મહિલા કોન્સ્ટેબલ પર રંગ લગાવવા બદલ 3 પોલીસકર્મી સસ્પેન્ડ
હોળીના તહેવાર નિમિતે મહિલા કોન્સ્ટેબલને જબરદસ્તી બળજબરીથી રંગ લગાવવા મામલે ત્રણ પોલીસ કર્મચારીઓની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ગોરખપુરન ઝોનના એડીજીએ આ ત્રણેય ઉપર ફરિયાદ દાખલ કરવાના એસપીને આદેશ આપ્યા હતા અને ત્રણેય ઉપર ફરિયાદ નોંધી હાલ ફરજ પરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જો કે, હવે આ ત્રણેયની કાયમી નોકરી જવાનો પણ ભય સેવાઈ રહ્યો છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, 15 માર્ચ, 2025 ના રોજ હોળીના દિવસે બલરામપુર પોલીસ સ્ટેશનમાં તૈનાત ત્રણ કોન્સ્ટેબલ, અમિત કુમાર, પન્નાલાલ અને શૈલેન્દ્ર કુમાર પર એક મહિલા કોન્સ્ટેબલે તેના ઉપર બળજબરી પૂર્વક રંગ લગાવવાનો આરોપ લગાવ્યો હતો. જો કે આ અંગે મહિલાએ ઉચ્ચ અધિકારીઓને પણ ફરિયાદ કરી હતી અને મહિલા સુરક્ષા અંગે શૂન્ય-સહિષ્ણુતા નીતિ હેઠળ અધિકારીઓએ તાત્કાલિક તપાસનો આદેશ આપ્યો હતો.
નવેમ્બર 2025 માં તપાસ પૂર્ણ થતા એડીજી ઝોન ગોરખપુરને રિપોર્ટ આપવામાં આવ્યો હતો જેમાં એડીજી મુથા અશોક જૈને તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને બલરામપુરના પોલીસ અધિક્ષકને કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો. સુપરિન્ટેન્ડેન્ટે તાત્કાલિક અસરથી ત્રણ પોલીસ કોન્સ્ટેબલોને ફરજ ઉપરથી સસ્પેન્ડ કર્યા હતા. આ કેસની તપાસ માટે હાલ ત્રણ સભ્યોની તપાસ સમિતિની રચના પણ કરવામાં આવી છે.
એડીજી ઝોન મુથા અશોક જૈને જણાવ્યું હતું કે, મહિલા સુરક્ષા અંગે કોઈ પણ પ્રકારની ઢીલ સહન કરવામાં આવશે નહીં. શૂન્ય-સહિષ્ણુતા નીતિ હેઠળ આવા કિસ્સાઓમાં શક્ય તેટલી કડક કાર્યવાહી કરવા માટે પહેલાથી જ સૂચનાઓ જારી કરવામાં આવી છે. જો વિભાગમાં આવું કંઈક થાય છે તો તે ખોટું છે. આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે. તમામ પોલીસ અધિક્ષકો અને પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જને સૂચનાઓ આપવામાં આવી છે કે આ બાબતમાં કોઈ પણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં.
આ પણ વાંચો: ‘આજ વોટ કાપશે, કાલે તમારા બેંકના ખાતા’, SIRને લઈ અખિલેશના પ્રહારે












