એર ઇન્ડિયાનો મોટો નિર્ણય, દિલ્હી-મુંબઈથી ન્યૂયોર્કની નોન-સ્ટોપ ફ્લાઇટ ફરી શરૂ

Air India Flights : ભારતથી અમેરિકા જતાં હવાઈ મુસાફરો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. એર ઇન્ડિયા (Air India)એ દિલ્હી અને મુંબઈથી ન્યૂયોર્ક જતી તમામ નોન-સ્ટોપ ફ્લાઇટ સેવાઓ ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે. હવાઈ ક્ષેત્ર (Airspace) પર લાગેલા પ્રતિબંધો હટ્યા બાદ એરલાઇને આ નિર્ણય લીધો છે. હવે મુસાફરોને વચ્ચે કોઈ ટેકનિકલ સ્ટોપ લીધા વિના સીધા ન્યૂયોર્ક પહોંચવાની સુવિધા મળશે. આ ફેરફારથી મુસાફરીના સમયમાં પાંચ કલાક સુધીની બચત થઈ શકે છે.
પહેલાં રોમમાં લેવું પડતું હતું ટેકનિકલ સ્ટોપ
અગાઉ હવાઈ ક્ષેત્ર પરના પ્રતિબંધોને કારણે એર ઇન્ડિયાની કેટલીક અમેરિકા જતી ફ્લાઇટ્સના રૂટમાં ફેરફાર કરવો પડ્યો હતો. દિલ્હી અને મુંબઈથી ન્યૂયોર્ક જતી કેટલીક ફ્લાઇટ્સને ઇંધણ ભરવા માટે ઇટાલીના રોમમાં ટેકનિકલ સ્ટોપ (Technical Stop) લેવો પડતો હતો. આ કારણે મુસાફરીનો સમય વધીને લગભગ 22 કલાક સુધી પહોંચી જતો હતો. હવે નોન-સ્ટોપ સેવા ફરી શરૂ થતાં આ જ મુસાફરી લગભગ 17 કલાકમાં પૂર્ણ થઈ શકશે. એટલે કે મુસાફરોના પાંચ કલાક સુધી બચી શકશે.
પાકિસ્તાન અને મધ્ય પૂર્વના તણાવની ફ્લાઇટ્સ પર અસર
આ વર્ષે પાકિસ્તાન દ્વારા ભારતીય વિમાનો માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરવામાં આવ્યા બાદ એર ઇન્ડિયાની અમેરિકા જતી ફ્લાઇટ્સના સંચાલન પર અસર પડી હતી. આ ઉપરાંત મધ્ય પૂર્વના કેટલાક વિસ્તારોમાં પ્રાદેશિક તણાવને કારણે પણ હવાઈ ક્ષેત્ર પર પ્રતિબંધો લાગ્યા હતા. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એર ઇન્ડિયાએ પોતાના ફ્લાઇટ રૂટમાં ફેરફાર કર્યા હતા. હવે હવાઈ ક્ષેત્ર ફરી ખુલતાં એરલાઇન જૂની નોન-સ્ટોપ સેવાઓ પુનઃસ્થાપિત કરી રહી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
દિલ્હી અને મુંબઈથી ન્યૂયોર્ક માટે કેટલી ફ્લાઇટ મળશે?
એર ઇન્ડિયાએ ભારત અને અમેરિકા વચ્ચેના ચારેય રૂટ પર નોન-સ્ટોપ ફ્લાઇટ સેવા ફરી શરૂ કરી છે. તેમાં નીચેના રૂટનો સમાવેશ થાય છે.
-
દિલ્હીથી ન્યૂયોર્કના જ્હોન એફ. કેનેડી ઇન્ટરનેશનલ એરપોર્ટ (JFK) માટે દરરોજ એક ફ્લાઇટ.
-
દિલ્હીથી નેવાર્ક લિબર્ટી ઇન્ટરનેશનલ એરપોર્ટ (EWR) માટે અઠવાડિયામાં ચાર ફ્લાઇટ.
-
મુંબઈથી ન્યૂયોર્કના JFK એરપોર્ટ માટે દરરોજ એક ફ્લાઇટ.
-
મુંબઈથી નેવાર્ક એરપોર્ટ માટે અઠવાડિયામાં ત્રણ ફ્લાઇટ.
આ સેવાઓથી ભારત અને અમેરિકા વચ્ચે મુસાફરી કરતા લોકોને વધુ સીધો અને અનુકૂળ વિકલ્પ મળશે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
મુસાફરોને મળશે અપગ્રેડેડ કેબિન અને નવી સુવિધાઓ
એર ઇન્ડિયા આ રૂટ પર મુસાફરોને વધુ સારી સુવિધાઓ આપવા માટે નવા ઓનબોર્ડ પ્રોડક્ટ્સ (Onboard Products) અને અપગ્રેડેડ કેબિન (Upgraded Cabin) પણ ઉપલબ્ધ કરાવી રહી છે.દિલ્હીથી JFK અને નેવાર્ક જતી ફ્લાઇટ્સમાં Airbus A350-900 વિમાનનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં બિઝનેસ ક્લાસ, પ્રીમિયમ ઇકોનોમી અને ઇકોનોમી ક્લાસની સુવિધા છે. બિઝનેસ ક્લાસમાં સંપૂર્ણપણે પથારી જેવી બની શકે તેવી ફ્લેટ-બેડ સીટ્સ અને આધુનિક ઇન-ફ્લાઇટ એન્ટરટેઇનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે.
બીજી તરફ, મુંબઈથી ન્યૂયોર્કના બંને રૂટ પર Boeing 777-300ER વિમાનનું સંચાલન થાય છે. તેમાં ફર્સ્ટ ક્લાસમાં પ્રાઇવસી ડોરવાળા સ્યુટ, બિઝનેસ ક્લાસમાં ફ્લેટ-બેડ સીટ્સ અને વધુ સુવિધાજનક ઇકોનોમી કેબિન ઉપલબ્ધ છે. નોન-સ્ટોપ ફ્લાઇટ સેવા ફરી શરૂ થવાથી ભારત અને અમેરિકા વચ્ચે મુસાફરી કરતા લોકોને સમયની બચત સાથે વધુ આરામદાયક પ્રવાસનો અનુભવ મળશે.
આ પણ વાંચો : ગુજરાતમાં પ્રેમસંબંધના બે કરુણ બનાવ: પાટણમાં પ્રેમી યુગલનાં મોત, ગોધરા-ઘોઘંબામાં અલગ-અલગ ઘટનાઓ











