ઉર્વશી ઢોલકિયાના આરોપ પર આસિત મોદીનો વળતો જવાબ, કહ્યું- ‘કારણ વિના મારૂં નામ…’

Urvashi Dholakia vs Asit Kumarr Modi: ટીવીની જાણીતી અભિનેત્રી ઉર્વશી ઢોલકિયા અને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નિર્માતા અસિત કુમાર મોદી વચ્ચે સોશિયલ મીડિયા પર જંગ છેડાયો છે. જુહુ વિસ્તારમાં મોડી રાત સુધી ચાલતા બાંધકામ અને તેનાથી થતી પરેશાની બદલ ઉર્વશીએ અસિત મોદીને જવાબદાર ઠેરવ્યા હતા, જેના પર હવે અસિત મોદીએ આકરો વળતો પ્રહાર કર્યો છે.
ઉર્વશીએ શું લગાવ્યા હતા આરોપ?
ઉર્વશી ઢોલકિયાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને જુહુમાં ચાલતા કન્સ્ટ્રક્શનના કામને “મધ્યરાત્રિનો આતંક” ગણાવ્યો હતો. તેણે આક્ષેપ કર્યો હતો કે પરવાનગી વગર આખો રસ્તો બ્લોક કરી દેવામાં આવ્યો છે. ઉર્વશીએ અસિત મોદીને ટેગ કરીને લખ્યું હતું કે, “તમે અને તમારા ભાઈએ તમારી સુવિધા માટે અમારી જિંદગી અસહ્ય બનાવી દીધી છે. તમારા ભાઈએ સ્પષ્ટ કહ્યું હતું કે ‘કામ નહીં અટકે’.. તો હવે મારી પોસ્ટ પણ નહીં અટકે.”
કોન્ટ્રાક્ટરે આપી સ્પષ્ટતા
આ વિવાદ વકરતા કોન્ટ્રાક્ટર મેસર્સ મહેતા એન્ડ કંપની દ્વારા નિવેદન જારી કરવામાં આવ્યું છે. જેમાં જણાવાયું છે કે, “આ પ્રોપર્ટી અસિત કુમાર મોદીની નથી. આ બાંધકામ તમામ કાયદેસરની મંજૂરીઓ સાથે જીગ્નેશ અને મેસર્સ મહેતા એન્ડ કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે. અસિત મોદીનું નામ બિનજરૂરી રીતે આમાં ઘસડવામાં આવ્યું છે, જેનો અમે વિરોધ કરીએ છીએ.”
અસિત મોદીનો વળતો જવાબ
પોતાના પર લાગેલા આરોપો અંગે સ્પષ્ટતા કરતા અસિત કુમાર મોદીએ કહ્યું કે, “આ પ્રોપર્ટી સાથે મારો કોઈ સંબંધ નથી અને આ બાબત કોઈપણ રીતે મને સ્પર્શતી નથી. મને નવાઈ લાગે છે કે મારું નામ વગર કારણે આમાં શા માટે લેવામાં આવ્યું છે. ઉર્વશી ધોળકિયા કોઈ પણ સ્પષ્ટતા માટે સીધો મારો સંપર્ક કરી શકતી હતી.” અસિત મોદીના આ નિવેદન બાદ હવે ઉર્વશી શું પ્રતિક્રિયા આપે છે તેના પર સૌની નજર છે.
આ પણ વાંચોઃ અમદાવાદ ITAT નો મોટો નિર્ણય: ₹50 લાખથી વધુની પ્રોપર્ટી પર પણ નહીં લાગે TDS
આ પણ વાંચોઃ આ લોકોએ ભૂલથી પણ ન પીવો શેરડીનો રસ, નહીંતર સ્વાસ્થ્ય પર પડી શકે છે માઠી અસર
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X












