
રાજકોટમાં આગામી જૂન મહિનામાં યોજાનારી બાબા બાગેશ્વરની ‘સનાતન હનુમંત કથા’ પહેલા જ વિવાદોનો માહોલ ગરમાયો છે. ભારત જન વિજ્ઞાન જાથાએ બાબા બાગેશ્વરના કાર્યક્રમનો ઉગ્ર વિરોધ કરવાની જાહેરાત કરી છે. જાથાના આગેવાનોનો આરોપ છે કે બાબા બાગેશ્વર પોતાના કાર્યક્રમો દરમિયાન અંધશ્રદ્ધા, ચમત્કારિક દાવાઓ અને ભ્રમ ફેલાવી લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. આ મામલે રાજકોટમાં રેલી, સૂત્રોચ્ચાર અને ધરણાં સહિતના વિરોધ કાર્યક્રમો યોજવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.
વિજ્ઞાન જાથાના ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું હતું કે આગામી 4 અને 5 જૂનના રોજ રાજકોટ પોલીસ કમિશ્નર કચેરીમાં વિરોધ કાર્યક્રમ માટે મંજૂરી માંગવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જાથાના સમર્થકો બાબા બાગેશ્વરના કાર્યક્રમ દરમિયાન ‘દિવ્ય દરબાર’, પર્ચી પ્રથા, ચમત્કારિક દાવાઓ અને લોકોમાં ભ્રમ ફેલાવતી પ્રવૃત્તિઓનો વિરોધ કરશે.
જયંત પંડયાએ આરોપ લગાવ્યો હતો કે ગત લોકસભા ચૂંટણી દરમિયાન દેશના પ્રાણપ્રશ્નો, મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દાઓથી લોકોનું ધ્યાન ભટકાવવા કેટલાક ધાર્મિક નેતાઓને આગળ ધપાવવામાં આવ્યા હતા, જેમાં બાબા બાગેશ્વરનું નામ પણ સામેલ છે. તેમણે કહ્યું કે બાબા દ્વારા અગાઉ ગુજરાત વિશે “ગુજરાત કે પાગલો” જેવા શબ્દો બોલાયા છતાં રાજ્યના રાજકીય આગેવાનો કે સમાજના પ્રબુદ્ધ વર્ગ દ્વારા પૂરતો વિરોધ નોંધાયો નહોતો.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
જાથાએ દાવો કર્યો છે કે બાબા બાગેશ્વર પાસે કોઈ દિવ્ય શક્તિ કે ચમત્કારિક શક્તિ નથી અને તેઓ માત્ર લોકોની લાગણીઓનો ઉપયોગ કરીને લોકપ્રિયતા મેળવે છે. જયંત પંડયાએ કહ્યું કે જો બાબા ખરેખર દિવ્ય શક્તિ ધરાવતા હોય તો તેઓ જાહેર વિજ્ઞાન મંચ પર આવી ત્રણ પ્રશ્નોના સચોટ જવાબ આપે. જાથાએ આ માટે રૂપિયા એક કરોડના ઇનામની પણ જાહેરાત કરી છે.
જાથાના જણાવ્યા અનુસાર બાબા બાગેશ્વરના કાર્યક્રમોમાં ઘણીવાર લોકોને રોગમુક્ત કરવાની વાતો કરવામાં આવે છે, જે મેડિકલ લાયસન્સ વગર ઉપચાર કરવા સમાન છે. આવી પ્રવૃત્તિ કાયદેસર ગુનો હોવાનું જાથાએ જણાવ્યું છે. તેમણે કહ્યું કે માનવજીવન સાથે ખેલ કરવામાં આવી રહ્યો છે અને લોકોને અંધશ્રદ્ધા તરફ ધકેલવામાં આવી રહ્યા છે.
જયંત પંડયાએ વધુમાં જણાવ્યું હતું કે બાબા બાગેશ્વર દ્વારા લોકોને ચાર બાળકો પેદા કરવાની સલાહ આપવામાં આવે છે અને એક બાળક સંગઠનને આપવા જેવી વાતો પણ કરવામાં આવે છે, જે સમાજમાં વિભાજન ઊભું કરતી માનસિકતા દર્શાવે છે. તેમના મત મુજબ બાબા ધાર્મિક કથાકાર કરતાં વધુ રાજકીય પ્રચારક તરીકે કામ કરી રહ્યા છે.
