
Gujarat News : ભાવનગરમાં પિતા-પુત્રએ લારી શરૂ કરનાર યુવક અને તેના વૃદ્ધ દાદા પર છરી વડે હુમલો કર્યાની ઘટના સામે આવી છે. જેમાં શિશુવિહાર વિસ્તારમાં નવી શરૂ કરાયેલી ચાની લારીની અદાવતમાં આ હુમલો કર્યાનું સામે આવ્યું છે. ગત બપોરે બનેલી આ હિંમક ઘટનામાં 25 વર્ષીય જયદીપ ધોપાળ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તેને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
ચાની લારી શરૂ કરવા બાબતે કર્યો હુમલો
સમગ્ર ઘટના અનુસાર, ભાવનગરના બોરડીગેટ વિસ્તારમાં રહેતા જયદીપ મુકેશભાઈ ધોપાળે 10 દિવસ પહેલા જ ગીતાચોક રોડ પર ભગવતી ચા નામની લારી શરૂ કરી હતી. આ નવી લારી શરૂ થતા જ વિસ્તારમાં લારી ચલાવતા રફીક અને તેના બે પુત્રો અબુદ અને અલ્ફાઝે અદાવત રાખી હતી. ત્યારે બપોરના સમયે 12 કલાકની આસપાસ આ શખ્સો જયદીપની લારીએ પહોચ્યા હતા અને અમારી સામે લારી કેમ કરી? તેમ કહી ગાળાગાળી કરવા લાગ્યા હતા.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
આ બાદ રફીક અને તેના પુત્રો ઉશ્કેરાઈને જયદીપ પર ખુરશી અને મુક્કા વડે હુમલો કર્યો હતો. આ દરમ્યાન અબુદે લાકડાના ધોકાથી જયદીપના માથા અને હાથ પર ઘા માર્યા હતા. જ્યારે અલ્ફાઝે છરીના ઘા ઝીંકી લોહીલુહાણ કરી નાખ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જે આધારે આ સમગ્ર મામલે ઘોઘારોડ પોલીસે ત્રણેય હુમલાખોરો વિરુદ્ધ નવા કારયદા હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરાઈ છે.
જાહેર રોડ પર લોકોના ટોળેટોળા એકઠા થયા
આ હુમલો જાહેર રોડ પર થયો હોવાથી લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. તેમજ ભીડ વધતા ત્રણેય હુમલાખોરો જો ફરી લારી ચાલુ રાખી તો જાનથી મારી નાખીશું તેવી ધમકી પણ આપી હતી. આ મામલે ઘોઘારોડ પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 117(2), 118(2), 351(3),54 તેમજ જીપી એક્ટની કલમ 135 હેઠળ ગુનો દાખલ કરી ફરાર આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : ચેન્નાઈ વનડેમાં ભારતનો ભવ્ય વિજય: અફઘાનિસ્તાનને 9 વિકેટથી કચડીને શ્રેણી 3-0 થી પોતાના નામે કરી












