CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોને પાઠવી દિવાળી અને નૂતન વર્ષની શુભકામનાઓ
GUJARAT : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના તમામ નાગરિકો તેમજ વિશ્વભરમાં વસતા ગુજરાતી પરિવારોને દિવાળી અને વિક્રમ સંવત 2083ના નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. તેમણે નવા વર્ષમાં સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, સંતોષ અને ઉત્તમ આરોગ્યનો પ્રકાશ પથરાય તેવી શુભેચ્છા વ્યક્ત કરી છે. સાથે જ ‘વિકસિત ગુજરાત’થી ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા સૌ નાગરિકોને સહિયારા પ્રયાસો સાથે આગળ વધવા અપીલ કરી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
‘વી વિલ ડુ ઇટ’ના ધ્યેય સાથે વિકાસયાત્રામાં જોડાવા અપીલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિવાળી અને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સાત કરોડ ગુજરાતીઓની સામૂહિક ઊર્જા, આત્મનિર્ભરતા અને કૌશલ્યનો ઉપયોગ કરવો જરૂરી છે. ‘વિકસિત ગુજરાત’થી ‘વિકસિત ભારત’ના લક્ષ્યને પ્રાપ્ત કરવા ‘વી વિલ ડુ ઇટ’ના ધ્યેય સાથે સૌએ આગળ વધવાનું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દિવાળી માત્ર રોશનીનો તહેવાર નથી, પરંતુ આર્થિક સમૃદ્ધિ, સુશાસન, સુરક્ષા અને સામાજિક એકતાના નવા સંકલ્પો સાથે આગળ વધવાની પ્રેરણા આપતું પર્વ પણ છે.
વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ગુજરાત બન્યું ગ્રોથ એન્જિન
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતની આજની વિકાસયાત્રાની મજબૂત ઇમારતનો પાયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2001થી શરૂ કરેલી સેવા અને સુશાસનની અવિરત યાત્રામાં રહેલો છે. ‘સંકલ્પથી સિદ્ધિ’ના માર્ગે આગળ વધીને ગુજરાત આજે વૈશ્વિક સ્તરે ‘ગ્રોથ એન્જિન’ તરીકે પ્રસ્થાપિત થયું છે. ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’ના શાસનમંત્રને સાકાર કરીને રાજ્યએ દરેક ક્ષેત્રમાં સર્વાંગી વિકાસના નવા આયામો સર કર્યા છે.
આ પણ વાંચો: દેશભરમાં દિવાળીની ધૂમ, PM મોદીએ વીડિયો જાહેર કરી પાઠવી શુભકામનાઓ
મિશન લાઇફ અંતર્ગત પર્યાવરણ સંરક્ષણ પર ભાર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનના ‘મિશન લાઇફ’ના મંત્રને આત્મસાત કરીને ગુજરાતમાં પર્યાવરણ સંરક્ષણ માટે થઈ રહેલી કામગીરીનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ગ્રીન ક્રેડિટ અને ‘એક પેડ માં કે નામ 3.0’ જેવા અભિયાનો દ્વારા પર્યાવરણ સંરક્ષણની દિશામાં નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે. કચ્છના રણથી લઈને ધોલેરા જેવા આધુનિક વિકાસ ક્ષેત્રોમાં વરસાદી પાણીનો સંગ્રહ અને વૃક્ષારોપણના વિવિધ પ્રયોગો હાથ ધરવામાં આવ્યા છે. આ સાથે તેમણે રાજ્યની યુવા પેઢીને પણ નવા વર્ષે પર્યાવરણ સંરક્ષણના અભિયાનોમાં સક્રિય ભાગીદારી નોંધાવવાનો સંકલ્પ લેવા અપીલ કરી હતી.
આત્મનિર્ભર ભારત માટે વિકસિત ગુજરાતના સંવાહક બનવા શુભેચ્છા
મુખ્યમંત્રીએ અંતમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વિક્રમ સંવત 2083ના નૂતન વર્ષમાં રાજ્યના નાગરિકો ગુજરાતની વિકાસયાત્રાને વધુ ગતિશીલ બનાવવામાં પોતાનું યોગદાન આપશે. તેમણે સૌ નાગરિકો આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે વિકસિત ગુજરાતના સંવાહક બને અને રાજ્ય વિકાસના નવા શિખરો સર કરે તેવી અંતરની શુભકામનાઓ પાઠવી હતી.












