ટ્રેન્ડિંગનેશનલ

કોણ હતા ‘ફરસાવાલા બાબા’, જેના મૃત્યુથી મથુરામાં મચ્યો હોબાળો?

Chandrashekhar: આસ્થાની નગરી મથુરા અત્યારે ભક્તિમાં નહીં, પરંતુ આક્રોશમાં ડૂબેલી છે. ગૌરક્ષક સંત ચંદ્રશેખર, જેઓ ‘ફરસાવાળા બાબા’ તરીકે જાણીતા હતા, તેમના મોતના સમાચાર ફેલાતા જ સમગ્ર વિસ્તારમાં તણાવ વ્યાપી ગયો છે. લોકોના મનમાં એક જ સવાલ છે – આ અકસ્માત છે કે સુનિયોજિત હત્યા?

શું છે સમગ્ર ઘટના?

મથુરાના કોસીકલાં પોલીસ સ્ટેશન વિસ્તારના નવીપુર ગામ પાસે વહેલી સવારે અંદાજે 4 વાગ્યે આ ઘટના બની હતી. મળતી માહિતી મુજબ, બાબા ચંદ્રશેખર બાઇક પર ગૌતસ્તરોનો પીછો કરી રહ્યા હતા. આ દરમિયાન આરોપીઓએ તેમને વાહન નીચે કચડી નાખ્યા, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

રણમેદાન બન્યો હાઈવે: પથ્થરમારો અને આંસુ ગેસના ગોળા

બાબાના મોતના સમાચાર વાયુવેગે પ્રસરતા હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ગુસ્સે ભરાયેલા લોકોએ દિલ્હી-આગ્રા હાઈવે બ્લોક કરી દીધો, જેના કારણે કિલોમીટરો સુધી વાહનોની લાંબી કતારો લાગી ગઈ. પ્રદર્શન દરમિયાન સ્થિતિ ત્યારે વણસી જ્યારે ટોળાએ પોલીસ પર પથ્થરમારો શરૂ કર્યો. અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના ગોળા છોડવા પડ્યા હતા. હાલ સમગ્ર વિસ્તાર છાવણીમાં ફેરવાઈ ગયો છે.

સીએમ યોગી આદિત્યનાથની કડક સૂચના

આ ઘટનાની ગંભીરતાને જોતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તાત્કાલિક સંજ્ઞાન લીધું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, “આરોપીઓને કોઈ પણ સંજોગોમાં બક્ષવામાં આવશે નહીં.” મુખ્યમંત્રીએ અધિકારીઓને દોષિતો સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે.

તપાસની સ્થિતિ

સ્થાનિક લોકોએ એક આરોપીને પકડીને પોલીસને હવાલે કર્યો છે, જ્યારે અન્ય ત્રણ આરોપીઓ હજુ પણ ફરાર છે. ગૌરક્ષકોમાં પોલીસ પ્રત્યે ભારે નારાજગી જોવા મળી રહી છે. લોકોની માંગ છે કે જ્યાં સુધી તમામ આરોપીઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.

આ પણ વાંચોઃ શું ડોનાલ્ડ ટ્રમ્પે હાર સ્વીકારી?, હોર્મુઝ સ્ટ્રેટ પર આપ્યું મોટું નિવેદન

આ પણ વાંચોઃ Gold Price Crash: યુદ્ધને કારણે સોનાની ચમક ફીકી પડી! 1983 પછીનો સૌથી મોટો કડાકો

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button