ટ્રેન્ડિંગનેશનલ

નવા વર્ષની ઉજવણી માતમમાં ફેરવાઈ: આંધ્રપ્રદેશના અંતર્વેદી બીચ પર કાર દરિયામાં ખાબકી, એક યુવકનું કરુણ મોત

નવી દિલ્હી: 2 જાન્યુઆરી, 2026: નવા વર્ષના ઉત્સાહ વચ્ચે આંધ્ર પ્રદેશના આંબેડકર કોનસીમા જિલ્લામાં એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. જાણીતા પ્રવાસન સ્થળ અંતર્વેદી બીચ પર અડધી રાત્રે નવા વર્ષની ઉજવણી કરી રહેલા યુવાનોની એસયુવી (SUV) કાર દરિયામાં ખાબકતા એક યુવકનું મોત નીપજ્યું છે.

ટર્ન લેતી વખતે કાબૂ ગુમાવ્યો અને કાર દરિયામાં પડી

પોલીસના જણાવ્યા અનુસાર, કાકીનાડાના વતની અને હાલ બેંગલુરુમાં ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં કામ કરતા યુવાનોનું એક જૂથ નવા વર્ષની રજાઓ ગાળવા અંતર્વેદી આવ્યું હતું. આ અકસ્માત ગોદાવરી નદી અને સમુદ્રના સંગમ (સાગર સંગમમ) પાસે સર્જાયો હતો. એક રિસોર્ટમાં પાર્ટી કર્યા બાદ આ યુવાનો મોડી રાત્રે મહિન્દ્રા થાર (Mahindra Thar) ગાડી લઈને બીચ પર લટાર મારવા નીકળ્યા હતા. યુવાનો જ્યારે બીચ પર ડ્રાઇવ કરી રહ્યા હતા ત્યારે અચાનક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને કાર ઊંડા દરિયામાં જઈ પડી હતી. કારમાં સવાર ગોપી નામના યુવકે સમયસૂચકતા વાપરી કારમાંથી કૂદકો મારી દીધો હતો, જેના કારણે તેનો જીવ બચી ગયો હતો. કાર ચલાવી રહેલો શ્રીધર નામનો યુવક અંદર ફસાઈ ગયો હતો અને ડૂબી જવાથી તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

ક્રેનની મદદથી કાર બહાર કઢાઈ

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્ર સ્થળ પર પહોંચી ગયું હતું. સવારે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને ક્રેનની મદદથી દરિયામાં ડૂબેલી કારને બહાર કાઢવામાં આવી હતી. શ્રીધરનો મૃતદેહ કારના સ્ટિયરિંગ પાસે ફસાયેલો મળી આવ્યો હતો, જેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે.

પોલીસની અપીલ

પ્રાથમિક તપાસમાં અકસ્માતનું કારણ વાહનની તેજ ગતિ અને જોખમી વળાંક માનવામાં આવે છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વહીવટીતંત્રે પ્રવાસીઓને અપીલ કરી છે કે બીચ પર વાહનો ચલાવવાનું ટાળે અને સુરક્ષાના નિયમોનું ચુસ્તપણે પાલન કરે.

 

 

Back to top button