ગુજરાતમાં છઠ પૂજાની ભવ્ય ઉજવણી! અમદાવાદના સાબરમતી કિનારે ઉમટ્યું શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર, જામનગરથી વલસાડ સુધી ભક્તિમય માહોલ

ગુજરાતભરમાં લોકઆસ્થાના મહાપર્વ છઠ પૂજાની ભારે શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદ, જામનગર, વલસાડ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં વસવાટ કરતા ઉત્તર ભારતીય અને ખાસ કરીને બિહારના પરિવારો છઠ પૂજાના પર્વમાં ભક્તિભાવથી જોડાયા હતા. નદી કિનારે અને ખાસ તૈયાર કરવામાં આવેલા જળકુંડમાં વ્રતધારી મહિલાઓએ ભગવાન સૂર્યદેવ અને છઠી મૈયાની પૂજા-અર્ચના કરી હતી. ચાર દિવસીય આ પર્વના મુખ્ય પ્રસંગે સમગ્ર ગુજરાતમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો.
અમદાવાદના સાબરમતી નદીકિનારે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર
અમદાવાદમાં છઠ પૂજાની ભવ્ય ઉજવણી જોવા મળી હતી. શહેરના સુભાષ બ્રિજથી લઈને ઇન્દિરા બ્રિજ સુધી સાબરમતી નદીના કિનારે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. વ્રતધારી મહિલાઓએ પરંપરાગત વસ્ત્રો ધારણ કરીને પરિવારજનો સાથે પૂજાની સામગ્રી, ફળફળાદિ અને પ્રસાદ સાથે નદી કિનારે પહોંચી સૂર્યદેવને સાંજનું અર્ઘ્ય અર્પણ કર્યું હતું.
ઇન્દિરા બ્રિજ નીચે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતાં પૂજા માટે જગ્યા ઓછી પડી હતી. જેના કારણે કેટલાક શ્રદ્ધાળુઓએ ભદ્રેશ્વરના કિનારે પણ પૂજન-અર્ચન કર્યું હતું. સમગ્ર સાબરમતી નદીકિનારો છઠ પૂજાના પરંપરાગત ગીતો અને ધાર્મિક જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો.
જામનગરના બાલાજી પાર્ક સહિતના વિસ્તારોમાં ભક્તિનો માહોલ
જામનગર શહેરમાં પણ છઠ પૂજાને લઈને ઉત્તર ભારતીય સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. શહેરના વોર્ડ નંબર 6માં આવેલા બાલાજી પાર્ક ઉપરાંત સેનાનગર અને રવિ પાર્ક વિસ્તારમાં વસવાટ કરતા બિહારી સમાજના લોકોએ શ્રદ્ધાપૂર્વક પર્વની ઉજવણી કરી હતી.
વ્રતધારી મહિલાઓની સુવિધા માટે આ વિસ્તારોમાં ખાસ પાણીના કુંડ તૈયાર કરવામાં આવ્યા હતા. વહેલી સવારથી જ મહિલાઓ પરિવારજનો સાથે પૂજાની સામગ્રી લઈને કુંડ ખાતે પહોંચી હતી. પાણીમાં ઊભા રહીને છઠી મૈયા અને ભગવાન સૂર્યદેવની વિધિવત પૂજા કરી પરિવારની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
આ પ્રસંગે સ્થાનિક રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને સમાજના લોકોને પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. છઠ મૈયાનાં પરંપરાગત લોકગીતોથી સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ગયો હતો.
વલસાડ અને દક્ષિણ ગુજરાતમાં પણ છઠ પૂજાની ધૂમ
દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં પણ છઠ પૂજાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વલસાડ ઉપરાંત વાપી, ધરમપુર, કપરાડા, ઉમરગામ અને પારડી તાલુકાના વિવિધ વિસ્તારોમાં ઉત્તર ભારતીય સમાજના લોકો નદી કિનારે એકત્રિત થયા હતા.
વાપીમાં દમણગંગા નદીના કિનારે છઠ પૂજાને લઈને વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પૂજા માટે ઉમટી પડતાં સુરક્ષા વ્યવસ્થા પણ મજબૂત કરવામાં આવી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર તૈનાત રહ્યો હતો.
વ્રતધારી મહિલાઓએ પરંપરાગત વિધિ પ્રમાણે ઉપવાસ રાખીને અસ્તાચળગામી સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કર્યું હતું. ધાર્મિક મંત્રોચ્ચાર અને છઠ મૈયાના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
દમણ અને દાદરા નગર હવેલીમાં પણ પરંપરાગત ઉજવણી
ગુજરાતની સાથે સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ઉત્તર ભારતીય પરિવારો દ્વારા છઠ પૂજાની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. નદી અને જળાશયોના કિનારે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા અને પરિવારની સુખાકારી, આરોગ્ય તથા સમૃદ્ધિ માટે સૂર્યદેવની આરાધના કરી હતી.
છઠ પૂજા માત્ર ધાર્મિક પર્વ જ નહીં, પરંતુ ઉત્તર ભારતીય સમાજની સંસ્કૃતિ, પરંપરા અને સામાજિક એકતાનું પ્રતીક પણ છે. રોજગારી અને વ્યવસાય અર્થે પોતાના વતનથી દૂર ગુજરાતમાં સ્થાયી થયેલા પરિવારો આ પર્વ દ્વારા પોતાની પરંપરા અને સંસ્કૃતિને જીવંત રાખી રહ્યા છે. ગુજરાતભરમાં થયેલી આ ભવ્ય ઉજવણીમાં આસ્થા, શ્રદ્ધા અને સામાજિક એકતાનો સુંદર સંગમ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો: અમેરિકામાં હવાઈ અફરાતફરી! 10 હજારથી વધુ ફ્લાઇટ્સ રદ અને મોડી, હજારો મુસાફરો અટવાયા












