પોતાની સાથે રાખે છે ટેલિફોન બૂથ… આખરે કેમ મોબાઇલથી વાત નથી કરતા રશિયન પ્રમુખ પુતિન?

નવી દિલ્હી: 3 ડિસેમ્બર, 2025: દુનિયાના શક્તિશાળી પ્રમુખોમાંથી એક વ્લાદિમીર પુતિન સ્માર્ટફોનનો ઉપયોગ કરતા નથી. આ માત્ર કોઈ અફવા નહીં, પણ હકીકત છે. જ્યારે પણ તેઓ વિદેશ પ્રવાસે જાય છે, ત્યારે પોતાની સાથે પોતાનો ખાનગી ફોન બૂથ લઈને જાય છે. પુતિનના ભારત પ્રવાસની ચર્ચાઓ વચ્ચે તેમના દ્વારા સ્માર્ટફોનનો ઉપયોગ ન કરવા પાછળના કારણો પર ફરી ચર્ચા થઈ રહી છે.
ડેટા જાસૂસીથી બચવા માટે આ પગલું
2018માં ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે, રશિયન પ્રમુખ પુતિન કોઈપણ પ્રકારના સેલ ફોનનો ઉપયોગ કરતા નથી. પેસ્કોવના જણાવ્યા મુજબ, પુતિન ડેટા જાસૂસીથી બચવા માટે સ્માર્ટફોન અથવા સેલફોનનો ઉપયોગ કરતા નથી. સેલફોનનો ઉપયોગ કરવાનો અર્થ છે સંપૂર્ણ પારદર્શિતા અને તેનાથી ખાનગી ડેટા લીક થઈ શકે છે. જ્યારે તમે સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો, ત્યારે તમે તમારી વાતો સાર્વજનિક કરવા માટે સંમત થાઓ છો.
તેમણે વધુમાં જણાવ્યું કે, ક્રેમલિનમાં પ્રમુખ સુધી માહિતી પહોંચાડવા માટે હજી પણ પ્રિન્ટઆઉટનો ઉપયોગ કરવામાં આવે છે. પુતિન મહત્ત્વપૂર્ણ ડેટા બ્રાઉઝ કરવા માટે એર-ગૅપ્ડ કમ્પ્યુટર (જે ઇન્ટરનેટથી જોડાયેલું ન હોય) નો ઉપયોગ કરવા પર ભાર મૂકે છે.
પ્રવાસમાં સાથે લઈ જાય છે ‘ખાનગી ટેલિફોન બૂથ’
એક અહેવાલ અનુસાર, પુતિનની ગુપ્ત સુરક્ષા ટીમના અધિકારી ગ્લીબ કરાકુલોવે, જેઓ રશિયાથી ભાગી ગયા છે, તેમણે દાવો કર્યો છે કે પુતિન વિદેશ પ્રવાસો પર પોતાની સાથે ખાનગી ફોન બૂથ લઈ જાય છે.
કરાકુલોવે જણાવ્યું કે તેમણે રશિયન પ્રમુખ સાથે 180થી વધુ યાત્રાઓ કરી છે, પરંતુ પુતિન યાત્રા દરમિયાન મોબાઈલ ફોન રાખતા નથી કે ન તો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. પુતિન વિદેશ પ્રવાસો પર પોતાના ઉપયોગ માટે એક “ટેલિફોન બૂથ” લઈ જાય છે, જેમાં એક વર્કસ્ટેશન અને એક સંચાર ઉપકરણ હોય છે. આના દ્વારા જ તેઓ દૂર બેઠેલા પોતાના નજીકના લોકો સાથે સંપર્ક કરે છે. તેમને જે પણ માહિતી મળે છે, તે ફક્ત તેમના નજીકના લોકો પાસેથી જ મળે છે.












