Zepto કંપનીના સ્ટોરમાંથી ઓર્ડર કરાયેલા બ્રેડ અને પાઉમાં ફંગસ, પોલીસ-AMCમાં ફરિયાદ છતાં કોઈ કાર્યવાહી નહીં

Food Safety: અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલ ઝેપટો (Zepto) કંપનીના સ્ટોરમાંથી ઓર્ડર કરાયેલા બ્રેડ અને પાઉમાં ફંગસ જોવા મળતાં એક વરિષ્ઠ અધિકારી અને તેમના પરિવારે મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. મળતી માહિતી અનુસાર, આ ઘટનામાં ગાંધીનગરમાં ફરજ બજાવતા અને અમદાવાદમાં રહેતા ક્લાસ-1 અધિકારીએ સ્ટોરને જાણ કરી, પરંતુ સ્ટોર માલિકે મનમાની કરીને કોઈ જવાબદારી સ્વીકારી નહીં.
શું છે આખો મામલો?
અધિકારીએ પરિવાર માટે ઝેપટો એપ દ્વારા બ્રેડ અને પાઉનો ઓર્ડર કર્યો હતો. માલ પહોંચ્યા બાદ જોવા મળ્યું કે તેમાં ફંગસ છે. આ જોઈ અધિકારીએ તરત જ સ્ટોરનો સંપર્ક કર્યો અને વસ્તુઓ પરત લઈ જવા કહ્યું. પરંતુ સ્ટોર માલિકે વાતને હળવાશથી લીધી અને પોતાની મનમાની કરી. આ પછી અધિકારીએ 112 ડાયલ કરીને પોલીસને જાણ કરી અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) પાસે પણ ફૂડ સેફ્ટી અને હાઇજીનના મુદ્દે ફરિયાદ કરી છે. છતાં હજુ સુધી તપાસના નામે મીંડું છે અને કોઈ કાર્યવાહી થઈ નથી.
લોકોના જીવ અને સ્વાસ્થ્ય સાથે ચેડાં
આ ઘટના ઝેપટો જેવી ક્વિક કોમર્સ કંપનીઓમાં ફૂડ સેફ્ટી અને સ્ટોરેજના મુદ્દાઓને ફરી એક વાર સામે લાવી છે. અગાઉ મુંબઈના ધારાવી ડાર્ક સ્ટોરમાં ફંગસવાળા ખાદ્યપદાર્થો, એક્સપાયર્ડ પ્રોડક્ટ્સ અને અસ્વચ્છ સ્થિતિને લઈને મહારાષ્ટ્ર FDAએ ઝેપટોનું લાઇસન્સ જ સસ્પેન્ડ કરી દીધું હતું. અમદાવાદમાં પણ આવી ફરિયાદો વારંવાર સામે આવી રહી છે, જેનાથી લોકોના આરોગ્ય સાથે સીધો ખતરો છે.
અધિકારીએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે, “સ્ટોર માલિકની મનમાની સામે કોઈનો જીવ જાય ત્યારે જ કાર્યવાહી થશે?” આવી ઘટનાઓમાં ત્વરિત તપાસ અને કડક કાર્યવાહીની માંગ ઉઠી છે.
પોલીસ અને AMC પાસે ફરિયાદ નોંધાયેલી છે, પરંતુ અત્યાર સુધી કોઈ નોંધપાત્ર પગલું લેવામાં આવ્યું નથી. અધિકારી અને પરિવાર આરોગ્યના જોખમથી બચી ગયા, પરંતુ સામાન્ય ગ્રાહકો માટે આવી લાપરવાહી કેટલી ખતરનાક છે તેનો અંદાજ લગાવી શકાય છે.
આ પણ વાંચો: સુરતમાં નકલી ટોલનાકું પકડાયું, વાહનચાલકો પાસેથી ખુલ્લેઆમ લુંટ, તંત્ર પર સવાલો ઉઠ્યા












