ટ્રેન્ડિંગવર્લ્ડ

કેનેડામાં હેલિકોપ્ટર ક્રેશ થતાં ચારના મોત, અકસ્માતનું કારણ જાણવા તપાસ શરૂ

Helicopter Crash :   કેનેડાના મોન્ટ્રીયલ શહેર નજીક હેલિકોપ્ટર દુર્ઘટનામાં ચાર લોકોના મોત થયા છે. શનિવારે બપોરે સેન્ટ-બ્રિગિડ-ડી’ઇબરવિલે વિસ્તારમાં આ અકસ્માત થયો હતો. હેલિકોપ્ટર ક્રેશ થયા પછી તેમાં આગ પણ લાગી હતી, જેને ફાયર વિભાગના કર્મચારીઓએ આશરે એક કલાકની અંદર કાબૂમાં લીધી હતી. ક્વિબેક પ્રાંતીય પોલીસ (Sûreté du Québec)ના જણાવ્યા મુજબ, મોન્ટ્રીયલથી આશરે 50 કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં આવેલા વિસ્તારમાં બપોરે લગભગ 2:30 વાગ્યે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. દુર્ઘટના પહેલાં હેલિકોપ્ટરમાં કેટલીક ટેકનિકલ મુશ્કેલી સર્જાઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

હેલિકોપ્ટરમાં સવાર ચારેય લોકોના મોત

અકસ્માત બાદ ઘટનાસ્થળે પહોંચેલા અધિકારીઓએ હેલિકોપ્ટરમાં સવાર ચારેય લોકોને મૃત જાહેર કર્યા હતા. પોલીસ દ્વારા હજુ સુધી મૃતકોની ઓળખ જાહેર કરવામાં આવી નથી. પ્રાંતીય પોલીસ પ્રવક્તા ઓડ્રી-એની બિલોડ્યૂએ જણાવ્યું હતું કે હેલિકોપ્ટર ક્રેશ થતાં તેમાં આગ લાગી હતી. ફાયરફાઇટર્સે લગભગ એક કલાકની મહેનત બાદ આગ પર કાબૂ મેળવી લીધો હતો.

અકસ્માતનું કારણ હજુ સ્પષ્ટ નથી

હાલમાં હેલિકોપ્ટર દુર્ઘટના પાછળનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પોલીસના જણાવ્યા પ્રમાણે, અકસ્માત પહેલાં હેલિકોપ્ટરમાં કેટલીક સમસ્યા હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ આ જ કારણસર દુર્ઘટના થઈ કે કેમ તે અંગે તપાસ ચાલી રહી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે હેલિકોપ્ટર ખાનગી વિમાન (Private Aircraft) હોવાનું માનવામાં આવી રહ્યું છે. કેનેડાના ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (Transportation Safety Board)એ ઘટનાસ્થળે તપાસ માટે નિષ્ણાતોની ટીમ મોકલી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

અમેરિકામાં પણ હેલિકોપ્ટર દુર્ઘટનામાં બે પાઇલટના મોત

આ પહેલાં અમેરિકાના યોસેમિટી નેશનલ પાર્કમાં જંગલની આગ પર કાબૂ મેળવવા માટે પાણીનો છંટકાવ કરી રહેલા બે હેલિકોપ્ટર ક્રેશ થયા હતા. આ બંને અકસ્માતમાં હેલિકોપ્ટરમાં સવાર પાઇલટના મોત થયા હતા. બંને હેલિકોપ્ટરમાં માત્ર પાઇલટ જ સવાર હતા. તેઓ ‘પ્રિસિઝન’ નામની કોન્ટ્રાક્ટ એરક્રાફ્ટ કંપની માટે કામ કરતા હતા. મૃત પાઇલટમાંથી એક ગ્રેગ કિંગ હતા, જેઓ અલાસ્કાના ફોરેસ્ટ્રી એન્ડ ફાયર પ્રોટેક્શન વિભાગ સાથે પણ કામ કરી ચૂક્યા હતા.

આ પણ વાંચો : બિહાર DGP વિનય કુમારે VRS લીધું, હવે મુખ્ય માહિતી કમિશનર બનશે

Back to top button