દિલ્હી બ્લાસ્ટના પડઘા/ ગુજરાતમાં હાઈ એલર્ટ, રાષ્ટ્રવિરોધી તત્વોનું 100 કલાકમાં સ્કેનિંગ કરવા DGPનો કડક આદેશ

ગાંધીનગર: દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટના પડઘા સમગ્ર દેશની સુરક્ષા એજન્સીઓમાં પડ્યા છે. આ ગંભીર ઘટના બાદ ગુજરાત રાજ્ય પોલીસ પણ હવે ફૂલ એક્શન મોડમાં આવી ગઈ છે. ગુજરાતમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી રાજ્ય પોલીસ વડા (DGP) વિકાસ સહાયે સોમવારે (17મી નવેમ્બર) એક અત્યંત મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે. તેમણે રાજ્યના તમામ પોલીસ કમિશનરો અને જિલ્લા પોલીસ અધિક્ષકો (SP) ને તાત્કાલિક અસરથી કામે લાગી જવાના આદેશો જારી કર્યા છે.
100 કલાકનું અલ્ટીમેટમ અને 30 વર્ષનો રેકોર્ડ DGP વિકાસ સહાયે જારી કરેલા આદેશ મુજબ, પોલીસતંત્રને એક ખાસ મિશન સોંપવામાં આવ્યું છે. આ મિશન અંતર્ગત છેલ્લા ત્રણ દાયકા એટલે કે 30 વર્ષમાં ગુજરાતના કોઈપણ પોલીસ સ્ટેશનમાં રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ, આતંકવાદ કે દેશની સુરક્ષા સામે ખતરો ઊભો કરતા ગુનાઓમાં સંડોવાયેલા હિસ્ટ્રીશીટર્સનું તાત્કાલિક વેરિફિકેશન કરવાનું રહેશે. સૌથી મહત્વની વાત એ છે કે આ સમગ્ર કામગીરી પૂર્ણ કરવા માટે પોલીસ વિભાગને માત્ર 100 કલાકનો સમય આપવામાં આવ્યો છે. આ સમયમર્યાદામાં પોલીસે આવા તત્વોનું એક વિગતવાર ‘ડોઝિયર’ તૈયાર કરી DGP સમક્ષ રજૂ કરવું પડશે.
વેરિફિકેશનની કડક પ્રક્રિયા આ આદેશ માત્ર કાગળ પર સીમિત ન રહે તે માટે DGPએ સ્પષ્ટ સૂચના આપી છે કે તપાસમાં કોઈ પણ પ્રકારની લાપરવાહી ચલાવી લેવામાં આવશે નહીં. તપાસ અધિકારીઓએ નીચે મુજબની પ્રક્રિયા અનુસરવી પડશે:
-
સૌપ્રથમ છેલ્લા 30 વર્ષના રેકોર્ડ તપાસીને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિમાં સંડોવાયેલા શખ્સોની પ્રાથમિક યાદી તૈયાર કરવી.
-
યાદીમાં રહેલા દરેક વ્યક્તિની હાલની સ્થિતિ (જેલમાં છે, બહાર છે કે ફરાર છે), તેમનું બેકગ્રાઉન્ડ અને વર્તમાન પ્રવૃત્તિઓની ઝીણવટભરી તપાસ કરવી.
-
માત્ર રેકોર્ડ જોઈને રિપોર્ટ બનાવવાનો નથી, પરંતુ ફિલ્ડ પર જઈને પૂછપરછ અને ફિઝિકલ વેરિફિકેશન કરવાનું રહેશે.
-
તપાસ પૂર્ણ થયા બાદ તમામ માહિતી સાથેનું અપડેટેડ પ્રોફાઇલ અને કેસની વિગતો સાથેનું અંતિમ ડોઝિયર તૈયાર કરવું.
સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાનો ઉદ્દેશ્ય પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના સુરક્ષા તંત્રને અપડેટ કરવાનો છે. રાષ્ટ્રીય હિત વિરુદ્ધ કામ કરતા તત્વોનો એક સ્ટેટ-લેવલનો ડેટાબેઝ તૈયાર થવાથી ભવિષ્યમાં તેમના પર વોચ રાખવી સરળ બનશે. દિલ્હી જેવી કોઈ ઘટના ગુજરાતમાં આકાર ન લે તે માટે આ પ્રકારનું ‘પ્રિવેન્ટિવ પોલીસિંગ’ અત્યંત આવશ્યક છે. આ નિર્ણયથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઇન્ટેલિજન્સ અને દેખરેખની પદ્ધતિ વધુ સુદ્રઢ બનશે તેવી આશા રાખવામાં આવી રહી છે.












