ટ્રેન્ડિંગનેશનલ

8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓની મોટી માંગ, મેડિકલ એલાઉન્સ 1,000 થી વધારીને 20,000 કરવા પ્રસ્તાવ; જાણો શું છે લેટેસ્ટ અપડેટ

નવી દિલ્હી: 3 માર્ચ, 2026: કેન્દ્ર સરકાર દ્વારા ગત નવેમ્બરમાં 8માં સેન્ટ્રલ પે કમિશન (8th Pay Commission) માટે ‘ટર્મ્સ ઓફ રેફરન્સ’ જાહેર કર્યા બાદ કર્મચારી સંગઠનોમાં હલચલ તેજ થઈ છે. 8માં પગાર પંચની પ્રક્રિયા હવે વેગ પકડી રહી છે, ત્યારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોની અપેક્ષાઓ પણ વધી રહી છે. આ વખતે ચર્ચા માત્ર ફિટમેન્ટ ફેક્ટર કે બેઝિક પે પૂરતી સીમિત નથી, પરંતુ મેડિકલ સુવિધાઓને લઈને એક મોટો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે.

મેડિકલ એલાઉન્સમાં 20 ગણા વધારાની માંગ

સૌથી મહત્વનો સુઝાવ ફિક્સ્ડ મેડિકલ એલાઉન્સ (FMA)ને લઈને છે. હાલમાં જે કર્મચારીઓ કે પેન્શનરો સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સ્કીમ (CGHS) નેટવર્ક હેઠળ નથી આવતા, તેમને દર મહિને માત્ર 1,000 રૂપિયા મેડિકલ એલાઉન્સ મળે છે. કર્મચારી સંગઠનોએ આ રકમ વધારીને 20,000 રૂપિયા પ્રતિ માસ કરવાની માંગ કરી છે. યુનિયનોની દલીલ છે કે વર્તમાન મોંઘવારીમાં 1,000 રૂપિયા ખૂબ જ નજીવી રકમ છે, જે સારવાર માટે પૂરતી નથી.

8માં પગાર પંચની કામગીરી શરૂ

તાજેતરમાં જ 8માં પગાર પંચને દિલ્હીની ચંદ્રલોક બિલ્ડિંગમાં ઓફિસ ફાળવવામાં આવી છે, જે તેની કામગીરી શરૂ થવાનો સંકેત છે. આ પંચના અધ્યક્ષ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ રંજના પ્રકાશ દેસાઈ છે. નાણા મંત્રાલયે નેશનલ કાઉન્સિલ જોઈન્ટ કન્સલ્ટેટિવ ​​મશીનરી (NC-JCM) પાસે સૂચનો માંગ્યા હતા, જોકે સ્ટાફ સાઈડનું કહેવું છે કે તેમની ઘણી મહત્વની માંગણીઓ હજુ અંતિમ ડ્રાફ્ટમાં સામેલ કરવામાં આવી નથી.

ડ્રાફ્ટિંગ કમિટીની બેઠક અને મહત્વની માંગણીઓ

25 ફેબ્રુઆરીથી રાજધાનીમાં NC-JCM ની ડ્રાફ્ટિંગ કમિટીની અઠવાડિયા લાંબી બેઠક શરૂ થઈ હતી. આ બેઠકમાં લગભગ 1 કરોડ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો સાથે જોડાયેલી માંગણીઓનો ચાર્ટર તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં મુખ્યત્વે આ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

* OPS ની પુનઃસ્થાપના: જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ.
* ફિટમેન્ટ ફેક્ટર: પગાર વધારા માટેના ફિટમેન્ટ ફેક્ટરમાં ફેરફાર.
* મેડિકલ સુવિધાઓ: નોન-CGHS વિસ્તારોમાં રહેતા પેન્શનરો માટે આર્થિક રાહત.

શા માટે FMA વધારવું જરૂરી છે?

કર્મચારી સંગઠનોનું કહેવું છે કે દૂર-દરાજના વિસ્તારો કે ગામડાઓમાં રહેતા પેન્શનરો માટે હોસ્પિટલના ખર્ચમાં તોતિંગ વધારો થયો છે. 1,000 રૂપિયામાં સામાન્ય તપાસ પણ શક્ય નથી. જો સરકાર FMA વધારીને 20,000 રૂપિયા કરવાની માંગ સ્વીકારે છે, તો તે લાખો પેન્શનરો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. હવે સૌની નજર 8માં પગાર પંચની સત્તાવાર ભલામણો પર છે. આગામી મહિનાઓમાં સ્પષ્ટ થશે કે સરકાર કર્મચારીઓની આ આશાસ્પદ માંગણીઓ પર કેટલી મહોર મારે છે.

Back to top button