પારદર્શિતાસરકારે FCRA કાયદામાં કર્યા ફેરફાર, NGOs માટેના નવા નિયમ લાગુ

FCRA law : કેન્દ્ર સરકારે એનજીઓ દ્વારા લેવામાં આવતા વિદેશી ફંડ પર વધુ કડક નજર રાખવા માટે FCRA (Foreign Contribution Regulation Act) નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. ગૃહ મંત્રાલય (MHA) દ્વારા બહાર પાડવામાં આવેલી નવી સૂચનાઓ મુજબ હવે વિદેશી ચંદાના ઉપયોગમાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે વધુ કડક કાર્યવાહી અને ભારે દંડની જોગવાઈ કરવામાં આવી છે.
એડમિનિસ્ટ્રેટિવ ખર્ચની મર્યાદા તોડવા પર દંડ
નવા નિયમો અનુસાર, જો કોઈ સંસ્થા વિદેશી ફંડનો 20 ટકા કરતાં વધુ ખર્ચ વહીવટી અથવા એડમિનિસ્ટ્રેટિવ કામોમાં કરશે, તો તેને એક લાખ રૂપિયા અથવા મર્યાદાથી વધુ ખર્ચેલી રકમના 5 ટકા જેટલો દંડ ભરવો પડશે — જેમાંથી જે વધુ હશે તે લાગુ પડશે.
સટ્ટાબાજી કે જોખમી પ્રવૃત્તિમાં ફંડ વાપરવા પર કડક કાર્યવાહી
સરકારે સ્પષ્ટ કર્યું છે કે જો વિદેશી ચંદાનો ઉપયોગ સટ્ટાબાજી અથવા જોખમી પ્રવૃત્તિઓમાં કરવામાં આવશે તો એક લાખ રૂપિયા અથવા તે પ્રવૃત્તિમાં વપરાયેલી રકમના 30 ટકા જેટલો દંડ વસૂલવામાં આવશે. એટલું જ નહીં, આવી પ્રવૃત્તિથી થયેલી સમગ્ર આવક પણ સરકાર જપ્ત કરશે.
નક્કી કરેલા હેતુ સિવાય ફંડ વાપરશો તો પણ દંડ
જો કોઈ સંસ્થા ખાસ હેતુ માટે મળેલા વિદેશી ફંડનો ઉપયોગ અન્ય કામમાં કરશે તો તેને પણ 30 ટકા દંડ અથવા એક લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે. નોંધણી વગર વિદેશી ફંડ સ્વીકારવું અથવા મંજૂર વિસ્તાર સિવાય તેનો ઉપયોગ કરવો પણ હવે ગંભીર ઉલ્લંઘન ગણાશે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
હવે અરજીમાં કામનો હેતુ અને વિસ્તાર જણાવવો ફરજિયાત
સરકારે FCRA હેઠળ નોંધણી માટે અરજી કરતી એનજીઓ માટે નવા નિયમો લાગુ કર્યા છે. હવે સંસ્થાઓએ અરજી કરતી વખતે તેઓ કયા હેતુ માટે કામ કરશે અને કયા રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશોમાં કામગીરી કરશે તેની સ્પષ્ટ માહિતી આપવી પડશે.
અરજીમાં માત્ર સરકાર દ્વારા નક્કી કરાયેલી કેટેગરીમાંથી જ હેતુ પસંદ કરી શકાશે. તેમાં ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, આર્થિક અને સામાજિક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.
ધર્મપરિવર્તન સંબંધિત પ્રવૃત્તિઓને બહાર રાખવામાં આવી
સરકારે સુધારેલા નિયમોમાં સ્પષ્ટ કર્યું છે કે ધર્મપરિવર્તન સાથે જોડાયેલી પ્રવૃત્તિઓને FCRA હેઠળ નોંધણી માટે યોગ્ય કેટેગરીમાં સામેલ કરવામાં આવશે નહીં.
વિદેશી નાગરિક મુખ્ય પદ પર હશે તો મંજૂરી મુશ્કેલ
નવી જોગવાઈ મુજબ, જો કોઈ સંસ્થાના મુખ્ય પદાધિકારીઓમાં વિદેશી નાગરિકો સામેલ હશે તો તેમને FCRA હેઠળ નોંધણી અથવા વિદેશી ફંડ મેળવવાની મંજૂરી સામાન્ય રીતે આપવામાં નહીં આવે. જોકે, ખાસ પરિસ્થિતિઓમાં કેન્દ્ર સરકાર અપવાદરૂપ મંજૂરી આપી શકે છે.
પારદર્શિતા અને જવાબદારી વધારવાનો પ્રયાસ
સરકારનું કહેવું છે કે આ નવા નિયમોનો મુખ્ય હેતુ એનજીઓ ક્ષેત્રમાં વધુ પારદર્શિતા, જવાબદારી અને યોગ્ય ફંડ ઉપયોગ સુનિશ્ચિત કરવાનું છે.
આ પણ વાંચો : નસીબની બલિહારી! ભારતીય મહિલાને દુબઈમાં મફતમાં મળ્યો લક્ઝરી ફ્લેટ












