલી કરાવી દેવામાં આવી છે.
ડિસ્ટ્રિક્ટ જજને ધમકી ભર્યો મેલ આવ્યો પ્રાથમિક વિગતો મુજબ, આ ધમકી વહેલી સવારે ઈમેલ દ્વારા મળી હતી. ધમકી મળતાની સાથે જ ડિસ્ટ્રિક્ટ જજ વિક્રમસિંહ ગોહિલ દ્વારા તાત્કાલિક સુરક્ષા એજન્સીઓને જાણ કરવામાં આવી હતી. હાલમાં કોર્ટની બહાર મુખ્ય માર્ગ પર વકીલો અને અસીલોનો મેળાવડો જોવા મળી રહ્યો છે. આ ઘટનાને કારણે દરેકમાં ચિંતાનો માહોલ છે.
બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સહિતની સુરક્ષા એજન્સીઓએ સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. LCB અને SOG સહિતની અન્ય સુરક્ષા એજન્સીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. સમગ્ર કેમ્પસમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.












