ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દાવેદાર ત્રણ અને ખુરશી એક… 5 રાજ્યોની ચૂંટણી બાદ કેરળ કોંગ્રેસમાં તણાવ, આખરે કોણ બનશે CM?

Kerala Politics: પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામોને બાજુ પર રાખીને, કોંગ્રેસ હવે કેરળમાં તેના સૌથી મોટા રાજકીય પડકારનો સામનો કરી રહી છે. લાંબા સમય પછી, કોંગ્રેસે કેરળમાં ડાબેરીઓના ગઢને સફળતાપૂર્વક તોડી નાખ્યો છે. વધુમાં, જ્યારે રાજ્યમાં સત્તા સંભાળવાની વાત આવે છે, ત્યારે પાર્ટીમાં આંતરિક ઝઘડો શરૂ થઈ ગયો છે. હકીકતમાં હવે કેરળમાં મુખ્યમંત્રી પદને લઈને ખુલ્લેઆમ ઘર્ષણ સામે આવ્યું છે. રાજ્યમાં સીએમના ચહેરાને લઈને સસ્પેન્સ યથાવત છે અને ત્રણ મોટા દાવેદાર વી.ડી. સતીસન, કે.સી. વેણુગોપાલ રમેશ ચેન્નીથલા વચ્ચેની ખેંચતાણ થંભવાનું નામ લેતી નથી. પરિસ્થિતિ એવી બની ગઈ છે કે સમર્થકો વચ્ચેનો આ વિવાદ રસ્તાઓ સુધી પહોંચી ગયો છે, જ્યાં અનેક સ્થળોએ ફ્લેક્સ બોર્ડ, પોસ્ટર અને પ્રદર્શન જોવા મળ્યા. પરિણામે પાર્ટી હાઈકમાન્ડે પરિસ્થિતિ કાબૂમાં લેવા હસ્તક્ષેપ કર્યો છે અને હવે કોઈપણ સમયે અંતિમ નિર્ણય જાહેર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

કેરળના મુખ્યમંત્રી પદ માટે દિલ્હીમાં મેરેથોન બેઠક

કેરળમાં મુખ્યમંત્રી પદને લઈને ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે નવી દિલ્હીમાં મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને લગભગ ત્રણ કલાક સુધી મેરેથોન બેઠક ચાલી. જોકે કોંગ્રેસની આ ઉચ્ચસ્તરીય બેઠક બાદ પણ મુખ્યમંત્રીના નામ પર અંતિમ મુહર લાગી શકી નથી. આ બેઠકમાં મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી ઉપરાંત, કેસી વેણુગોપાલ, સન્ની જોસેફ, રમેશ ચેન્નીથલા, વીડી સતીસન, અજય માકન, મુકુલ વાસનિક અને દીપા દાસમુન્શી હાજર રહ્યા હતા. બેઠક બાદ કોંગ્રેસ તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું કે અંતિમ નિર્ણય હાઈકમાન્ડ જ લેશે અને તમામ નેતાઓએ આ બાબતે સહમતિ વ્યક્ત કરી છે.

નિર્ણય કોંગ્રેસ હાઈકમાન્ડના હાથમાં

રમેશ ચેન્નીથલાએ બેઠક બાદ જણાવ્યું કે મુખ્યમંત્રી અંગેનો અંતિમ નિર્ણય પાર્ટી હાઈકમાન્ડ જ કરશે અને ટૂંક સમયમાં નામની જાહેરાત કરવામાં આવશે. તેમણે એ પણ કહ્યું કે બેઠકમાં ચૂંટણી પરિણામો બાદ બદલાયેલી રાજકીય પરિસ્થિતિઓ પર ચર્ચા થઈ હતી અને તમામ નેતાઓએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. ચેન્નિથલાએ સ્પષ્ટ કર્યું કે મુખ્યમંત્રી પદ માટેના તમામ નામો પર ચર્ચા થઈ છે અને અંતિમ નિર્ણય પાર્ટી હાઈકમાન્ડના હાથમાં છે. સૂત્રોના જણાવ્યા મુજબ બેઠક દરમિયાન રાહુલ ગાંધી અને ખડગેએ ત્રણેય દાવેદારો સાથે અલગ-અલગ ચર્ચા કરી અને સંદેશ આપ્યો કે પાર્ટી જે પણ નિર્ણય કરશે, તે તમામે સ્વીકારવો પડશે. વેણુગોપાલ, સતીસન અને ચેન્નીથલાએ પણ હાઈકમાન્ડ પર વિશ્વાસ વ્યક્ત કર્યો.

