સુરતમાં નકલી ટોલનાકું પકડાયું, વાહનચાલકો પાસેથી ખુલ્લેઆમ લુંટ, તંત્ર પર સવાલો ઉઠ્યા

Fake Toll Booth: રાજ્યમાં નકલી પ્રવૃત્તિઓના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. નકલી IAS અને IPS અધિકારીઓ, નકલી પોલીસ, નકલી સરકારી કચેરીઓ અને નકલી સિરપ જેવા બનાવોના સમાચાર પછી હવે નકલી ટોલનાકાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ચોર્યાસી ગામની સીમમાં, નેશનલ હાઈવે-48ને બાયપાસ કરતા પંચાયત માર્ગ પર ગેરકાયદેસર રીતે નકલી ટોલનાકું ચલાવવામાં આવી રહ્યું હતું. અહીં વાહનચાલકો પાસેથી રસીદ આપી પૈસાની ઉઘરાણી કરવામાં આવતી હતી.
આ મામલો ત્યારે બહાર આવ્યો જ્યારે તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. વીડિયો સામે આવતા જ કામરેજ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આ નકલી ટોલનાકું હટાવી દીધું છે.
કેવી રીતે ચાલતું હતું આ નકલી નાકું?
નેશનલ હાઈવે પરના મુખ્ય ટોલ પ્લાઝાથી બચવા માટે અનેક વાહનચાલકો આંતરિક પંચાયત રસ્તાનો ઉપયોગ કરતા હતા. આ તકનો લાભ ઉઠાવી કેટલાક શખ્સોએ ચોર્યાસી ગામની સીમમાં નકલી નાકું ગોઠવી દીધું અને નાના-મોટા વાહનો પાસેથી ગેરકાયદેસર ટોલ વસૂલવાનું શરૂ કર્યું. જ્યારે સ્થાનિકો અને જાગૃત નાગરિકોએ મંજૂરી અંગે પૂછપરછ કરી ત્યારે સંચાલકો સંતોષકારક જવાબ આપી શક્યા નહીં. આનો વીડિયો વાયરલ થતાં જ તંત્ર સક્રિય થયું.
કામરેજ પોલીસ સ્ટેશનના પી.આઈ. રામ ગોજીયાએ જણાવ્યું કે, “પૂછપરછ દરમિયાન સંચાલકોએ ગ્રામ પંચાયતનો ઠરાવ હોવાનો દાવો કર્યો છે. પરંતુ પંચાયત આ રીતે રસ્તા પર ટોલ નાખીને પૈસા ઉઘરાવી શકે કે કેમ તેની તપાસ તાલુકા વિકાસ અધિકારી (TDO) પાસે મોકલવામાં આવી છે.” પોલીસે ટોલનાકું તાત્કાલિક હટાવી દીધું છે અને ઉઘરાવેલી રસીદો કબજે કરી છે. હાલમાં સંચાલકો સામે કોઈ FIR નોંધવામાં આવી નથી, જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
તંત્ર સામે સવાલ
આટલા મોટા પાયે જાહેરમાં, દિવસ-રાત ગેરકાયદેસર વસૂલાત ચાલતી હોવા છતાં સ્થાનિક વહીવટી તંત્ર, ગ્રામ પંચાયત અને પોલીસને કેમ કોઈ જાણ ન થઈ? આ નકલી ટોલનાકું કેટલા દિવસથી ચાલતું હતું? કેટલા લાખો રૂપિયા વાહનચાલકોના ખિસ્સામાંથી કાઢી લેવાયા? અને સૌથી મોટો સવાલ તો એ છે કે, આવી જાહેર લૂંટ વચ્ચે સરકારી તંત્ર ક્યાં સુધી સૂતું રહ્યું?
આ કેસ માત્ર એક નકલી ટોલનાકાનો નથી, પરંતુ ગુજરાતમાં વધતા નકલી અધિકારીઓ, નકલી કચેરીઓ અને નકલી વ્યવસ્થાના વ્યાપક સડાનું જીવંત ઉદાહરણ છે. મોરબીના વઘાસિયા કેસની જેમ અહીં પણ તંત્રની બેદરકારીએ લોકોના પૈસાની લૂંટને લાંબો સમય આશ્રય આપ્યો. હવે માત્ર ટોલ હટાવવાથી વાત પતી નહીં જાય, સંપૂર્ણ તપાસ, FIR અને કડક કાર્યવાહી જરૂરી છે, નહીંતર આવા નકલી નાકા વધતા જ રહેશે.
ગુજરાતમાં આવા કિસ્સાઓની પેટર્ન: મોરબીનો 1.5 વર્ષ જૂનો કૌભાંડ
આ કેસ ગુજરાતમાં નકલી ટોલનાકાની પેટર્નને ફરી યાદ અપાવે છે. ડિસેમ્બર 2023માં મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામ પાસે NH-8A પર અસલી ટોલ પ્લાઝાથી માત્ર 200-600 મીટર દૂર ખાનગી જમીન પર નકલી બાયપાસ રસ્તો અને ટોલ બૂથ બનાવીને 1.5 વર્ષ સુધી કરોડોની લૂંટ ચલાવવામાં આવી હતી. અડધી કિંમતે ટોલ વસૂલીને આરોપીઓએ અંદાજે 75 કરોડ સુધીની કમાણી કરી લીધી હતી.
આ કેસમાં વઘાસિયા ગામના સરપંચ ધર્મેન્દ્રસિંહ ઝાલા, તેમના ભાઈઓ અને અમરશી પટેલ (સિદસર ઉમિયાધામના પ્રમુખ જેરામ પટેલના પુત્ર) સહિત પાંચ આરોપીઓ સામે FIR નોંધાઈ હતી. NHAI અને અસલી ટોલ ઓપરેટરની ફરિયાદ પર પોલીસે કાર્યવાહી કરીને નકલી ટોલ બંધ કર્યો હતો.
આ બંને કિસ્સાઓ દર્શાવે છે કે ગુજરાતમાં નકલી કચેરી, નકલી અધિકારી અને હવે નકલી ટોલનાકાના કિસ્સાઓ વધી રહ્યા છે. તંત્રને વધુ સતર્ક રહેવાની જરૂર છે જેથી વાહનચાલકો આવી લૂંટથી બચી શકે.
આ પણ વાંચો: બારડોલી તાલુકા પંચાયત ચૂંટણી વચ્ચે દુઃખદ ઘટના: અસ્તાન બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ધર્મેશ રાઠોડનું નિધન












