અમેરિકામાં મિડટર્મ ચૂંટણીમાં ડેમોક્રેટ્સનો દબદબો! ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી પાછળ, પરિણામો પર સમગ્ર વિશ્વની નજર
US Midterm Election 2026 result: અમેરિકામાં મિડટર્મ ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. મતદાન પૂર્ણ થયા બાદ હવે મતગણતરી શરૂ થઈ ગઈ છે અને શરૂઆતના પરિણામોમાં ડેમોક્રેટિક પાર્ટી આગળ દેખાઈ રહી છે, જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી પાછળ પડતી જોવા મળી રહી છે. શરૂઆતના સંકેતોને ટ્રમ્પ સરકાર સામે અમેરિકન જનતાની નારાજગી અને પરિવર્તનની ઇચ્છા તરીકે જોવામાં આવી રહ્યા છે.
આ ચૂંટણી અમેરિકાના રાજકારણ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. તેમાં 210 મિલિયનથી વધુ અમેરિકન નાગરિકો મતદાન કરવા માટે પાત્ર હતા. મતદાન પૂર્ણ થાય તે પહેલાં જ કેટલાક સ્થળોએ પ્રારંભિક અને ગેરહાજર મતદારોના (Absentee Ballots) મતપત્રોની ગણતરી શરૂ થઈ ગઈ હતી.
આ ચૂંટણીમાં અમેરિકાની હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સની તમામ 435 બેઠકો, સેનેટની 35 બેઠકો, 36 રાજ્યોના ગવર્નર સહિત અનેક રાજ્ય અને સ્થાનિક હોદ્દાઓ માટે મતદાન યોજાયું હતું.
ટ્રમ્પ માટે અગ્નિપરીક્ષા, ડેમોક્રેટ્સની નજર કોંગ્રેસ પર
ચૂંટણીના દિવસે રિપબ્લિકન પાર્ટીનું અમેરિકન કોંગ્રેસનાં બંને ગૃહો પર નિયંત્રણ હતું. બીજી તરફ ડેમોક્રેટિક પાર્ટી ઓછામાં ઓછા એક ગૃહમાં બહુમતી મેળવવા માટે પ્રયાસ કરી રહી હતી.
જો ડેમોક્રેટ્સ હાઉસ અથવા સેનેટમાં બહુમતી મેળવવામાં સફળ થાય, તો ટ્રમ્પ માટે પોતાના કાયદાકીય અને રાજકીય એજન્ડાને આગળ વધારવાનું મુશ્કેલ બની શકે છે. આથી આ ચૂંટણીને ટ્રમ્પના બે વર્ષના શાસનના પ્રદર્શન અંગે જનતાના અભિપ્રાય તરીકે પણ જોવામાં આવી રહી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
મતગણતરી વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન: ‘હારીશું તો અમેરિકા ખતમ થઈ જશે!’
મતગણતરી વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટું નિવેદન આપ્યું છે. તેમણે ડેમોક્રેટ્સને નિશાન બનાવતાં કહ્યું કે જો તેઓ સત્તામાં આવશે તો પોતાની અમર્યાદિત શક્તિઓનો ઉપયોગ કરવા તૈયાર રહેશે.
ટ્રમ્પે વધુમાં જણાવ્યું કે તેમની પાસે સૌથી મોટી શક્તિ ‘વીટો’ છે. જો ડેમોક્રેટ્સ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ અથવા સેનેટમાં બહુમતી મેળવે અને તેમના દ્વારા કોઈ કાયદો લાવવામાં આવે, તો જરૂર પડ્યે તેઓ તેના પર વીટોનો ઉપયોગ કરશે.
ટ્રમ્પે તો પોતાને ‘મિસ્ટર વીટો’ તરીકે ઓળખાવવામાં પણ વાંધો ન હોવાનું જણાવ્યું હતું. તેમણે ચેતવણી આપતાં કહ્યું કે જો રિપબ્લિકન પાર્ટી ચૂંટણી હારી જશે તો અમેરિકા માટે સ્થિતિ ગંભીર બની શકે છે. જોકે, મતગણતરી પૂર્ણ ન થાય ત્યાં સુધી અંતિમ રાજકીય ચિત્ર સ્પષ્ટ થશે નહીં.
અત્યાર સુધીના પરિણામોમાં કોને મળી જીત?
શરૂઆતના પરિણામોમાં અનેક ડેમોક્રેટિક નેતાઓએ પોતાની બેઠકો જાળવી રાખી છે. તેમાં મુખ્ય નામો આ પ્રમાણે છે:
- ક્રિસ કૂન્સ: ડેલાવેરમાંથી અમેરિકન સેનેટ માટે ફરી ચૂંટાયા.
