ટ્રેન્ડિંગનેશનલ

‘આજ વોટ કાપશે, કાલે તમારા બેંકના ખાતા’, SIRને લઈ અખિલેશના પ્રહારે

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે ચૂંટણી પંચના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અભિયાન પર આકરા પ્રહારો કર્યા છે. તેઓએ X હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેઓએ જણાવ્યું છે કે, તેમણે તેને “દેશ વિરુદ્ધ એક મોટું કાવતરું” ગણાવ્યું અને ચેતવણી આપી કે આ પ્રક્રિયા દેશને “વસાહતી યુગ કરતાં પણ ખરાબ સ્થિતિ” તરફ દોરી શકે છે.

અખિલેશે ભાજપને લીધી આડેહાથ

અખિલેશે વધુમાં જણાવ્યું કે, SIR માત્ર મતદાર યાદીનું પુનરાવર્તન નથી, પરંતુ એક એવી પદ્ધતિ છે જેના દ્વારા સામાન્ય લોકોના અધિકારો ધીમે ધીમે ખતમ કરી શકાય છે. તેમણે આરોપ લગાવ્યો કે “આજે મત કાઢી નાખવામાં આવી રહ્યા છે કાલે જમીનના રેકોર્ડ, રેશનકાર્ડ, જાતિ પ્રમાણપત્રો, અનામત અને પછી મધ્યમ વર્ગના બેંક ખાતા અને લોકરમાં પણ દખલ કરવામાં આવશે.”

તેમણે માત્ર વિપક્ષી પક્ષોને જ નહીં પરંતુ શાસક ભાજપ ગઠબંધન, NDA ના સાથી પક્ષોને પણ આ “મેગા કાવતરું” સામે એક થવા અપીલ કરી છે. અખિલેશે કહ્યું કે, “આ દેશના લોકો વિરુદ્ધનું સૌથી મોટું કાવતરું છે. જાગવાનો સમય આવી ગયો છે. આ છેતરપિંડી રોકવા માટે દરેકે એક થવું જોઈએ.”

ચૂંટણી મશીનરી પર કબજો કરવાનો પ્રયાસ: અખિલેશ

ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ દાવો કર્યો હતો કે ભાજપ અને તેના સાથી પક્ષોએ ‘ચૂંટણી મશીનરી પર કબજો કરવાનો’ પ્લાન ઘડ્યો છે. તેમણે કહ્યું કે કેટલાક ભ્રષ્ટ ચૂંટણી પંચના અધિકારીઓની મદદથી મતદાર યાદીઓમાં છેડછાડ કરવામાં આવી રહી છે.

અખિલેશે ચેતવણી આપી હતી કે NDA સાથે જોડાયેલા કેટલાક નાના પક્ષો ‘સૌ પ્રથમ દૂર કરવામાં આવશે.’ તેમણે કહ્યું કે મત એ નાગરિકની ઓળખ છે અને જો મત પોતે જ જોખમમાં હશે, તો લોકશાહીના આત્મા પર હુમલો થઈ રહ્યો છે.

SIR પ્રક્રિયા હાલમાં નવ રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચાલી રહી છે. ચૂંટણી પંચે જણાવ્યું છે કે તેના બૂથ-લેવલ અધિકારીઓ (BLO) એ ઘરે ઘરે ફોર્મનું વિતરણ કરવાનું અને મતદારોને જરૂરી દસ્તાવેજો ભરવામાં મદદ કરવાનું શરૂ કરી દીધું છે.

આ પણ વાંચો: SIRની કામગીરીમાં ઘર-પરિવાર ભૂલ્યા BLO, રાતના 3 વાગ્યા સુધી કરે છે કામ

Back to top button