અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

AMCનું WRF મોડલ એલર્ટ: અમદાવાદના 20થી વધુ વોર્ડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, પૂર્વ-દક્ષિણપૂર્વ ઝોનમાં 4.75 ઇંચ સુધી વરસી શકે

Ahmedabad Rain: અમદાવાદ શહેરમાં આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સતર્કતા વધારી દેવામાં આવી છે. કોર્પોરેશનના WRF (Weather Research and Forecasting) મોડલના તાજેતરના પૂર્વાનુમાન મુજબ શહેરના 20થી વધુ વોર્ડમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાઈ શકે છે. ખાસ કરીને પૂર્વ, ઉત્તર-પૂર્વ અને દક્ષિણ-પૂર્વ ઝોનમાં 100થી 120 મિમી (આશરે 4થી 4.75 ઇંચ) સુધી વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

AMC દ્વારા નેશનલ સેન્ટર ફોર એન્વાયરમેન્ટલ પ્રિડિક્શન (NCEP)ના GFS ડેટાના આધારે એનએસએમ-અર્બન કાર્યક્રમ હેઠળ તૈયાર કરાયેલા 1.5 કિલોમીટર રિઝોલ્યુશનના WRF મોડલ મુજબ આ આગાહી 31 જુલાઈ સવારે 8:30 વાગ્યાથી 1 ઓગસ્ટ સવારે 8:30 વાગ્યા સુધીના સમયગાળાને આવરી લે છે.

પૂર્વ અને દક્ષિણ-પૂર્વના વિસ્તારોમાં સૌથી વધુ અસર

મોડલ મુજબ રામોલ-હાથીજણ, વસ્ત્રાલ, ઓઢવ, નિકોલ, વિરાટનગર, ઠક્કરબાપાનગર, કઠવાડા, ગોમતીપુર, ઇન્દ્રપુરી, ઇન્ડિયા કોલોની, બાપુનગર, વટવા, ઇસનપુર, ખોખરા, ભાઈપુરા-હાટકેશ્વર અને મણિનગર જેવા વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ નોંધાઈ શકે છે. આ વિસ્તારોમાં 100થી 120 મિમી સુધી વરસાદ પડવાની સંભાવના હોવાથી પાણી ભરાવા અને ટ્રાફિક અવરોધ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.

શહેરના અન્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા

નરોડા, સરદારનગર, કુબેરનગર, સૈજપુર-બોઘા, અસારવા, સરસપુર-રખિયાલ, શાહીબાગ, દરિયાપુર, શાહપુર, ખાડિયા, જમાલપુર, બહેરામપુરા અને દાણીલીમડા જેવા વિસ્તારોમાં 70થી 100 મિમી (આશરે 2.75થી 4 ઇંચ) વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

જ્યારે પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ ઝોનના નારણપુરા, પાલડી, વાસણા, વેજલપુર, ઘાટલોડિયા અને ચાંદલોડિયા વિસ્તારમાં મધ્યમ વરસાદ રહેવાનો અંદાજ છે. ગોતા, મક્તમપુરા, ઘુમા અને બોપલ વિસ્તારમાં તુલનાત્મક રીતે ઓછો વરસાદ નોંધાઈ શકે છે.

AMCએ તમામ વિભાગોને કર્યા એલર્ટ

પૂર્વ અને દક્ષિણ-પૂર્વના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને AMCએ ડ્રેનેજ વિભાગ, પમ્પિંગ સ્ટેશન અને કન્ટ્રોલ રૂમને હાઈ એલર્ટ પર રાખ્યા છે. વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થાય અને લોકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે તે માટે જરૂરી મશીનરી અને સ્ટાફને તૈયાર રહેવા સૂચના આપવામાં આવી છે.

1 ઓગસ્ટ બાદ વરસાદની તીવ્રતા ઘટી શકે

WRF મોડલ મુજબ 1 ઓગસ્ટ બાદ શહેરમાં વરસાદની તીવ્રતા ધીમે ધીમે ઘટી શકે છે. ત્યારબાદ સમગ્ર અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદ રહેવાની શક્યતા છે. જોકે આગામી 24 કલાક શહેર માટે મહત્ત્વના હોવાથી નાગરિકોને ખાસ સાવચેત રહેવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ અંબાલાલ પટેલની આગાહી વચ્ચે ગાંધીનગર-અમદાવાદમાં વરસાદની એન્ટ્રી, આગામી 48 કલાક ગુજરાત માટે ભારે
Back to top button