રસગુલ્લો સમજી મોઢામાં મૂક્યો ‘દેશી બોમ્બ’, ચાવતા જ થયો ભયાનક વિસ્ફોટ; મધ્યપ્રદેશમાં યુવકનું કરુણ મોત

મધ્યપ્રદેશના ડિંડોરી જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રસગુલ્લા જેવો દેખાતો દેશી બોમ્બ એક યુવકના મોતનું કારણ બન્યો છે. મિત્રએ મજાકમાં રસગુલ્લા જેવો દેખાતો બોમ્બ આપતાં યુવકે તેને મીઠાઈ સમજી મોઢામાં મૂકી દીધો હતો. જોકે, ચાવતાની સાથે જ બોમ્બ મોઢામાં જ ફાટી ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
10 નવેમ્બરે બની હતી ઘટના
પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના 10 નવેમ્બરના રોજ બની હતી. મૃતકની ઓળખ રાજેન્દ્ર તરીકે થઈ છે. કોતવાલી પોલીસ સ્ટેશનના પ્રભારી દુર્ગા પ્રસાદ નાગપુરેએ જણાવ્યું હતું કે રાજેન્દ્રના મિત્ર રામભગતે મજાકમાં તેને રસગુલ્લા જેવો દેખાતો દેશી બોમ્બ આપ્યો હતો.
રાજેન્દ્રએ તેને મીઠાઈ સમજીને મોઢામાં મૂકી દીધો હતો. પરંતુ જેવો તેણે તેને ચાવ્યો કે તરત જ બોમ્બ મોઢામાં જ ફાટી ગયો હતો. વિસ્ફોટને કારણે રાજેન્દ્ર ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
મિત્રની પૂછપરછમાં સામે આવ્યું અન્ય વ્યક્તિનું નામ
ઘટનાની તપાસ દરમિયાન પોલીસે રાજેન્દ્રને બોમ્બ આપનાર તેના મિત્ર રામભગતની પૂછપરછ કરી હતી. પોલીસ પૂછપરછમાં રામભગતે જણાવ્યું હતું કે તેને આ દેશી બોમ્બ ધર્મૂ નામના વ્યક્તિએ આપ્યો હતો.
પોલીસે રામભગત વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) અને વિસ્ફોટક અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. હવે પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે ધર્મૂ પાસે આ દેશી બોમ્બ ક્યાંથી આવ્યો અને તે કોની પાસેથી મેળવ્યો હતો.
બોમ્બ ક્યાંથી આવ્યો તેની તપાસ શરૂ
આ ચોંકાવનારી ઘટનાને પગલે પોલીસ દેશી બોમ્બના સ્ત્રોત અને તેની સાથે સંકળાયેલા લોકોની ભૂમિકા અંગે તપાસ કરી રહી છે. મજાકમાં આપવામાં આવેલી ખતરનાક વસ્તુએ એક યુવકનો જીવ લીધો છે, ત્યારે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.












