દિવાળીએ ઘરે પહોંચવા અભિજીત દીપકેની મથામણ, કનેક્ટિંગ ફ્લાઇટ મોડી થતાં આખી રાત એરપોર્ટ પર વિતાવી

Abhijeet Dipke: દિવાળીના તહેવારમાં પરિવાર સાથે સમય વિતાવવાની ઇચ્છા દરેકની હોય છે, પરંતુ કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજીત દીપકે માટે આ વખતે દિવાળીની મુસાફરી મુશ્કેલીભરી બની હતી. કેરળના કોચ્ચિમાં યોજાયેલી રેલીમાં ભાગ લીધા બાદ મુંબઈ પરત ફરી રહેલા દીપકેને કનેક્ટિંગ ફ્લાઇટ મોડી પડતાં આખી રાત એરપોર્ટ પર જ વિતાવવી પડી હતી. તેમણે સોશિયલ મીડિયા પર પોતાની આ મુશ્કેલી રમૂજી અંદાજમાં વ્યક્ત કરી હતી.
સોશિયલ મીડિયા પોસ્ટથી સામે આવી વાત
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)ના રાષ્ટ્રીય પ્રવક્તા અનીશ ગવાંડેએ દિવાળીના દિવસે એરપોર્ટના ઉત્સાહભર્યા વાતાવરણ અને એર ઇન્ડિયાની પ્રશંસા કરતી પોસ્ટ કરી હતી. આ પોસ્ટના જવાબમાં અભિજીત દીપકેએ જણાવ્યું કે તેમણે તો આખી રાત એરપોર્ટ પર વિતાવી હતી. કનેક્ટિંગ ફ્લાઇટ મોડી હોવાથી તેમની ઊંઘ પણ પૂરી થઈ શકી નહોતી. દીપકેએ લખ્યું કે કોચ્ચિના વિરોધ પ્રદર્શનમાંથી તેઓ કોઈપણ રીતે ઘરે પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જેથી દિવાળી ચૂકી જવા બદલ તેમની માતાની નારાજગીનો સામનો ન કરવો પડે. તેમણે વ્યંગાત્મક અંદાજમાં આ અનુભવને તહેવારની સુંદર સફર ગણાવી હતી. બીજી પોસ્ટમાં તેમણે સૌને ‘કલહમુક્ત દિવાળી’ની શુભેચ્છા પણ પાઠવી હતી.
કોચ્ચિમાં SIR વિરુદ્ધ રેલીમાં થયા હતા સામેલ
ઉલ્લેખનીય છે કે 7 નવેમ્બરે કોચ્ચિમાં CJP દ્વારા જંતર-મંતર એટ કોચ્ચિ અભિયાન અંતર્ગત વિરોધ રેલી યોજાઈ હતી. આ રેલીમાં અભિજીત દીપકે પણ ભાગ લીધો હતો. પ્રદર્શનકારીઓએ મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ને રદ કરવાની અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ કરી હતી. રેલીનું નેતૃત્વ અભિનેતા અને કાર્યકર પ્રકાશ રાજે કર્યું હતું.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
2029ની ચૂંટણી અંગે પણ કર્યો દાવો
કોચ્ચિમાં સભાને સંબોધતાં દીપકેએ દાવો કર્યો હતો કે 2029ની લોકસભા ચૂંટણીમાં ભાજપ સત્તા ગુમાવશે. જોકે તેમણે સરકારમાં પરિવર્તન માત્ર લોકશાહી અને ચૂંટણી પ્રક્રિયા દ્વારા જ થવું જોઈએ તેમ પણ જણાવ્યું હતું. તેમણે નિષ્પક્ષ ચૂંટણી વ્યવસ્થા માટે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ ફરી દોહરાવી હતી.











