ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદ: જમાલપુર વિસ્તારમાં 16 વર્ષ પછી મ્યુનિસિપલ કોર્પોરેશને મેગા ડિમોલિશન કર્યું

  • જમાલપુરમાં 16 વર્ષ બાદ મેગા ડિમોલિશન
  • પોલીસ બંદોબસ્ત વચ્ચે 30 જેટલી દુકાનો તોડી પડાઈ
  • કામગીરી હજુ ચલાવશે તથા 13 હજાર વાર જગ્યા ખુલ્લી કરાશે

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં 16 વર્ષ પછી મ્યુનિસિપલ કોર્પોરેશને મેગા ડિમોલિશન હાથ ધર્યુ હતુ. ઊંટવાળી ચાલી પાસે મ્યુનિસિપલ કોર્પોરેશનની જગ્યામા કુખ્યાત બિલાલ શેખના બાંધકામ સહિત કુલ 30 દુકાનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે એસ્ટેટ વિભાગે તોડી પાડી હતી. જમાલપુર ત્રિકમજીના મંદિરની જગ્યા પચાવી પાડનાર બિલાલ ગેરકાયદે દબાણ કરી ભાડા વસૂલતો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કોર્પોરેશન તેની કામગીરી હજુ એક-બે દિવસ ચલાવશે તથા 13 હજાર વાર જગ્યા ખુલ્લી કરાશે.

ભાડા પટ્ટેથી આપવામા આવેલી જગ્યાનો કરાર વર્ષ-2009માં પૂરો થઈ ગયો

જમાલપુરમાં લાટી બજાર તરીકે જાણીતી જગ્યા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભાડાપટ્ટેથી આપવામા આવી હતી. ભાડા પટ્ટેથી આપવામા આવેલી જગ્યાનો કરાર વર્ષ-2009માં પૂરો થઈ ગયો હતો. આમ છતાં જે તે સમયના મધ્ય ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરથી લઈ અન્ય કોઈ અધિકારીઓ દ્વારા જગ્યાનું ફરીથી પઝેશન મેળવવા કોઈ નકકર કાર્યવાહી કરવામા આવી નહોતી. વર્ષ-2009થી બિલાલ શેખ દ્વારા આ જગ્યા ઉપર ગેરકાયદે દબાણ કરવાની સાથે ગેરકાયદે ઊભી કરી દેવામા આવેલી દુકાનોના ભાડા વસૂલવામા આવતા હતા.

હનીફ દાઢી ઉર્ફે હનીફ શેખ વિરૂદ્ધ અનેક ગુના નોંધાયેલા

બિલાલ ઉપરાંત હનીફ દાઢી ઉર્ફે હનીફ શેખ વિરૂદ્ધ અનેક ગુના નોંધાયેલા છે. ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમા પણ બિલાલ શેખ વિરૂદ્ધ ગુનો નોંધાયેલો છે. 16 વર્ષથી કોર્પોરેશનની જગ્યામાં ગેરકાયદે બાંધકામ કરી જગ્યા પચાવી પડાઈ હતી. આ પાછળ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સાથે ગોઠવણ કરી દુકાનો ઊભી કરી ગેરકાયદે ભાડા પણ વસૂલાતા હતા. તેમ છતાં કોર્પોરેશનના અત્યાર સુધીના હોદ્દેદારોએ પણ આ સમગ્ર મામલે કામગીરી કરવાનું તો દૂર પણ કંઈ બોલવા અંગે પણ ચૂપકીદી સેવી લીધી હતી.

આ પણ વાંચો: ગુજરાતના આ શહેરમાં રેલવે મુસાફરો માટે ખુશીના સમાચાર 

Back to top button