અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદમાં વરસાદની ધબધબાટી: વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા, જાણો કયા વિસ્તારમાં કેટલો પડ્યો

અમદાવાદ: શહેર સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. અમદાવાદમાં સોમવારે વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળોની ઘેરાબંધી વચ્ચે ધીમી અને મધ્યમ ધારે વરસાદ શરૂ થયો હતો. પશ્ચિમ વિસ્તારના સોલા, પ્રહલાદ નગર, જોધપુર અને આનંદ નગર જેવા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે વિઝિબિલિટી નોંધપાત્ર રીતે ઘટી જતાં વાહનચાલકોને સવારના સમયે હેડલાઇટ ચાલુ રાખીને વાહન ચલાવવાની ફરજ પડી હતી.

જશોદાનગર, સીટીએમ, નરોડા, મેમ્કો, વિરાટનગર, ગોમતીપુર, રખિયાલ, સરદારનગર અને એરપોર્ટ વિસ્તારમાં આશરે 1 ઈંચ વરસાદ પડ્યો છે. તે જ સમયે પશ્ચિમના સરખેજ, સેટેલાઇટ, બોડકદેવ, વસ્ત્રાપુર, એસજી હાઇવે, સાબરમાતી અને ઇન્કમટેક્સ સહિતના વિસ્તારોમાં અડધો ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે.

આજે સવારે ૬થી ૯ વાગ્યાના ત્રણ કલાકના સમયગાળામાં શહેરમાં સરેરાશ ૦.૪૧ ઈંચ વરસાદ પડ્યો હતો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. પૂર્વ અને ઉત્તર ઝોનના વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળ્યો હતો, જ્યારે પશ્ચિમ અને અન્ય ઝોનમાં પ્રમાણમાં હળવો વરસાદ નોંધાયો હતો. સતત વરસી રહેલા વરસાદને કારણે વાસણા બેરેજના કુલ ત્રણ દરવાજા એક-એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે.

સવારે 6 થી 9 વાગ્યા સુધીના સૌથી વધુ વરસાદવાળા 10 વિસ્તારો:

  • કઠવાડા: 1.77 ઈંચ
  • હંસપુરા: 1.00 ઈંચ
  • ઓઢવ ડ્રેનેજ પમ્પિંગ: 0.94 ઈંચ
  • નિકોલ: 0.85 ઈંચ
  • વસ્ત્રાલ:0.81 ઈંચ
  • વિરાટનગર: 0.69 ઈંચ
  • ઓઢવ: 0.67 ઈંચ
  • નરોડા: 0.67 ઈંચ
  • સરદારનગર: 0.57 ઈંચ
  • ચકુડિયા: 0.47 ઈંચ

સોમવારે છૂટાછવાયા ઝાપટાં પડ્યા હતા. અમદાવાદમાં મહત્તમ તાપમાન 29.4ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 2.3 ડિગ્રી ઓછું છે. હવામાં ભેજનું પ્રમાણ 78 ટકા રહ્યું હતું. ગઇકાલે જ્યાં ઝાપટાં પડ્યા તેમાં મુખ્યત્વે બોપલ, જોધપુર, બોડકદેવ, વિરાટનગર, કઠવાડા, અસારવા અને કાલુપુરનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: 15 ઓગસ્ટ પહેલા દિલ્હીમાં હાઈએલર્ટ, 19 આતંકીઓના પોસ્ટર લગાવ્યા

Back to top button