ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસાયન્સ એન્ડ ટેકનોલોજી

ફોન સાથે ન હોય ત્યારે પણ WiFi તમારી પર નજર રાખે છે, નવા રિસર્ચે લોકોને ચોંકાવ્યા

  • તમારી આસપાસ હવામાં તરતા WiFi તરંગો ફક્ત ઇન્ટરનેટ એક્સેસનું સાધન નથી પણ એક અદ્રશ્ય જાસૂસ તરીકે પણ કાર્ય કરી શકે છે

HD ન્યુઝ ડેસ્કઃ ડિજિટલ દુનિયામાં હવે કંઈ છુપાયેલું નથી! જો તમે એવું માનતા હોવ કે તમારા સ્માર્ટફોનનું લોકેશન બંધ કરીને અથવા તમારી સાથે કોઈ ડિજિટલ ડિવાઇસ ન રાખીને, તમે ડિજિટલ દુનિયાની નજરથી બચી શકો છો, તો તમે ગંભીર ભૂલમાં છો. તમારી આસપાસ હવામાં તરતા WiFi તરંગો ફક્ત ઇન્ટરનેટ એક્સેસનું સાધન નથી પણ એક અદ્રશ્ય જાસૂસ તરીકે પણ કાર્ય કરી શકે છે. ઘણા લોકો પબ્લિક WiFiનો ખૂબ ઉપયોગ કરે છે, પરંતુ શું તમે તેની પાછળનો ખતરો જાણો છો? પબ્લિક Wi-Fi ઘણીવાર તમારી જાસૂસીનું કારણ બની શકે છે.

જર્મનીની Karlsruhe Institute of Technology (KIT) ના સંશોધકોએ તાજેતરમાં એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. સંશોધન મુજબ હવે WiFi સિગ્નલનો ઉપયોગ કરતા કોઈપણ વ્યક્તિ પર માસ સર્વેલન્સ શક્ય છે, પછી ભલે તે વ્યક્તિ પાસે સ્માર્ટફોન કે અન્ય ગેજેટ ન હોય.

આ અદ્રશ્ય જાસૂસ કેવી રીતે કામ કરે છે?

ઘણા લોકો વિચારે છે કે જો તેમની પાસે સ્માર્ટફોન ન હોય, તો તેમને ટ્રેક કરવાનું સરળ નથી, પરંતુ KIT ના વૈજ્ઞાનિકોએ સમજાવ્યું કે આ ટેકનોલોજી બીમફોર્મિંગ ઈન્ફોર્મેશન (BFI) નો ઉપયોગ કરે છે. Wi-Fi રાઉટર્સ સતત સિગ્નલ મોકલે છે. જ્યારે આ સિગ્નલ વ્યક્તિના શરીર પર અથડાય છે, ત્યારે તેઓ એક ચોક્કસ પેટર્ન બનાવે છે.

પ્રોફેસર થોરસ્ટેન સ્ટ્રુઈફ માને છે કે આ ટેકનોલોજી કેમેરાની જેમ જ કામ કરે છે. ફરક માત્ર એટલો છે કે તે વ્યક્તિની છબી અને હલનચલનને ઓળખવા માટે પ્રકાશને બદલે રેડિયો તરંગોનો ઉપયોગ કરે છે.
સૌથી ચિંતાજનક બાબત એ છે કે આ ડેટા અનએન્ક્રિપ્ટેડ છે, એટલે કે તે ખુલ્લો છે અને કોઈપણ હેકર અથવા સંગઠન દ્વારા તેને વચ્ચેથી જ ઈન્ટરસેપ્ટ કરી શકાય છે.

તે કેમ ખતરનાક છે?

સંશોધક જુલિયન ટોડ પણ ચેતવણી આપે છે કે આ ટેકનોલોજીને કોઈ ખાસ ડિવાઈસની જરૂર નથી. તમારી આસપાસના સામાન્ય રાઉટર એક સાઈલેન્ટ ઓબ્ઝર્વર બની શકે છે. જો તમે દરરોજ જાહેર Wi-Fi નેટવર્કવાળા કાફે અથવા પાર્ક પાસેથી પસાર થાઓ છો, તો તે તમારી પ્રવૃત્તિઓનો ડિજિટલ રેકોર્ડ બનાવી શકે છે. ટેક નિષ્ણાતો માને છે કે ભવિષ્યમાં સરકારો અથવા મોટી કંપનીઓ તમારી પરવાનગી વિના તમારા પર નજર રાખવા માટે આ ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે છે.

આવનારા સમયમાં શું થશે?

સંશોધકોએ માંગણી કરી છે કે આવનારા નવા Wi-Fiમાં પ્રાઈવસી પ્રોટેક્શનને વધુ મજબૂત બનાવવામાં આવે. હાલમાં આ ટેકનોલોજીએ ડિજિટલ યુગમાં પ્રાઈવસી અને સુરક્ષા વિશે એક નવી ચર્ચા જગાવી છે.

આ પણ વાંચોઃ ઇવેન્ટ દરમિયાન અચાનક રડવા લાગી ભૂમિકા ચાવલા, રડતાં-રડતાં બોલવું મુશ્કેલ થઈ ગયું, વીડિયો જોઈને ફેન્સને ચિંતા થઈ

Back to top button