CM વિજયની મોટી ભેટ: 200 યુનિટ ફ્રી વીજળી… શપથ લેતા જ પૂરા કર્યા 3 વચનો, હજુ લિસ્ટ લાંબું છે

CM Vijay free electricity 200 units: તમિલનાડુના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેતાની સાથે જ થલપતિ વિજયે પોતાના ચૂંટણીલક્ષી વચનો પૂરા કરવાનું શરૂ કરી દીધું છે. રવિવારે ચેન્નાઈના નેહરુ ઈન્ડોર સ્ટેડિયમમાં ભવ્ય શપથ ગ્રહણ સમારોહ બાદ, તેમણે તરત જ ત્રણ મહત્વના આદેશો પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં ઘરેલું ગ્રાહકોને દર મહિને 200 યુનિટ મફત વીજળી આપવાની જાહેરાતનો પણ સમાવેશ થાય છે.
શપથ લેતા જ આ 3 મોટા આદેશો પર કર્યા હસ્તાક્ષર
મુખ્યમંત્રી વિજયે સત્તા સંભાળતાની સાથે જ જે ત્રણ ફાઈલો પર મહોર લગાવી છે તેમાં:
1. ફ્રી વીજળી: ઘરેલું વપરાશકારો માટે દર મહિને 200 યુનિટ સુધી મફત વીજળી.
2. એન્ટી ડ્રગ યુનિટ: રાજ્યના દરેક જિલ્લામાં ડ્રગ્સ વિરોધી એકમોની રચના.
3. મહિલા સુરક્ષા દળ: મહિલાઓની સુરક્ષા માટે વિશેષ સુરક્ષા દળનું ગઠન.
ખાલી તિજોરી અને દેવાનો ડર
સત્તા સંભાળતાની સાથે જ વિજયે સ્વીકાર્યું કે પાછલી સરકાર રાજ્ય પર મોટું દેવું મૂકીને ગઈ છે અને સરકારી તિજોરી ખાલી છે. નિષ્ણાતોના મતે, વિજયે કરેલા તમામ વચનો પૂરા કરવા માટે સરકારી તિજોરી પર 1 લાખ કરોડ રૂપિયાથી વધુનો બોજ પડી શકે છે. જોકે, મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે જનતાના નાણાંનો દુરુપયોગ નહીં થાય અને શિક્ષણ, રસ્તા અને પાણી જેવી પાયાની સુવિધાઓ તેમની પ્રાથમિકતા રહેશે.
લિસ્ટ હજુ લાંબું છે: મહિલાઓ અને ખેડૂતો માટે વચનો
થલપતિ વિજયની પાર્ટી TVK ના મેનિફેસ્ટોમાં હજુ ઘણા મોટા વચનો છે જે પૂરા કરવાના બાકી છે:
મહિલા સહાય: 1.57 કરોડ મહિલાઓને દર મહિને 2,500 રૂપિયાની આર્થિક મદદ.
ખેડૂત સહાય: 79.4 લાખ ખેડૂતોને વાર્ષિક 15,000 રૂપિયાની આવક સહાય.
ફ્રી સિલિન્ડર: 1.85 કરોડ પરિવારોને વર્ષમાં 6 ગેસ સિલિન્ડર મફત.
બેરોજગારી ભથ્થું: યુવાનો માટે ઈન્ટર્નશિપ અને 10 લાખ લોકો માટે માસિક 4,000 રૂપિયાનું ભથ્થું.
બજેટ પર પડશે મોટી અસર
રિપોર્ટ મુજબ, વર્ષ 2025-26 માટે તમિલનાડુની અંદાજિત આવક ₹3.31 લાખ કરોડ છે. જો TVK તેના તમામ વચનો પૂરા કરે છે, તો કુલ આવકના લગભગ 29.8% ભાગ માત્ર કલ્યાણકારી યોજનાઓ પાછળ ખર્ચાઈ શકે છે. આ આંકડો પાછલી ડીએમકે સરકારના 19.7% કરતા ઘણો વધારે છે. હવે જોવાનું એ રહેશે કે સીએમ વિજય આર્થિક પડકારો વચ્ચે આ લાંબુ લિસ્ટ કેવી રીતે પૂરું કરે છે.
આ પણ વાંચોઃ દાવેદાર ત્રણ અને ખુરશી એક… 5 રાજ્યોની ચૂંટણી બાદ કેરળ કોંગ્રેસમાં તણાવ, આખરે કોણ બનશે CM?
આ પણ વાંચોઃ સીએમ બનતાની સાથે વિજયની મોટી જાહેરાત, 200 યુનિટ મફત વિજળી અને મહિલાઓ માટે પ્રોટેક્શન કોર્ષ…
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X