- જોશ શાપિરો: પેન્સિલવેનિયાના ગવર્નર તરીકે ફરી ચૂંટાયા.
- વેસ મૂર: મેરીલેન્ડના ગવર્નર તરીકે ફરી ચૂંટાયા.
- એડ માર્કી: મેસેચ્યુસેટ્સમાંથી સેનેટ માટે ફરી ચૂંટાયા.
- મૌરા હીલી: મેસેચ્યુસેટ્સનાં ગવર્નર તરીકે ફરી ચૂંટાયાં.
- જેક રીડ: રોડ આઇલેન્ડમાંથી સેનેટ માટે ફરી ચૂંટાયા.
- કોરી બુકર: ન્યૂ જર્સીમાંથી સેનેટ માટે ફરી ચૂંટાયા.
- જે.બી. પ્રિટ્ઝકર: ઇલિનોઇસના ગવર્નર તરીકે ફરી ચૂંટાયા.
- જુલિયાના સ્ટ્રેટન: ઇલિનોઇસમાંથી સેનેટ માટે ફરી ચૂંટાયાં.
શું છે અમેરિકાની મિડટર્મ ચૂંટણી? જાણો 10 મહત્ત્વની બાબતો
- અમેરિકાના રાષ્ટ્રપતિની ચાર વર્ષની મુદતના મધ્યમાં એટલે કે બે વર્ષ બાદ મિડટર્મ ચૂંટણી યોજાય છે.
- સામાન્ય રીતે નવેમ્બર મહિનાના પ્રથમ સોમવાર પછી આવતા મંગળવારે મતદાન થાય છે.
- હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સની તમામ 435 બેઠકો માટે ચૂંટણી યોજાય છે.
- અમેરિકન સેનેટની લગભગ એક તૃતીયાંશ બેઠકો માટે મતદાન થાય છે.
- આ ચૂંટણીમાં રાષ્ટ્રપતિ પોતે ઉમેદવાર તરીકે મેદાનમાં હોતા નથી.
- મિડટર્મ ચૂંટણીને રાષ્ટ્રપતિના કામકાજ અંગે જનતાના અભિપ્રાય તરીકે જોવામાં આવે છે.
- ચૂંટણીનાં પરિણામો નક્કી કરે છે કે કોંગ્રેસનાં બંને ગૃહોમાં કયા પક્ષનું વર્ચસ્વ રહેશે.
- જો વિપક્ષ બહુમતી મેળવે તો રાષ્ટ્રપતિ માટે નવા કાયદા પસાર કરાવવા મુશ્કેલ બની શકે છે.
- આ ચૂંટણીમાં વિવિધ રાજ્યોના ગવર્નર અને રાજ્ય વિધાનસભાના સભ્યો પણ ચૂંટાય છે.
- અનેક સ્થાનિક હોદ્દાઓ માટે પણ મતદાન થાય છે.
ટ્રમ્પના રાજકીય ભવિષ્ય માટે મિડટર્મ ચૂંટણી કેમ મહત્ત્વપૂર્ણ?
અમેરિકાની મિડટર્મ ચૂંટણી માત્ર બેઠકો જીતવા કે હારવા પૂરતી મર્યાદિત નથી. આ ચૂંટણી દ્વારા અમેરિકન જનતા રાષ્ટ્રપતિના અત્યાર સુધીના શાસન અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે.
જો ડેમોક્રેટ્સ કોંગ્રેસના કોઈ એક ગૃહમાં બહુમતી મેળવશે તો ટ્રમ્પ સરકારના નિર્ણયો અને કાયદાકીય પ્રસ્તાવો પર નિયંત્રણ વધારી શકશે. બીજી તરફ રિપબ્લિકન પાર્ટી પોતાનું વર્ચસ્વ જાળવી રાખવામાં સફળ થશે તો ટ્રમ્પ માટે આગામી બે વર્ષનો રાજકીય માર્ગ વધુ સરળ બની શકે છે.
હવે સૌની નજર અંતિમ ચૂંટણી પરિણામો પર છે. આ પરિણામો નક્કી કરશે કે અમેરિકાની રાજનીતિમાં ટ્રમ્પનો દબદબો યથાવત્ રહેશે કે પછી ડેમોક્રેટ્સ તેમને મોટો રાજકીય પડકાર આપશે.
આ પણ વાંચો: શ્રીગંગાનગરમાં રેલવે ટ્રેક પર ધડાકો, બે સિમેન્ટ બ્લોક તૂટ્યા, ATS તપાસમાં લાગી











