UNSCમાં ભારતની દાવેદારી પર ચીનનું નિવેદન, ચાર દેશો પહેલેથી સમર્થનમાં

China’s statement on India’s candidacy: સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં વર્ષ 2028-29 માટેની અસ્થાયી સભ્યતા મેળવવા ભારતે સત્તાવાર રીતે દાવેદારી નોંધાવ્યા બાદ હવે ચીને પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ચીને જણાવ્યું છે કે તેણે ભારતની દાવેદારી સંબંધિત અહેવાલો પર ધ્યાન આપ્યું છે. જોકે, ભારતના સમર્થન અંગે તેણે કોઈ સ્પષ્ટ વલણ જાહેર કર્યું નથી.
ચીને શું કહ્યું?
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને મીડિયા સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું કે ભારતની UNSCની અસ્થાયી સભ્યતા માટેની દાવેદારી અંગેના અહેવાલો પર ચીન નજર રાખી રહ્યું છે. પરંતુ તેમણે ભારતના સમર્થન કે વિરોધ અંગે કોઈ સ્પષ્ટ નિવેદન આપ્યું નથી.
એસ. જયશંકરે શરૂ કર્યો પ્રચાર અભિયાન
ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન 2028-29 માટે UNSCની અસ્થાયી સભ્યતા મેળવવા ભારતના સત્તાવાર પ્રચાર અભિયાનની શરૂઆત કરી હતી.
તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું કે સંયુક્ત રાષ્ટ્ર પ્રત્યે ભારતનો અભિગમ શાંતિ, વિશ્વાસ, નિયમો અને પારદર્શિતાના સિદ્ધાંતો પર આધારિત છે. તેમણે સુરક્ષા પરિષદમાં ભારતની સંભવિત ભૂમિકા અને પ્રાથમિકતાઓ અંગે પણ વિસ્તૃત માહિતી આપી.
ચાર સ્થાયી સભ્ય દેશો ભારતના સમર્થનમાં
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પાંચ સ્થાયી સભ્યોમાંથી અમેરિકા, બ્રિટન, રશિયા અને ફ્રાન્સ ભારતને ભવિષ્યમાં સુરક્ષા પરિષદની સ્થાયી સભ્યતા આપવા માટે ખુલ્લેઆમ સમર્થન આપી ચૂક્યા છે.
જ્યારે ચીન, જે સુરક્ષા પરિષદના પાંચ સ્થાયી સભ્યોમાંનું એક છે, તેણે હજુ સુધી ભારતની સ્થાયી સભ્યતાને જાહેર સમર્થન આપ્યું નથી.
તાજિકિસ્તાન સામે રહેશે સ્પર્ધા
વર્ષ 2028-29 માટે સુરક્ષા પરિષદની અસ્થાયી સભ્યતા માટેની ચૂંટણી આગામી વર્ષે જૂનમાં યોજાશે. એશિયા-પ્રશાંત ગ્રુપની એકમાત્ર બેઠક માટે ભારત અને તાજિકિસ્તાન વચ્ચે સીધી સ્પર્ધા થશે.
ભારતનો UNSCમાં અનુભવ
ભારત વર્ષ 2021-22 દરમિયાન છેલ્લે UNSCનું અસ્થાયી સભ્ય રહ્યું હતું. આ સુરક્ષા પરિષદમાં ભારતનો આઠમો કાર્યકાળ હતો. તે પહેલાં ભારત 1950-51, 1967-68, 1972-73, 1977-78, 1984-85, 1991-92 અને 2011-12 દરમિયાન પણ અસ્થાયી સભ્ય રહી ચૂક્યું છે.
UN સુધારાની ફરી ઉઠી માંગ
ભારતનું માનવું છે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું લગભગ 80 વર્ષ જૂનું માળખું આજના વૈશ્વિક પડકારો માટે પૂરતું અસરકારક નથી. ભારતે વારંવાર માંગ કરી છે કે વિકાસશીલ દેશોને વધુ યોગ્ય પ્રતિનિધિત્વ મળે તે માટે UNSCમાં વ્યાપક સુધારા કરવામાં આવે.
ભારતના સંયુક્ત રાષ્ટ્ર સ્થાયી પ્રતિનિધિ રાજદૂત હરીશ પરવથનેનીએ પણ જણાવ્યું હતું કે વૈશ્વિક સંઘર્ષોને રોકવામાં સુરક્ષા પરિષદ પૂરતી અસરકારક સાબિત થઈ નથી અને તેથી તેની રચનામાં સુધારાની જરૂરિયાત વધુ મજબૂત બની છે.
આ પણ વાંચો : શેરબજારમાં ગ્રીન શરૂઆત, સેન્સેક્સ 77,370 પર ખુલ્યો, નિફ્ટીમાં પણ તેજી