23 મે એ સરકાર બનાવવાની અંતિમ

કોંગ્રેસમાં બેઠકોનો દોર સતત ચાલુ છે. બેઠક બાદ કાર્યકર્તાઓને પ્રદર્શન અને જાહેર પ્રચાર બંધ રાખવાની અપીલ કરવામાં આવી, જેના પરથી એ સંકેત મળે છે કે રાજકીય સમીકરણો ઝડપથી બદલાઈ રહ્યા છે. દીપા દાસમુન્શીએ બેઠક બાદ જણાવ્યું કે લાંબી ચર્ચા પછી મુખ્યમંત્રી અંગેનો અંતિમ નિર્ણય ટૂંક સમયમાં લેવામાં આવશે અને તે નક્કી કરેલી સમયમર્યાદામાં જ જાહેર થશે, કારણ કે સરકાર રચવા માટે 23 મે છેલ્લી તારીખ છે. તેમણે વધુમાં જણાવ્યું કે ધારાસભ્યોએ એક લાઇનનો પ્રસ્તાવ પસાર કરીને નેતા પસંદ કરવાની સત્તા પાર્ટી હાઈકમાન્ડને સોંપી છે. સાથે જ તેમણે કાર્યકર્તાઓને સંયમ રાખવા અને રસ્તા પર ઉતરીને વિરોધ ન કરવા અપીલ કરી.

કેરળમાં પોસ્ટર અને ફ્લેક્સ બોર્ડ દૂર કરાયા

આ દરમિયાન, સમર્થકોએ પોતપોતાના નેતાઓના સમર્થનમાં પોસ્ટર અને ફ્લેક્સ બોર્ડ લગાવ્યા બાદ કેરળમાં રાજકીય ગરમી વધી ગઈ હતી. જોકે, નેતાઓની અપીલ બાદ, તિરુવનંતપુરમથી અલાપ્પુઝા, એર્નાકુલમ, ત્રિશુર, કન્નુર, કોટ્ટાયમ અને વાયનાડ સુધી આ પોસ્ટરો અને ફ્લેક્સ બોર્ડ દૂર કરવામાં આવ્યા હતા. સુલ્તાન બાથરીમાં આયોજિત રેલી પણ રદ કરવામાં આવી હતી, જોકે કેટલાક સમર્થકો મલપ્પુરમમાં સતીસનના સમર્થનમાં પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા. પાર્ટીના વરિષ્ઠ નેતા કે.સી. જોસેફે સમગ્ર પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે આંતરિક મુદ્દાઓને રસ્તા પર લાવવું જોખમી સાબિત થઈ શકે છે અને તેનાથી પાર્ટીને નુકસાન થશે. તેમણે ચેતવણી આપી કે જાહેર મતભેદોથી સંગઠનની છબી નબળી પડે છે અને તેનો પ્રભાવ આખી પાર્ટી પર પડશે.

કેરળના સીએમ પદ માટે કોનું પલ્લું ભારે?

કેરળમાં મુખ્યમંત્રીની પસંદગીમાં ધારાસભ્યોના મંતવ્યો પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મોટાભાગના ધારાસભ્યોએ કે.સી. વેણુગોપાલને ટેકો આપ્યો છે, જ્યારે ગ્રાઉન્ડ લેવલે સતીસનને વધુ લોકપ્રિય ગણાવવામાં આવી રહ્યા છે. ચેન્નીથલાની વરિષ્ઠતા અને અનુભવ તેમને મજબૂત દાવેદાર બનાવે છે. કેરળમાં યુડીએફનું પુનરાગમન પણ નોંધપાત્ર રહ્યું છે, તેમણે 140 માંથી 102 બેઠકો જીતી છે, જ્યારે કોંગ્રેસે 63 બેઠકો જીતી છે. આ જંગી જીત છતાં, મુખ્યમંત્રી પદ અંગેની અનિશ્ચિતતા પાર્ટી માટે એક નવા પડકાર તરીકે ઉભરી આવી છે.

આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે કોંગ્રેસની મુશ્કેલીઓ માત્ર કેરળ સુધી મર્યાદિત નથી. કર્ણાટકમાંમાં પહેલેથી જ ડીકે શિવકુમાર અને સિદ્ધારમૈયા વચ્ચે નેતૃત્વને લઈને આંતરિક ખેંચતાણ ચાલી રહી છે, જ્યાં હજુ સુધી મામલો શાંત થયો નથી. એવા સમયે પાર્ટી માટે સૌથી મોટો પડકાર હવે માત્ર સરકાર બનાવવાનો નથી, પરંતુ સત્તાની અંદર સંતુલન જાળવી રાખવાનો બની ગયો છે.

આ પણ વાંચો: હિમંતા બિસ્વા સરમા સર્વાનુમતે ભાજપ ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા, આ દિવસે લેશે મુખ્યમંત્રી પદના શપથ

Back to top button