વોટ્સએપમાં મોટું સિક્યોરિટી અપડેટ : 6 ડિઝિટ પીનની જગ્યાએ હવે મજબૂત Password

WhatsApp Security Update: વોટ્સએપનો ઉપયોગ કરતા કરોડો યુઝર્સ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. વધી રહેલા સાયબર ફ્રોડ, ફિશિંગ અને વોટ્સએપ એકાઉન્ટ ટેકઓવર જેવી ઘટનાઓને ધ્યાનમાં રાખીને કંપનીએ એકાઉન્ટ સિક્યોરિટી વધુ મજબૂત બનાવવાની જાહેરાત કરી છે. મેટાની માલિકીની વોટ્સએપે ટુ-સ્ટેપ વેરિફિકેશનમાં મોટો ફેરફાર કર્યો છે. અત્યાર સુધી આ સુરક્ષા ફીચર માટે 6 આંકડાના પીનનો ઉપયોગ થતો હતો, પરંતુ હવે તેને વધુ મજબૂત અને લાંબા પાસવર્ડમાં અપગ્રેડ કરવામાં આવી રહ્યો છે.
હવે માત્ર સિક્સ ડિઝિટ પિન નહીં
વોટ્સએપમાં ટુ-સ્ટેપ વેરિફિકેશન એક વધારાનું સુરક્ષા સ્તર છે. જો કોઈ વ્યક્તિ કોઈ રીતે યુઝરના ફોન નંબર પર આવતો વન ટાઈમ પાસકોડ મેળવી લે તો પણ ટુ-સ્ટેપ વેરિફિકેશન એકાઉન્ટ પર કબજો કરવામાં અવરોધ ઊભો કરે છે. વોટ્સએપના જણાવ્યા પ્રમાણે હવે જૂના છ અંકના પિનની જગ્યાએ વધુ લાંબો પાસવર્ડ બનાવી શકાશે. તેમાં અક્ષરો અને નંબરોની સાથે સ્પેશિયલ કેરેક્ટર્સનો પણ ઉપયોગ કરી શકાશે. આ ફેરફારનો હેતુ પાસવર્ડનો અંદાજ લગાવવો અથવા તેને ગેઝ કરવો વધુ મુશ્કેલ બનાવવાનો છે.
OTP બંધ નહીં થાય, Passkeyમાં પણ ફેરફાર
નવો પાસવર્ડ આવવાથી વોટ્સએપ પર ફોન નંબર વેરિફાઈ કરવાની હાલની પ્રક્રિયા બંધ થતી નથી. ફોન નંબરની નોંધણી અને વેરિફિકેશન માટે જરૂરી ઓથેન્ટિકેશન પ્રક્રિયા અલગ રહેશે. નવું ટુ-સ્ટેપ વેરિફિકેશન એકાઉન્ટને વધારાનું સુરક્ષા સ્તર આપશે. એટલે યુઝર્સે વોટ્સએપ અથવા અન્ય કોઈના નામે આવતા ઓટીપી, વેરિફિકેશન કોડ કે પાસવર્ડ અજાણી વ્યક્તિ સાથે શેર ન કરવા જોઈએ. વોટ્સએપે Passkey સંબંધિત સુવિધામાં પણ વધારો કર્યો છે. કંપનીના જણાવ્યા પ્રમાણે દુનિયાભરમાં એક અબજથી વધુ લોકો વોટ્સએપ Passkey સેટ કરી ચૂક્યા છે. Passkeyથી ફિંગરપ્રિન્ટ, ફેસ આઈડી અથવા ફોનના સ્ક્રીન લોકનો ઉપયોગ કરીને વોટ્સએપમાં ફરી લોગિન કરી શકાય છે. હવે વોટ્સએપ એક જ એકાઉન્ટ સાથે એકથી વધુ પાસ્કી ઉમેરવાની સુવિધા આપી રહ્યું છે. ખાસ કરીને એન્ડ્રોઈડ અને iOS બંને પ્રકારના ડિવાઇસનો ઉપયોગ કરતા લોકો માટે આ ઉપયોગી બની શકે છે.
Passkey સેટ કરવા માટે યુઝર WhatsApp Settings > Account > Passkeysમાં જઈ શકે છે.
અજાણ્યા નંબરથી કોલ આવે તો મળશે વધુ માહિતી
ત્રીજું મહત્ત્વનું સુરક્ષા અપડેટ વોટ્સએપ કોલ સાથે જોડાયેલું છે. એન્ડ્રોઈડ યુઝરને હવે કોન્ટેક્ટમાં સેવ ન હોય તેવા નંબરથી વોટ્સએપ કોલ આવે ત્યારે કોલર વિશે વધારાની માહિતી દેખાશે. કોલ કરનાર નંબર બીજા દેશનો છે કે નહીં અને યુઝર તથા કોલર કોઈ વોટ્સએપ ગ્રુપમાં સાથે છે કે નહીં જેવી માહિતી કોલ સ્ક્રીન પર દેખાઈ શકે છે. આ ફીચરનો હેતુ અજાણ્યા અથવા શંકાસ્પદ કોલનો જવાબ આપતા પહેલા યુઝરને વધુ કોન્ટેક્સ આપવાનો છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
બધા યુઝર્સને એકસાથે નહીં મળે ફીચર
વોટ્સએપના નવા એકાઉન્ટ સિક્યોરિટી ફીચરનું રોલઆઉટ શરૂ કરવામાં આવ્યું છે. અલગ-અલગ ડિવાઇસ અને એકાઉન્ટમાં નવા ફીચર્સ પહોંચવામાં સમય લાગી શકે છે. આથી તમારા વોટ્સએપમાં 6 ડિઝિટ પીનની જગ્યાએ નવો પાસવર્ડ સેટ કરવાનો વિકલ્પ હજી ન દેખાતો હોય તો એપને અપડેટ રાખવી જરૂરી છે. નવા સિક્યોરિટી ફીચર્સ ધીમે-ધીમે વધુ યુઝર્સ સુધી પહોંચશે.
વોટ્સએપના ત્રણ મોટા સિક્યોરિટી અપડેટ
વોટ્સએપના નવા ફેરફારોમાં ટુ-સ્ટેપ વેરિફિકેશન માટે મજબૂત પાસવર્ડ, એકથી વધુ પાસ્કીનો સપોર્ટ અને એન્ડ્રોઈડ પર અજાણ્યા કોલર્સ વિશે વધારાની માહિતી મુખ્ય છે. કંપનીનો હેતુ યુઝર્સના એકાઉન્ટને ફિશિંગ, સ્કેમ અને અનઓથોરાઈઝ્ડ એકાઉન્ટ સ્કેમ સામે વધુ સુરક્ષિત બનાવવાનો છે.












