ટ્રેન્ડિંગનેશનલ

મુસ્લિમ લગ્નમાં DJ વગાડ્યુ તો મૌલાના નહીં પઢે નિકાહ, જાણો કેમ લેવાયો આવો નિર્ણય?

ઉત્તર પ્રદેશઃ 28 ડિસેમ્બર, 2025: ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લાના કોસીકલાં વિસ્તારમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીંના નિકાસા મહોલ્લામાં મુસ્લિમ સમુદાયની પંચાયતે એક મોટો નિર્ણય સંભળાવતા જાહેર કર્યું છે કે, જો મુસ્લિમ લગ્નોમાં ડીજે વગાડવામાં આવશે તો મૌલાના નિકાહ પઢાવશે નહીં.

નિયમ તોડનાર પર 11 હજારનો દંડ

પંચાયત દ્વારા માત્ર ડીજે જ નહીં, પરંતુ મેરેજ હોમમાં નિકાહ કરવા અને લગ્ન દરમિયાન ફટાકડા ફોડવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પંચાયતે કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે, જો કોઈ આ નિયમનો ભંગ કરશે તો તેની પાસેથી 11,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે.

શા માટે લેવાયો આ નિર્ણય?

મળતી માહિતી મુજબ, સરાયમાં ઈદગાહ કમિટી દ્વારા કુરેશી સમાજની એક મહાપંચાયત બોલાવવામાં આવી હતી. આ ચર્ચામાં લગ્નોમાં વગાડવામાં આવતા બેન્ડ-ડીજેને પરંપરાઓ અને ધાર્મિક રીતિ-રિવાજોની વિરુદ્ધ ગણાવ્યા હતા. આ જ કારણસર સમાજમાં સુધારો લાવવાના હેતુથી આ પ્રકારની જાહેરાત કરવામાં આવી છે. પંચાયતે એમ પણ કહ્યું છે કે, જો કોઈ પરિવાર આ નિયમનું પાલન નહીં કરે તો તેનો સામાજિક બહિષ્કાર પણ કરવામાં આવી શકે છે.

શું છે સમાજના નિયમો?

  • જે લગ્નમાં ડીજે અથવા બેન્ડ બાજા હશે ત્યાં સ્થાનિક મૌલાના નિકાહ નહીં પઢાવે.
  • બહારથી બોલાવવામાં આવેલા મૌલાનાને પણ નિકાહ પઢાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
  • જો કોઈ મૌલાના સમાજના આ આદેશની અવગણના કરીને નિકાહ પઢાવશે, તો તે મૌલાના પર પણ દંડ ફટકારવામાં આવશે.

સમાજના આગેવાનોનું માનવું છે કે, લગ્નોમાં થતો બિનજરૂરી ખર્ચ અને ઘોંઘાટ પરંપરાઓની મર્યાદા ઓળંગે છે, તેથી આ કડક પગલું ભરવામાં આવ્યું છે.

Back to top button