વિજ્ઞાન જાથાએ સ્પષ્ટ જણાવ્યું છે કે તેઓ ધાર્મિક કથાનો વિરોધ નથી કરતા, પરંતુ કથાના નામે ફેલાતી અંધશ્રદ્ધા અને ચમત્કારિક દાવાઓનો વિરોધ કરે છે. જાથાના કાર્યકરો 5થી 7 જૂન દરમિયાન કથા સ્થળ નજીક હાજર રહેશે અને જો કોઈ અવૈજ્ઞાનિક પ્રક્રિયા, દિવ્ય ઉપચાર કે ચમત્કારિક દાવા કરવામાં આવશે તો સ્થળ પર જ વિરોધ નોંધાવશે.
જાથાના જણાવ્યા અનુસાર જો કાર્યક્રમ દરમિયાન કાયદાનો ભંગ થશે તો તરત જ પોલીસને જાણ કરી ગુનો નોંધાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પોલીસ તંત્રને પણ જાથાએ અપીલ કરી છે કે કાર્યક્રમના આયોજકો પાસેથી કાયદાનો ભંગ નહીં થાય તેવી લેખિત ખાતરી લેવામાં આવે.
જયંત પંડયાએ આરોપ લગાવ્યો હતો કે બાબા બાગેશ્વર વિજ્ઞાન અને ટેક્નોલોજીનો ઉપયોગ કરીને જ લોકો સુધી પહોંચે છે, પરંતુ બીજી તરફ લોકોને અંધશ્રદ્ધા તરફ ધકેલવાનો પ્રયાસ કરે છે. તેમણે કહ્યું કે દુનિયામાં આજ સુધી કોઈ ચમત્કારિક વ્યક્તિએ દેશની સમસ્યાઓ દૂર કરી નથી. માનવજીવનમાં સુખ-સુવિધા અને વિકાસ પાછળ માત્ર વિજ્ઞાન અને ટેક્નોલોજીનો જ ફાળો છે.
જાથાએ વધુમાં દાવો કર્યો હતો કે બાબા બાગેશ્વર દ્વારા કોરોનાકાળ દરમિયાન પણ કોઈ આગોતરી ચેતવણી કે મદદ કરવામાં આવી નહોતી. વિમાન દુર્ઘટનાઓ, આતંકવાદ, રોગચાળો કે અન્ય મોટી ઘટનાઓ અંગે પણ કોઈ દિવ્ય જાણકારી આપવામાં આવી નથી. તેથી લોકો આવા દાવાઓથી સાવધાન રહે અને વૈજ્ઞાનિક વિચારસરણી અપનાવે તે જરૂરી છે.
આ સાથે જ જાથાએ કથાના આયોજનમાં થતા મોટા પાયે ખર્ચ અને ઈંધણના વપરાશનો પણ વિરોધ કર્યો છે. વડાપ્રધાન દ્વારા ઈંધણ બચાવવાની અપીલ કરવામાં આવે છે ત્યારે આવા મોટા કાર્યક્રમોમાં થતો ખર્ચ અને સંસાધનોનો ઉપયોગ યોગ્ય નથી તેમ જાથાએ જણાવ્યું છે.
જાથાએ રાજ્યભરના વિજ્ઞાનપ્રેમીઓ, જાગૃત નાગરિકો અને સમર્થકોને રાજકોટમાં યોજાનારા વિરોધ કાર્યક્રમમાં જોડાવા અપીલ કરી છે. આગામી 4 અને 5 જૂને સાંજે કિશાનપરા ચોક ખાતે ભેગા થવાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું પણ જણાવાયું છે.
હાલ બાબા બાગેશ્વરના રાજકોટ કાર્યક્રમને લઈને રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે. એક તરફ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કથાની તૈયારીમાં જોડાયેલા છે, ત્યારે બીજી તરફ વિજ્ઞાન જાથાના વિરોધને કારણે આગામી દિવસોમાં સમગ્ર મામલો વધુ ગરમાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: ત્રણ મહિનાના પ્રેમલગ્નનો કરૂણ અંત, કોડીનારમાં નવપરિણીતાની હત્યા












