ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

વૈશ્વિક સંકટથી તમારા ખિસ્સા સુધી, 6 સરળ સવાલોમાં સમજો મોંઘવારીનું સંપૂર્ણ ગણિત

WPI Inflation: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભૂ-રાજકીય તણાવની અસર હવે ભારતના આંતરરાષ્ટ્રીય વેપાર અને સામાન્ય માણસના ખિસ્સા પર સ્પષ્ટ દેખાવા લાગી છે. વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલના જણાવ્યા મુજબ, નાણાકીય વર્ષ 2025-26માં ભારતની માલ અને સેવાઓની નિકાસ 4.22 ટકા વધીને 71.5 લાખ કરોડ સુધી પહોંચી ગઈ છે, પરંતુ માર્ચ મહિનામાં તેમાં ઘટાડો નોંધાયો હતો. ચાલો, પાંચ સરળ સવાલો અને જવાબો દ્વારા સમજીએ કે આ નવા વેપાર આંકડા અને વૈશ્વિક સંકટનો તમારા જીવન અને દેશની અર્થવ્યવસ્થા પર શું અસર પડી રહી છે.

દેશમાં જથ્થાબંધ ફુગાવો અચાનક કેમ વધ્યો?

જવાબ: સરકારી આંકડાઓ મુજબ, માર્ચ મહિનામાં જથ્થાબંધ ભાવ સૂચકાંક (WPI) આધારિત મોંઘવારી સતત પાંચમા મહિને વધીને 3.88 ટકા પર પહોંચી છે, જ્યારે ફેબ્રુઆરીમાં તે 2.13 ટકા હતી. આ મોંઘવારી વધવાનું મુખ્ય કારણ ક્રૂડ પેટ્રોલિયમ, કુદરતી ગેસ, મૂળભૂત ધાતુઓ અને ઉત્પાદિત વસ્તુઓના ભાવમાં થયેલો ભારે વધારો છે. ઉત્પાદિત વસ્તુઓની મોંઘવારી દર પણ ફેબ્રુઆરીના 2.92 ટકા પરથી વધીને માર્ચમાં 3.39 ટકા થઈ ગયો છે.

આ બધી વસ્તુઓના ભાવ અચાનક કેમ વધવા લાગ્યા?

જવાબ: તેના પાછળનું સૌથી મોટું કારણ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલુ સંકટ છે. 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઇરાન પર કરવામાં આવેલા હુમલા બાદ વિશ્વભરમાં કાચા તેલની સપ્લાય પર અસર પડી છે. થોડા જ સમયમાં, કાચા તેલના ભાવ લગભગ 70 ડોલર પ્રતિ બેરલથી વધીને 122 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયા, એટલે કે એક મહિના કરતા પણ ઓછા સમયમાં લગભગ 75 ટકા જેટલો મોટો વધારો થયો છે. આ આંતરરાષ્ટ્રીય સંકટના કારણે ભારતમાં માર્ચ દરમિયાન ક્રૂડ પેટ્રોલિયમનો જથ્થાબંધ ફુગાવાનો દર પણ ગયા મહિનાના 1.29 ટકાથી સીધો ઉછળી 51.57 ટકા સુધી પહોંચી ગયો છે.

સવાલ: કાચા તેલના ભાવ વધ્યા, તો શું આપણા માટે પેટ્રોલ-ડીઝલ પણ મોંઘા થયા?

જવાબ: સામાન્ય લોકોના ખિસ્સા પર આ આંતરરાષ્ટ્રીય સંકટનો સીધો પ્રભાવ ન પડે, તે માટે સરકારે વચ્ચે જ રાહતભર્યું પગલું લીધું. 26 માર્ચે સરકારે પેટ્રોલ અને ડીઝલ પર લાગતા એક્સાઈઝ ડ્યુટીમાં પ્રતિ લિટર 10 રૂપિયાનો ઘટાડો કર્યો. સરકારે આ નિર્ણય એટલા માટે લીધો કે તેલ કંપનીઓ કાચા તેલના વધેલા ભાવનો ભાર સીધો ગ્રાહકો પર ન મૂકે.

