ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

અમેરિકામાં હવાઈ અફરાતફરી! 10 હજારથી વધુ ફ્લાઇટ્સ રદ અને મોડી, હજારો મુસાફરો અટવાયા

અમેરિકામાં એર ટ્રાફિક વ્યવસ્થા ખોરવાતા હવાઈ મુસાફરી પર મોટી અસર જોવા મળી રહી છે. શુક્રવારે ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) દ્વારા લાદવામાં આવેલા દેશવ્યાપી ગ્રાઉન્ડ સ્ટોપની અસર રવિવાર સુધી યથાવત રહી હતી. રવિવારે પણ અમેરિકામાં 10 હજારથી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી અથવા મોડી પડી હતી. આ સ્થિતિને કારણે હજારો મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

અમેરિકાના પરિવહન સચિવ શૉન ડફીએ આશા વ્યક્ત કરી છે કે સોમવાર સુધીમાં હવાઈ સેવાઓ સામાન્ય થઈ શકે છે. બીજી તરફ, એરલાઇન્સ પણ પોતાનું ફ્લાઇટ શેડ્યૂલ ફરીથી નિયમિત કરવા માટે પ્રયાસ કરી રહી છે.

રવિવારે 2,300 ફ્લાઇટ્સ રદ, 7,700 મોડી પડી

એવિએશન ડેટા ટ્રેકર ફ્લાઇટઅવેરના આંકડા અનુસાર, રવિવારે સમગ્ર અમેરિકામાં આશરે 2,300 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી, જ્યારે 7,700થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી હતી.

શનિવારે પણ પરિસ્થિતિ ગંભીર રહી હતી. આ દિવસે 6,400થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ હતી, જ્યારે 8,000થી વધુ ફ્લાઇટ્સ વિલંબિત થઈ હતી. સતત બે દિવસ સુધી સર્જાયેલી આ સ્થિતિએ અમેરિકાની હવાઈ પરિવહન વ્યવસ્થાને મોટો ફટકો આપ્યો છે.

એક કાર્યક્રમ દરમિયાન પરિવહન સચિવ શૉન ડફીએ સાયબર હુમલાની આશંકાને ફગાવી દીધી હતી. તેમણે જણાવ્યું હતું કે મુસાફરોની સુરક્ષા FAAની સૌથી મોટી પ્રાથમિકતા છે અને સોમવાર સુધીમાં ફ્લાઇટ સેવાઓ સામાન્ય થવાની આશા છે.

જેટબ્લૂ સૌથી વધુ પ્રભાવિત, અમેરિકન એરલાઇન્સની પણ અનેક ફ્લાઇટ્સ રદ

ફ્લાઇટ રદ થવાની સૌથી વધુ અસર જેટબ્લૂ એરલાઇન્સ પર જોવા મળી હતી. રવિવારે જેટબ્લૂએ પોતાની કુલ ફ્લાઇટ્સમાંથી 28 ટકા ફ્લાઇટ્સ રદ કરી હતી. જ્યારે અમેરિકન એરલાઇન્સની 17 ટકા ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.

આ ઉપરાંત યુનાઇટેડ એરલાઇન્સ, સાઉથવેસ્ટ અને ડેલ્ટા એરલાઇન્સની પણ 3થી 5 ટકા ફ્લાઇટ્સ રદ થઈ હતી. ફ્લાઇટ્સ રદ થવા અને વિલંબિત થવાને કારણે મુસાફરોને એરપોર્ટ પર લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી.

ટ્રમ્પે 50 વર્ષ જૂની એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમને જવાબદાર ઠેરવી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ સમગ્ર સંકટ માટે દેશની જૂની એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમને જવાબદાર ગણાવી છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, અમેરિકાની વર્તમાન એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ લગભગ 50 વર્ષ જૂની છે અને તેને તાત્કાલિક આધુનિક બનાવવાની જરૂર છે.

ટ્રમ્પે આ મુદ્દે કોંગ્રેસ પાસે નવી એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ તૈયાર કરવા માટે જરૂરી ભંડોળની માગ કરી છે. તેમણે જણાવ્યું હતું કે પૂરતું ફંડ મળે તો આધુનિક અને કાર્યક્ષમ સિસ્ટમ ઝડપથી તૈયાર કરી શકાય છે.

FAAના ગ્રાઉન્ડ સ્ટોપથી પાંચ કલાક સુધી ફ્લાઇટ્સ બંધ

શુક્રવારે FAA દ્વારા દેશવ્યાપી ગ્રાઉન્ડ સ્ટોપનો આદેશ આપવામાં આવ્યો હતો. તેના કારણે અમેરિકામાં લગભગ પાંચ કલાક સુધી હવાઈ સેવાઓ અટકી ગઈ હતી. 9/11ના આતંકવાદી હુમલા બાદ હવાઈ મુસાફરીમાં સર્જાયેલી આ સૌથી લાંબી વિક્ષેપની ઘટનાઓમાંની એક ગણાઈ રહી છે.

પરિવહન સચિવ શૉન ડફીએ અગાઉ જણાવ્યું હતું કે એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમનું હાર્ડવેર ઘણું જૂનું છે અને તેમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આ ઘટના પાછળ કોઈ સાયબર હુમલો જવાબદાર નથી.

નવી સિસ્ટમ માટે કોંગ્રેસ પાસે ફંડની માગ

ટ્રમ્પ છેલ્લા એક વર્ષથી અમેરિકાની એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમને આધુનિક બનાવવા માટે કોંગ્રેસ પાસે સંપૂર્ણ ભંડોળની માગ કરી રહ્યા છે. હાલના સંકટે ફરી એકવાર જૂની ટેકનોલોજી અને હવાઈ સુરક્ષા વ્યવસ્થાના આધુનિકીકરણનો મુદ્દો ચર્ચામાં લાવી દીધો છે.

હવે તમામની નજર સોમવાર પર છે. એરલાઇન્સ પોતાનું સમયપત્રક સામાન્ય કરવા પ્રયાસ કરી રહી છે, ત્યારે લાખો મુસાફરોને આશા છે કે હવાઈ સેવાઓ ઝડપથી પૂર્વવત થશે અને ફ્લાઇટ્સનું સંચાલન ફરી નિયમિત બનશે.

આ પણ વાંચો: CNGના ભાવમાં ફરી ભડકો! ગુજરાત એનર્જીએ પ્રતિ કિલોએ ₹5 વધાર્યા, વાહનચાલકો પર મોંઘવારીનો વધુ એક માર

Back to top button