સવાલ: શું આ સંકટથી રોજિંદા ખાદ્ય પદાર્થો અને શાકભાજી પર પણ અસર પડી છે?

જવાબ: જથ્થાબંધ સ્તરે જોવામાં આવે તો ખાવા-પીવાની વસ્તુઓમાં થોડી રાહત મળી છે. જથ્થાબંધ ખાદ્ય ફુગાવાનો દર ફેબ્રુઆરીમાં 2.19 ટકાથી ઘટીને માર્ચમાં 1.90 ટકા થયો છે. શાકભાજીના મોંઘવારી દરમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે અને તે ફેબ્રુઆરીમાં 4.73 ટકાથી ઘટીને માર્ચમાં 1.45 ટકા થયો છે.

સવાલ: પરંતુ શું સામાન્ય માણસને બજારમાં વસ્તુ ખરીદતી વખતે આ રાહત મળી રહી છે?

જવાબ: જથ્થાબંધ બજારમાં ભલે કેટલીક વસ્તુઓના ભાવ ઘટ્યા હોય, પરંતુ સામાન્ય માણસ જે કિંમતે વસ્તુ ખરીદે છે (છૂટક ફુગાવો અથવા CPI) તેમાં થોડો વધારો થયો છે. ગ્રાહક ભાવ સૂચકાંક આધારિત છૂટક મોંઘવારી માર્ચમાં વધીને 3.4 ટકા થઈ ગઈ હતી, જ્યારે ફેબ્રુઆરીમાં તે 3.21 ટકા હતી. આ વધારો મુખ્યત્વે કેટલીક પસંદગીની ખાદ્ય વસ્તુઓના ભાવ વધવાને કારણે થયો છે.

સવાલ: શું આ મોંઘવારીથી મારા બેંક લોન અથવા EMI પર કોઈ અસર પડશે?

જવાબ: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા મુખ્યત્વે બેંક લોન અને વ્યાજ દર નક્કી કરવા માટે રિટેલ ફુગાવા (CPI) પર નજર રાખે છે. રિટેલ ફુગાવાની વર્તમાન સ્થિતિ નિયંત્રણમાં છે તે જોતાં, RBI એ આ મહિનાની શરૂઆતમાં તેની નાણાકીય નીતિમાં વ્યાજ દરો યથાવત રાખ્યા હતા. તેથી, હાલમાં તમારા EMI પર કોઈ અસર થતી નથી.

સવાલ: અર્થતંત્ર અને વેપાર માટે ભવિષ્યની સંભાવનાઓ શું છે?

જવાબ: પશ્ચિમ એશિયાની પડકારજનક પરિસ્થિતિ વચ્ચે વેપાર ક્ષેત્ર માટે એક સકારાત્મક સમાચાર પણ છે. વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે વેપાર આંકડાઓ અંગે માહિતી આપતા જણાવ્યું કે ભારત અને બ્રિટન વચ્ચે મુક્ત વેપાર કરાર (FTA) મે મહિનામાં લાગુ થઈ શકે છે. તેના કારણે આવનારા સમયમાં આંતરરાષ્ટ્રીય વેપારને નવી ગતિ મળવાની સંભાવના છે. હાલની પરિસ્થિતિથી સ્પષ્ટ થાય છે કે પશ્ચિમ એશિયાના સંકટે માર્ચ મહિનામાં ભારતના નિકાસ અને આયાત બંને પર ગંભીર અસર કરી છે. તેમ છતાં, પેટ્રોલ-ડીઝલ પર ટેક્સમાં ઘટાડા જેવી ઘરેલુ રાહતો અને મેમાં શક્ય ભારત-બ્રિટન વેપાર કરાર (FTA) ભારતીય અર્થવ્યવસ્થા માટે આગળનો માર્ગ મજબૂત બનાવી શકે છે.

આ પણ વાંચો: TCS Nashik: જરૂરિયાતમંદોને બનાવ્યા શિકાર, જાતીય શોષણ અને ધર્માંતરણના આરોપ

Back to top button